AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

નવા નરોડામાં ગણેશ ચતુર્થીના કાર્યક્રમ દરમ્યાન અકસ્માત, મહિલાઓ-બાળકો સહિત અનેક ઇજાગ્રસ્ત

ગણેશ
Share

અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં 27 ઓગસ્ટની મોડી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો હતો. બાપા સીતારામ ચોક પાસે પંચમુખી હનુમાન ગ્રુપ દ્વારા ભગવાન ગણેશ ની ભવ્ય સ્થાપનાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણેશ ચતુર્થીને લઇને મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. તે દરમિયાન અચાનક જ નજીકના એક કોમ્પ્લેક્સનો સ્લેબ ધરાશાયી થવાથી સ્થળ પર ભારે હાહાકાર મચ્યો હતો. આ ઘટનામાં મહિલાઓ અને બાળકો સહિત 10થી વધુ લોકો સીધા ભોંયરામાં પટકાયા હતા.

ઘટના અંગે મળતી માહિતી મુજબ, રાત્રે લગભગ 9 વાગ્યાની આસપાસ લોકો ભગવાન ગણેશ ના દર્શન કરવા પહોંચ્યા હતા. ડીજેના તાલ પર ગણેશ જીની મૂર્તિ સ્થાપનાનું આયોજન ચાલી રહ્યું હતું ત્યારે જ અચાનક સ્લેબ તૂટી પડ્યો હતો. નીચે પડેલા સ્લેબ સાથે કેટલાક લોકો ભોંયરામાં દટાઈ ગયા હતા. આ સમયે એક મહિલાએ પોતાના નાના બાળકને બચાવવા માટે ચીસા પાડ્યા હતા, જેને સાંભળી સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા અને કાટમાળ હટાવીને લોકોને બહાર કાઢવાના પ્રયત્નો હાથ ધર્યા.

ફાયર વિભાગની ટીમ પણ દોડી આવી હતી.

આ ઘટના બનતાં જ આસપાસના લોકો ભયભીત થઈ ગયા હતા અને ભીડ વધી જતાં પરિસ્થિતિ વધુ જટિલ બની હતી. લોકોએ એકબીજાની મદદથી કાટમાળમાંથી લોકોને બહાર કાઢ્યા. તે દરમિયાન ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. નિકોલ ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. સ્ટેશન ઓફિસર સ્વરૂપદાન ગઢવીએ જણાવ્યું કે, “અમને મેસેજ મળતાં જ અમે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યાં બે થી ત્રણ લોકોને સ્થાનિક લોકોએ બહાર કાઢી લીધા હતા, જ્યારે અમારી ટીમે એક વ્યક્તિને સલામત બહાર કાઢ્યો હતો.”

ફાયર વિભાગની મદદથી ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કેટલાક લોકો સામાન્ય રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા થતાં તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. ઘટનાસ્થળે પોલીસ પણ પહોંચી હતી. મોટી સંખ્યામાં ભીડ ભેગી થતાં પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લેવા હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો.

સ્થાનિક લોકો અનુસાર, ગણેશ જીની ભવ્ય મૂર્તિની સ્થાપના માટે હજારો લોકો ભેગા થયા હતા. તે સમયે જ આ દુર્ઘટના સર્જાઈ હતી. જો કે, સદનસીબે કોઈ મોટું જાનહાનિ થયું નથી, પરંતુ અકસ્માતને કારણે વિસ્તારમાં અફરાતફરી ફેલાઈ ગઈ હતી. મહિલાઓ અને બાળકોમાં તો આ ઘટનાના કારણે ભારે દહેશત ફેલાઈ હતી.

મોટી સંખ્યામાં લોકો દર્શન માટે આવ્યાં હતા.

હાલમાં ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા ઘટનાની પ્રાથમિક તપાસ હાથ ધરાઈ છે. કોમ્પ્લેક્સના સ્લેબ તૂટવાના કારણો હજી સુધી સ્પષ્ટ થયા નથી. જોકે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે આ વિસ્તારના કેટલાક કોમ્પ્લેક્સ જૂના અને નબળી હાલતમાં છે, જેના કારણે આવી દુર્ઘટના બની હોય તેવી સંભાવના છે.

ઘટના બાદ હોસ્પિટલમાં ખસેડાયેલા ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. બે થી ત્રણ લોકોને સામાન્ય ઈજા થઈ હોવાનું સત્તાવાર રીતે જણાવાયું છે. તાત્કાલિક રીતે મોટી જાનહાનિ ટળતાં સૌએ રાહતનો શ્વાસ લીધો છે.

આ દુર્ઘટનાએ ફરી એકવાર શહેરમાં સલામતીના પ્રશ્નો ઊભા કર્યા છે. તહેવારો દરમ્યાન મોટી સંખ્યામાં ભીડ ભેગી થતી હોય છે ત્યારે આવા સ્થળોએ સુરક્ષા અને માળખાકીય ચકાસણી કરવી અત્યંત જરૂરી છે. જો સમયસર સાવચેતી લેવામાં આવી હોત તો આ પ્રકારની દુર્ઘટના અટકાવી શકાય હતી.

નવા નરોડાની આ ઘટના એ સંદેશ આપે છે કે તહેવારોની ઉજવણીમાં ઉત્સાહ સાથે સાથે સલામતી પ્રત્યે પણ સજાગ રહેવું એટલું જ અગત્યનું છે.

વધુ સમાચાર વાંચો :
શનિ જયંતિ 2025: જાણો 26 કે 27 મેમાં શું છે સાચી તારીખ, પૂજા મુહૂર્ત અને વિશેષ મહિમા

https://abplusnews.com/when-is-shani-jayanti-in-2025/

https://www.youtube.com/watch?v=J1i9Z83vHp0

Share

Related posts

નિકોલમાં વડાપ્રધાન ની સભા: હાઉસિંગ, વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર સહિતના પ્રોજેક્ટની જાહેરાત

abplusnews

અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ ની મોટી કાર્યવાહી, છારાનગરમાંથી મહિલા પાસેથી 20 કિલો ગાંજો જપ્ત

abplusnews

પાલડીમાં ATS અને DRI નો દરોડો, 95.5 કિલો સોનું અને 60 લાખ રોકડ જપ્ત

abplusnews

Leave a Comment