AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

ટ્યુશન ક્લાસના ઝઘડામાં ધો.11ના વિદ્યાર્થીને છરીના ઘા, બાપુનગરમાં ચકચાર

ટ્યુશન
Share

Ahmedabad શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સ્કૂલ અને ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડા અને હિંસાની ઘટનાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં બાપુનગર વિસ્તારના હીરાવાડી વિસ્તારમાં ટ્યુશન ક્લાસમાં થયેલી બોલાચાલી બાદ ધોરણ 11ના એક વિદ્યાર્થીને તેના જ સાથી વિદ્યાર્થીએ છરી મારી દેવાની ઘટના સામે આવી છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યારે પોલીસે આરોપી સગીર સામે ગુનો નોંધ્યો છે.

ટ્યુશન ક્લાસના ઝઘડા

ટ્યુશન ક્લાસમાં બેસવાની જગ્યા મુદ્દે શરૂ થયો વિવાદ

મળતી માહિતી મુજબ, બાપુનગર વિસ્તારમાં રહેતો 17 વર્ષીય સગીર વિદ્યાર્થી ભગવતી વિદ્યાલયમાં ધોરણ 11માં અભ્યાસ કરે છે. તે પ્રતીક્ષા માર્કેટ પાસે આવેલા કોમર્સ એક્સપોર્ટ ટ્યુશન ક્લાસીસમાં ભણવા માટે જતો હતો. તેની સાથે જ સ્કૂલમાં અભ્યાસ કરતો બીજો વિદ્યાર્થી પણ આ જ ટ્યુશન ક્લાસમાં આવતો હતો.

15 માર્ચના રોજ ટ્યુશન ક્લાસ દરમિયાન રૂમમાં જગ્યા ન હોવાથી એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને બીજા રૂમમાં બેસવા માટે કહ્યું હતું. આ બાબતે બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ અને વાત ગાળાગાળી સુધી પહોંચી ગઈ. ટ્યુશન ક્લાસમાં થયેલો આ વિવાદ બાદમાં વધુ ઉગ્ર બની ગયો.

ટ્યુશન ક્લાસનાં સીસીટીવી.

ક્લાસ પૂરા થયા બાદ છરીથી હુમલો

બપોરના સમયે જ્યારે ઇજાગ્રસ્ત વિદ્યાર્થી હીરાવાડી વિસ્તારમાં તુલસી ફ્લેટ નજીક આવેલી ભોમિયા ડેરી પાસે ઉભો હતો ત્યારે તેનો સાથી વિદ્યાર્થી ત્યાં પહોંચ્યો હતો. ટ્યુશન ક્લાસમાં થયેલી બોલાચાલીનો ગુસ્સો રાખીને તેણે પોતાના પાસે રહેલો છરો કાઢ્યો અને ઇજાગ્રસ્ત વિદ્યાર્થીના પેટના ડાબા ભાગે એક ઘા મારી દીધો.

આ હુમલા બાદ સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. બૂમાબૂમ સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા. હુમલો કરનાર વિદ્યાર્થી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

બાપુનગરમાં હીરાવાડી નજીક ડેરી પાસે ધો. 11ના વિદ્યાર્થીને છરી મારી દીધી હતી.

મિત્રએ રીક્ષામાં હોસ્પિટલ પહોંચાડ્યો

હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા વિદ્યાર્થીને લોહીલુહાણ હાલતમાં તેના મિત્રે તાત્કાલિક રીક્ષામાં બેસાડીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયો હતો. હાલ વિદ્યાર્થી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતાં બાપુનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.

આ જગ્યાએ ઝઘડો કર્યો હતો.

પોલીસે સગીર સામે ગુનો નોંધ્યો

આ મામલે H ડિવિઝનના એસીપી કૃણાલ દેસાઈએ જણાવ્યું હતું કે, ધોરણ 11માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ વચ્ચે ટ્યુશન ક્લાસમાં થયેલી બોલાચાલી બાદ હુમલો થયો હતો. ફરિયાદના આધારે બાપુનગર પોલીસે આરોપી સગીર વિદ્યાર્થી વિરુદ્ધ ગુનો નોંધી તેને અટક કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

અગાઉ પણ આવી ઘટનાઓ સામે આવી

અમદાવાદમાં વિદ્યાર્થીઓ વચ્ચે હિંસાની આ પહેલી ઘટના નથી. ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં 19 ઓગસ્ટ 2025ના રોજ ધોરણ 10ના વિદ્યાર્થી નયનની તેના જ સહપાઠીએ બોક્સ કટરથી હત્યા કરી હતી. આ ઘટના શહેરમાં ભારે ચર્ચાનો વિષય બની હતી.

તે ઉપરાંત ઘાટલોડિયા વિસ્તારમાં નેશનલ સ્કૂલ બહાર પણ વિદ્યાર્થીઓ વચ્ચે છરીથી હુમલો થવાનો બનાવ સામે આવ્યો હતો. આ તમામ ઘટનાઓ બાદ શહેરમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને શાળાઓમાં શિસ્ત અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.

સમાજ અને વાલીઓમાં ચિંતા

વિદ્યાર્થીઓ વચ્ચે વધતી હિંસાની ઘટનાઓને લઈને વાલીઓ અને શિક્ષણ જગતમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે, વિદ્યાર્થીઓમાં વધતો તણાવ, મોબાઇલ અને સોશિયલ મીડિયાનો પ્રભાવ તેમજ ગુસ્સા પર કાબૂ ન રાખવાની માનસિકતા આવા બનાવોને જન્મ આપે છે.

શાળા સંચાલકો, શિક્ષકો અને વાલીઓએ મળીને વિદ્યાર્થીઓમાં સંવાદ, સહનશીલતા અને શિસ્તના મૂલ્યો વિકસાવવાની જરૂરિયાત પર ભાર મુકાયો છે. શહેરમાં વિદ્યાર્થીઓ વચ્ચે વધતી હિંસા પર સમયસર નિયંત્રણ ન લાવવામાં આવે તો આવી ઘટનાઓ વધુ ગંભીર બની શકે છે.

વધુ સમાચાર વાંચો :

CAR-T સેલ થેરેપીથી બ્લડ કેન્સરનો ઇલાજ હવે ગુજરાતમાં જ શક્ય

https://abplusnews.com/treatment-of-blood-cancer-with-car-t-cell/

https://www.youtube.com/watch?v=J1i9Z83vHp0

Share

Related posts

તોફાની પવન અને વરસાદના તોફાને ગુજરાતમાં જીવલેણ અસર ઉભી કરી

abplusnews

અમદાવાદમાં સાસરિયાના ત્રાસથી કંટાળેલી યુવતીએ જીવન ટૂંકાવ્યું

abplusnews

ગુજરાતમાં NEP આધારીત પાઠ્યપુસ્તક ફેરફાર: ધો. 1, 6-8, 12માં અપડેટ

abplusnews

Leave a Comment