અમદાવાદ શહેરના કુબેરનગર વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં રિક્ષામાં છુપાવીને પશુ માંસની તસ્કરી કરવામાં આવતી હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. સ્થાનિક ગૌરક્ષકો ની સતર્કતાને કારણે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ઝડપાઈ ગઈ હતી. ઘટના બાદ વિસ્તારમાં ભારે તંગદિલીનો માહોલ સર્જાયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, ગૌરક્ષકો ને બાતમી મળી હતી કે કુબેરનગર વિસ્તારમાંથી એક રિક્ષા પસાર થવાની છે, જેમાં મોટી માત્રામાં પશુ માંસ ભરેલું છે. આ બાતમીના આધારે ગૌરક્ષકો દ્વારા વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી. થોડા સમય બાદ શંકાસ્પદ રિક્ષા દેખાતા તેને રોકવામાં આવી હતી. રિક્ષાની તપાસ કરતા ડ્રાઇવર સીટની નીચે તેમજ પાછળના ભાગે સીટમાં ઢાંકીને રાખેલા પશુ માંસના ટુકડાઓ મળી આવ્યા હતા, જે કાપેલી હાલતમાં હતા.
આ ઘટનાથી સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. રિક્ષામાં ગેરકાયદેસર રીતે પશુ માંસની હેરફેર થતી હોવાની માહિતી મળતા લોકો એકત્ર થઈ ગયા હતા. આરોપી રિક્ષાચાલકને ગૌરક્ષકો અને સ્થાનિકોએ માર માર્યો હતો, જેના કારણે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ઘટનાની જાણ થતા જ સરદારનગર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.
ઇજાગ્રસ્ત રિક્ષાચાલકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલુ છે. પોલીસ દ્વારા ઘટનાસ્થળેથી મળેલ પશુ માંસ તથા રિક્ષા કબજે લેવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં રિક્ષામાં તસ્કરી માટે ઉપયોગમાં લેવાતી વ્યવસ્થા તથા સાધનો પણ મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે, જેમાં એક ખંજર પણ મળી આવ્યો હતો.
આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પશુ માંસને વૈજ્ઞાનિક તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ખાતે મોકલવામાં આવ્યું છે, જેથી સ્પષ્ટ થઈ શકે કે તે કયા પ્રકારનું માંસ છે અને તેની પાછળનો ઉદ્દેશ શું હતો. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, રિપોર્ટ મળ્યા બાદ વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ અંગે એસ.એ. ગોહિલ (PI, સરદારનગર પોલીસ સ્ટેશન)એ જણાવ્યું હતું કે, સમગ્ર મામલે ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે. આરોપી રિક્ષાચાલકની પૂછપરછ બાદ તસ્કરીના જાળામાં અન્ય લોકો સંડોવાયેલા હોવાની શક્યતાઓ પણ તપાસવામાં આવશે.
આ ઘટનાએ શહેરમાં ફરી એકવાર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને કાયદો-વ્યવસ્થા અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. સાથે જ, કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે કાયદો હાથમાં લેવા બદલે તાત્કાલિક પોલીસને જાણ કરવાની પણ જરૂરિયાત પર ભાર મુકાયો છે. પોલીસ દ્વારા પણ નાગરિકોને શાંતિ જાળવવાની અપીલ કરવામાં આવી છે.
આ કેસની આગળની તપાસમાં વધુ ખુલાસાઓ થવાની શક્યતા છે, જે સમગ્ર નેટવર્કને બહાર લાવવામાં મદદરૂપ બની શકે છે.
વધુ સમાચાર વાંચો :
CAR-T સેલ થેરેપીથી બ્લડ કેન્સરનો ઇલાજ હવે ગુજરાતમાં જ શક્ય
https://abplusnews.com/treatment-of-blood-cancer-with-car-t-cell/



