અમદાવાદ શહેરમાં બે અલગ-અલગ સ્થળોએ અકસ્માતની ગંભીર ઘટનાઓ સામે આવી છે, જેમાં એક યુવકનું ઘટનાસ્થળે જ દુખદ અવસાન થયું છે, જ્યારે અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતો શહેરના પૂર્વ વિસ્તારના વસ્ત્રાલ રિંગ રોડ અને જજીસ બંગલો રોડ પર થયા હતા.
અમદાવાદ વસ્ત્રાલ રિંગ રોડ પર બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત
પ્રાપ્ત માહિતી અનુસાર, નીતિન ચુનારા નામનો યુવક તેના બે મિત્રો સાથે માતાજીના દર્શન કરી પરત ફરી રહ્યો હતો. તેઓ વસ્ત્રાલ રિંગ રોડ પર આવેલા વેદ મોલ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક બેફામ ઝડપે આવી રહેલા ટ્રકચાલકે તેમની બાઈકને જોરદાર ટક્કર મારી. આ દુર્ઘટનામાં ત્રણેય યુવકો નીચે પટકાયા, જેમાં નીતિન ચુનારાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. અન્ય બે મિત્રો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા, જેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.
અકસ્માતના પગલે સ્થાનિકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી. આઇ ડિવિઝન પોલીસ અને ટ્રાફિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. ટ્રકચાલક સામે ગુનો નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે.

જજીસ બંગલો રોડ પર અજાણ્યા કારચાલક દ્વારા મહિલા ઈજાગ્રસ્ત
બીજી દુર્ઘટના અમદાવાદ શહેરના જજીસ બંગલો રોડ પર બની, જ્યાં એક અજાણ્યા કારચાલકે રસ્તા પર ચાલતી જતી એક મહિલાને ટક્કર મારી દીધી. આ અચાનક થયેલા અકસ્માતમાં મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.
પ્રાથમિક માહિતી અનુસાર, અકસ્માત કરનાર ગાડી મર્સિડીઝ હતી. ઘટનાની ગંભીરતા જોઈને કારચાલક ત્યાંથી નાસી છૂટ્યો. પોલીસ દ્વારા નજીકના સીસીટીવી ફૂટેજના આધારે આરોપી કારચાલકને શોધી કાઢવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
આ બંને અકસ્માતોની ઘટનાને લઈને અમદાવાદ શહેરમાં સુરક્ષા અને ટ્રાફિક નિયમન અંગે ફરી સવાલો ઊભા થયા છે. લોકોએ તંત્ર પાસે માર્ગ સલામતીની સત્તત ખાતરી કરવા અને અકસ્માત નિવારણ માટે યોગ્ય પગલાં ભરવાની માગ કરી છે.
