અમદાવાદ શહેરના સારું પરિવહન સુવિધા આપવા માટે નિર્મિત સરદાર પટેલ રિંગરોડ આજકાલ ગંભીર સમસ્યાઓથી ઘેરાયેલો છે. શહેરને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિવિધ શહેરો સાથે જોડતો આ મહત્વનો માર્ગ હાલ ખરાબ હાલતમાં છે. AUDA ના બેદરકાર અભિગમથી ખાસ કરીને રિંગરોડના ભાટ બ્રિજ, દાસ્તાન સર્કલ, કઠવાડા ચાર રસ્તા, નિકોલ અને તપોવન વિસ્તારોએ ખાડાઓના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ભાટ બ્રિજ ઉપર તો મોટા ખાડા પડી ગયા છે જ્યાંથી સળિયા દેખાય છે. આ ઉપરાંત તપોવન પાસે ઓવરબ્રિજની કામગીરી, નિકોલ અને કઠવાડા વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની લાઈન નાખવાની કામગીરી ટ્રાફિક જામનું મુખ્ય કારણ બની છે. આ વિસ્તારમાં વાહનચાલકોને વાહન ખૂબ ધીમા ચલાવવું પડે છે અને અકસ્માતનો ભય સતત છવાયેલો રહે છે.
AUDA ના CEO ડી.પી. દેસાઈએ માહિતી આપી કે જ્યાં જ્યાં ખાડા છે, ખાસ કરીને દાસ્તાન અને કઠવાડા વિસ્તારમાં, ત્યાં કામગીરી શરૂ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે કેટલીક જગ્યાએ RCC રોડ તૈયાર થયા પછી સ્થાનિક કોર્પોરેશન તેની જવાબદારી સંભાળશે. AUDA અને કોર્પોરેશન વચ્ચેના સંકલનના અભાવે લોકો હાલાકી ભોગવી રહ્યા છે.

રિંગરોડની બીજી મોટી સમસ્યા લાઇટોની છે. 75 કિ.મી.થી વધુ લાંબેલા રિંગરોડ પર નરોડા, ઓઢવ, વસ્ત્રાલ, અસલાલી અને સાયન્સ સિટીથી ઓગણજ તરફ અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો બંધ છે. રાત્રે આ માર્ગ પરથી પસાર થતા લોકોને અંધારું અને ઝડપથી આવતા ભારે વાહનોના કારણે જીવના જોખમમાં મુસાફરી કરવી પડે છે.
આંતરિક વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદમાં જ રોડ તૂટી જાય છે, જેનાથી શહેરના બંને પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં ખાડાઓ પડી ગયા છે. AUDA દ્વારા લાખો રૂપિયાનો ટેક્સ વસૂલ કરવામાં આવે છે છતાં ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી અસંતોષજનક છે. લોકોના રોષના કારણ AUDAના અધિકારીઓની બેદરકારી અને જવાબદારી ટાળતી કામગીરી છે.

આ સમસ્યાઓનું ઝડપી નિરાકરણ લાવવા માટે જરૂરી છે કે AUDA અને કોર્પોરેશન તાત્કાલિક કડક પગલાં લે. રાહદારી અને વાહનચાલકોની સુરક્ષા અને સુવિધા માટે શહેરના આ મુખ્ય માર્ગ પર તુરંત યોગ્ય કામગીરી જરૂરી બની છે.
વધુ સમાચાર વાંચો :
શનિ જયંતિ 2025: જાણો 26 કે 27 મેમાં શું છે સાચી તારીખ, પૂજા મુહૂર્ત અને વિશેષ મહિમા
https://abplusnews.com/when-is-shani-jayanti-in-2025/
