અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ( GSEB ) દ્વારા લેવાયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરિણામો આજે સવારે 10 વાગ્યે જાહેર કરવામાં આવશે. આ પરિણામોમાં ધોરણ 12ના સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ – ત્રણેય પ્રવાહ સાથે GUJCETનું પરિણામ પણ એકસાથે જાહેર થશે, જેના કારણે વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
આ વર્ષે ફેબ્રુઆરી-માર્ચ દરમિયાન યોજાયેલી GSEB પરીક્ષાઓમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ધોરણ 12 સાયન્સ પ્રવાહમાં 1,19,263 વિદ્યાર્થીઓ અને સામાન્ય પ્રવાહ (કોમર્સ અને આર્ટ્સ)માં 5,01,286 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. કુલ મળીને ધોરણ 12માં આશરે 6.20 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે.
જો ધોરણ 10 અને 12 બંનેની વાત કરીએ તો આ વર્ષે કુલ 15,27,724 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી ધોરણ 10માં 9,07,175 વિદ્યાર્થીઓ, ધોરણ 12 સાયન્સમાં 1,19,263 અને સામાન્ય પ્રવાહમાં 5,01,286 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. પરિણામ જાહેર થતા જ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રાહતનો માહોલ જોવા મળશે.
બીજી તરફ, મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશ માટે મહત્વપૂર્ણ NEET પરીક્ષા પણ તાજેતરમાં યોજાઈ હતી. 3 મેના રોજ યોજાયેલી આ પરીક્ષામાં ગુજરાતમાંથી 85,000થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. દેશભરમાં 552 શહેરો અને 14 આંતરરાષ્ટ્રીય કેન્દ્રો પર આ પરીક્ષા લેવાઈ હતી, જ્યારે ગુજરાતમાં 31 શહેરોમાં કેન્દ્રો ગોઠવાયા હતા.
અમદાવાદ, ગાંધીનગર સહિતના મુખ્ય શહેરોમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યાં માત્ર આ બે શહેરોમાંથી જ આશરે 12,000 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓના પ્રતિસાદ અનુસાર બાયોલોજીનું પેપર સરળ રહ્યું હતું, જ્યારે ફિઝિક્સ અને કેમિસ્ટ્રી થોડું મુશ્કેલ ગણાયું હતું.
હવે બોર્ડના પરિણામો સાથે વિદ્યાર્થીઓના ભવિષ્યના નિર્ણયો પણ સ્પષ્ટ બનશે.
વધુ સમાચાર વાંચો :
CAR-T સેલ થેરેપીથી બ્લડ કેન્સરનો ઇલાજ હવે ગુજરાતમાં જ શક્ય
https://abplusnews.com/treatment-of-blood-cancer-with-car-t-cell/
