AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

વસ્તી ગણતરી માટે અમદાવાદ RTO ના 66 કર્મચારીઓને ફરજ સોંપાઈ

RTO
Share

અમદાવાદ શહેરના આરટીઓ વિભાગમાં પહેલાથી જ સ્ટાફની અછત વચ્ચે હવે વસ્તી ગણતરીની કામગીરીનો વધારાનો બોજ પડતા પ્રશાસન માટે નવી મુશ્કેલી ઉભી થઈ છે. રાજ્ય સરકાર દ્વારા આગામી વસ્તી ગણતરી અભિયાન માટે વિવિધ સરકારી વિભાગોના કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી રહી છે, જેમાં અમદાવાદ RTO ના મોટાભાગના કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. RTO માં હાલ કુલ 69 કર્મચારીઓ ફરજ બજાવે છે, જેમાંથી 66 કર્મચારીઓને વસ્તી ગણતરીની કામગીરી માટે નિયુક્ત કરવામાં આવ્યા છે.

માહિતી અનુસાર, માત્ર ત્રણ કર્મચારીઓને આ કામગીરીમાંથી મુક્ત રાખવામાં આવ્યા છે. તેમાં એક કર્મચારી આગામી બે મહિનામાં નિવૃત્ત થવાનો હોવાથી અને બે કર્મચારીઓ તાજેતરમાં જ જોડાયા હોવાથી તેમને ઓર્ડર આપવામાં આવ્યા નથી. બાકીના તમામ કર્મચારીઓને વસ્તી ગણતરી માટે ફિલ્ડમાં જવાની ફરજ પડશે.

RTOઆ પરિસ્થિતિને કારણે RTO કચેરીની દૈનિક કામગીરી પર સીધી અસર જોવા મળી રહી છે. થોડા દિવસો પહેલા 66 કર્મચારીઓને એકસાથે ટ્રેનિંગ માટે બોલાવવામાં આવતા કચેરીની લગભગ તમામ કામગીરી પ્રભાવિત થઈ હતી. પરિણામે અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દરરોજ અમદાવાદ RTO ખાતે ડ્રાઇવિંગ લાયસન્સ માટે અંદાજે 250, વાહન નોંધણી અને અન્ય કામગીરી માટે 200 તેમજ પરમિટ સહિતની કામગીરી માટે આશરે 350 જેટલા અરજદારો આવતા હોય છે. પરંતુ સ્ટાફની ગેરહાજરીને કારણે ઘણા લોકોના કામ અધૂરા રહ્યા હતા અને તેમને બીજા દિવસે ફરી આવવું પડ્યું હતું.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવે RTO વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. કચેરી સંપૂર્ણપણે બંધ કરવાની નોબત ન આવે તે માટે હવે કર્મચારીઓને એકસાથે ટ્રેનિંગ માટે બોલાવવામાં નહીં આવે. તેના બદલે અડધો-અડધો સ્ટાફ અલગ અલગ સમયમાં ટ્રેનિંગમાં હાજરી આપશે. આ પગલાથી કચેરીની દૈનિક કામગીરી ચાલુ રાખવામાં મદદ મળશે.

વધુમાં, વસ્તી ગણતરીની કામગીરી શરૂ થયા બાદ આરટીઓના કર્મચારીઓને ઓફિસ સમય પૂર્ણ થયા પછી અથવા વધારાના સમયમાં કામગીરી કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. એટલે કે કર્મચારીઓને હવે RTO ની નિયમિત કામગીરી સાથે વસ્તી ગણતરીની ફરજ પણ નિભાવવી પડશે. સ્ટાફ પર વધતા બોજને કારણે કર્મચારીઓમાં ચિંતા પણ જોવા મળી રહી છે.

આરટીઓના અધિકારીઓએ સરકાર સમક્ષ વધારાના સ્ટાફની માંગણી પણ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમનું કહેવું છે કે જો પૂરતો સ્ટાફ ઉપલબ્ધ નહીં થાય તો જાહેર સેવાઓ પર અસર થઈ શકે છે. બીજી તરફ, સરકાર દ્વારા વસ્તી ગણતરીની કામગીરી માટે નિયુક્ત કર્મચારીઓને મહેનતાણું આપવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

હાલ માટે RTO વિભાગ બંને જવાબદારીઓ વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ આવનારા દિવસોમાં કામગીરીનું દબાણ વધુ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


Share

Related posts

SMC ની મોટી સફળતા: 4.14 કરોડના ડ્રગ્સ સાથે 25 પેડલર્સ ઝડપાયા

abplusnews

ગુજરાતમાં કોરોના કેસમાં વધારો: અમદાવાદમાં 175 નવા કેસ નોંધાયા

abplusnews

અમદાવાદમાં 824 કરોડનો નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર, અમિત શાહ કરશે લોકાર્પણ

abplusnews

Leave a Comment