અમદાવાદ શહેરમાં 25 જૂન, બુધવારે સાંજે 7 વાગ્યા બાદ ધોધમાર વરસાદ પડતાં સમગ્ર શહેરમાં અફરાતફરી મચી ગઈ હતી. ખાસ કરીને પૂર્વ અમદાવાદના મણિનગર, વટવા, સીટીએમ, હાટકેશ્વર, નિકોલ, ઓઢવ અને વિરાટનગર જેવા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા જળબંબાકાર સ્થિતિ સર્જાઈ હતી. નીચાણવાળા વિસ્તારોમાં ઘરો અને રસ્તાઓમાં પાણી ઘૂસી જતા લોકોની હાલત કફોડી બની ગઈ હતી.

ઓઢવના અંબિકાનગર વિસ્તારમાં મોગલ માતાના મંદિર પાસે આવેલા ખારીકટ કેનાલ નજીક ધોધમાર વરસાદી પ્રવાહમાં એક બાઈકચાલક આધેડ તણાઈ ગયા હતા. ફાયરબ્રિગેડને રાત્રે 8:50 વાગે માહિતી મળતાં ઓઢવ અને નિકોલ ફાયર સ્ટેશનની ટીમે તરત જ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. ધોધમાર વરસાદ, ઊંડો ખાડો અને ઝડપદાર પાણીના પ્રવાહ વચ્ચે 9 કલાક સુધી સતત મહેનત બાદ સવારે 4 વાગ્યે મૃતદેહ ડ્રેનેજ લાઇનના અંદરના ભાગમાંથી, બાઈકની નીચે 200 ફૂટ દૂરથી મળી આવ્યો હતો. મૃતકની ઓળખ 52 વર્ષીય મનુભાઈ પંચાલ તરીકે થઈ છે, જેઓ બેલા પાર્ક, અંબિકાનગર, ઓઢવ ખાતે રહેતા હતા.
બીજી ઘટના નરોડા જીઆઇડીસીમાં બની હતી, જ્યાં એક યુવાનનું પાણીમાં પડી જવાથી મોત થયું હોવાની માહિતી સામે આવી છે. પોલીસ અનુસાર, યુવાનને માથામાં ઈજા પણ જોવા મળી છે, જેના માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.

આજની ધોધમાર વરસાદી પરિસ્થિતિના પગલે શહેરના અમરાઈવાડી વિસ્તારમાં અનેક ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો ફસાઈ ગયા હતા. ફાયરબ્રિગેડ દ્વારા તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. વટવા સ્મશાન પાસે રોડ પર ઝાડ પડતાં ટ્રાફિક જામ થયો હતો, જેને ટીમે કાપીને રસ્તો સાફ કર્યો. નારણપુરા પોસ્ટ ઓફિસ નજીક તોતિંગ લીમડાનું વૃક્ષ ધરાશાયી થતા બંને સાઇડના રોડ બ્લોક થઈ ગયા હતા અને લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.
CTM વિસ્તારમાં કેનાલમાં ઇકો ગાડી પડી ગઈ હતી, જેને ક્રેન વડે બહાર કાઢવામાં આવી હતી. ગોમતીપુરમાં મનુભાઈ ગાર્ડનની દીવાલ પડતાં કેટલાક વાહનો દબાઈ ગયા હતા, પરંતુ કોઈ જાનહાનિ ન થઈ. ભાઇપુરા વિસ્તારમાં એક મકાન ધરાશાયી થયું હતું, જોકે સદનસીબે તેમાં પણ કોઈ વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ નથી.

હાટકેશ્વર વિસ્તારમાં આવેલાં રાજેશપાર્ક નજીકની શાળાઓમાં Classroom અને કંપાઉન્ડમાં પાણી ભરાતા શાળાઓને બંધ રાખવાની ફરજ પડી હતી. કુલ મળીને સમગ્ર શહેરમાં વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિએ મોટી સંખ્યામાં લોકોના દૈનિક જીવનમાં ખલેલ પોહચાવ્યો છે અને તંત્ર માટે પડકારરૂપ બની છે.
વધુ સમાચાર વાંચો :
શનિ જયંતિ 2025: જાણો 26 કે 27 મેમાં શું છે સાચી તારીખ, પૂજા મુહૂર્ત અને વિશેષ મહિમા
https://abplusnews.com/when-is-shani-jayanti-in-2025/
