અમદાવાદ શહેર પોલીસે છેલ્લા 8 મહિનામાં શહેરના નાગરિકો પાસેથી ખોવાયેલા કે ચોરાયેલા 4,000થી વધુ મોબાઇલ ફોન શોધી કઢ્યા અને તેમના મૂળ માલિકોને પરત આપ્યા છે. આ તમામ મોબાઇલની કુલ કિંમત રૂ. 5.50 કરોડથી વધુ થાય છે. સામાન્ય રીતે લોકો માનતા હોય છે કે ખોવાયેલો મોબાઇલ પાછો મળવો મુશ્કેલ છે, પરંતુ હવે કેન્દ્ર સરકારના CEIR (Central Equipment Identity Register) પોર્ટલથી આ માન્યતા ખોટી સાબિત થઈ રહી છે.
ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા 2023માં લોન્ચ કરાયેલા CEIR પોર્ટલ મારફતે કોઈપણ નાગરિક પોતાનો ખોવાયેલો કે ચોરાયેલો મોબાઇલ ઘરેથી ઓનલાઈન બ્લોક કરી શકે છે. હવે પોલીસ સ્ટેશનમાં જવાની જરૂર નથી — ફક્ત પાંચ મિનિટમાં ઓનલાઈન અરજી કરીને મોબાઇલ ટ્રેસ થઈ શકે છે.
CEIR પોર્ટલ દ્વારા મોબાઇલ ટ્રેસ કરવાની પ્રક્રિયા
ગૂગલ પર જઈ https://www.ceir.gov.in વેબસાઇટ ખોલીને “Block Stolen/Lost Mobile” વિકલ્પ પસંદ કરવો પડે છે.
ફોર્મમાં મોબાઇલનો IMEI નંબર, મોબાઇલ કંપની અને મોડલ નંબર, ખોવાયેલાની તારીખ, સ્થળ અને પોલીસ સ્ટેશનની વિગતો ભરવી પડે છે.
સાથે જ ખરીદીનું બિલ અને ઓળખપત્ર (આધાર, પાનકાર્ડ વગેરે) સ્કેન કરીને અપલોડ કરવું જરૂરી છે.
ફોર્મ સબમિટ કર્યા પછી એક રિક્વેસ્ટ આઈડી જનરેટ થાય છે, જેનાથી બાદમાં સ્ટેટસ ચેક કરી શકાય છે.
જ્યારે પણ ચોરાયેલો મોબાઇલફોન કોઈ બીજો વ્યક્તિ ઉપયોગ કરવાનો પ્રયાસ કરશે, ત્યારે CEIR સિસ્ટમ દ્વારા એ મોબાઇલ બ્લોક થઈ જશે અને માલિક તેમજ સંબંધિત પોલીસ સ્ટેશનને તરત જ સૂચના મળશે. આ સિસ્ટમથી પોલીસે ખોવાયેલા મોબાઇલ ઝડપથી ટ્રેસ કરી શકે છે.
ગુજરાત પોલીસની કામગીરી અને ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ
અમદાવાદ શહેર પોલીસે જાન્યુઆરીથી 3 સપ્ટેમ્બર 2025 સુધીમાં 4,000 મોબાઇલ રિકવર કર્યા છે. આ સાથે 21 વાહનો (રૂ. 14.32 લાખ) અને અન્ય ચીજવસ્તુઓ (રૂ. 24.82 કરોડ) પણ મળી આવી હતી. આ તમામ વસ્તુઓને માલિકોને પરત આપવા માટે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં હર્ષ સંઘવી, રાજ્યના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય અને શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક હાજર રહ્યા હતા.
અમદાવાદ પોલીસના ઝોન-7ના ડીસીપી શિવમ વર્માએ જણાવ્યું કે, CEIR પોર્ટલ પર મોબાઇલની વિગત દાખલ કરવાથી કોઈ નવી વ્યક્તિ એ મોબાઇલનો ઉપયોગ કરે તો તેની માહિતી સિસ્ટમમાં મળી જાય છે. ટેક્નિકલ એનાલિસિસ અને ટીમના અથાગ પ્રયત્નોથી માત્ર 15 દિવસમાં 256 મોબાઇલ રિકવર કરવામાં આવ્યા હતા.
ઓનલાઇન FIR માટે સરળ વિકલ્પ
ગુજરાતમાં ખોવાયેલો કે ચોરાયેલો મોબાઇલફોન માટે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી, કારણ કે https://gujhome.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઇન FIR નોંધાવી શકાય છે.
નાગરિકો માટે મહત્વપૂર્ણ સંદેશ
મોંઘા મોબાઇલ આજના સમયમાં વ્યક્તિગત માહિતી અને ડિજિટલ જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે. જો મોબાઇલ ખોવાય કે ચોરાય તો તરત જ CEIR પોર્ટલ પર જઈને બ્લોક કરો અને વિગતો ભરો. આ સિસ્ટમના કારણે હવે મોબાઇલ ખોવાય તો પણ મળી જવાની શક્યતા ખૂબ વધારી છે.
વધુ સમાચાર વાંચો :
શનિ જયંતિ 2025: જાણો 26 કે 27 મેમાં શું છે સાચી તારીખ, પૂજા મુહૂર્ત અને વિશેષ મહિમા
https://abplusnews.com/when-is-shani-jayanti-in-2025/



