AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

લગ્નના નામે છેતરપિંડી કરતી લૂંટેરી દુલ્હન ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાઈ

લગ્નના
Share

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લગ્નના નામે છેતરપિંડી કરીને છેલ્લા ચાર વર્ષથી પોલીસને ચકમો આપી ફરાર રહેલી લૂંટેરી દુલ્હનને ઝડપી લઈ મોટી સફળતા મેળવી છે. મૂળ રાજસ્થાનના ઉદયપુરની વતની માનવી મીણાને ક્રાઈમ બ્રાન્ચે લાલ દરવાજા વિસ્તારમાં આવેલી આઈપી મિશન ચર્ચ નજીકથી ધરપકડ કરી છે. માનવી લગ્ન માટે ઉંમરલાયક પરંતુ લગ્ન ન થતા હોય એવા યુવકોને ટાર્ગેટ બનાવી, લગ્ન કર્યા બાદ દાગીના અને રોકડ રકમ લઈને ફરાર થઈ જતી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, માનવી છેલ્લા ચાર વર્ષથી અલગ-અલગ શહેરોમાં રહી પોલીસથી બચતી રહી હતી. તે પોતાના પરિવારજનો અને સાગરીતોની મદદથી યુવકોના પરિવારનો વિશ્વાસ જીતતી હતી. લગ્નની વાત નક્કી થયા બાદ પરંપરાગત રીતિ-રિવાજથી લગ્ન કરાવવામાં આવતા અને ત્યારબાદ માત્ર ત્રણથી ચાર દિવસમાં જ દાગીના તથા રોકડ રકમ લઈને માનવી અચાનક ગાયબ થઈ જતી હતી.

આવો જ એક કિસ્સો વર્ષ 2022માં સામે આવ્યો હતો, જેમાં માધુપુરા પોલીસ સ્ટેશનમાં ચિરાગભાઈ નામના વ્યક્તિએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર, માનવીએ ચિરાગભાઈ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન દરમિયાન આરોપીઓએ 1.50 લાખ રૂપિયા રોકડા અને અંદાજે 30 હજાર રૂપિયાના દાગીના લીધા હતા. જોકે લગ્નના માત્ર ચાર દિવસમાં જ માનવી તમામ દાગીના અને રોકડ રકમ લઈને અચાનક ફરાર થઈ ગઈ હતી.

ફરિયાદના આધારે માધુપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ખુલ્યું હતું કે આ સમગ્ર છેતરપિંડી પાછળ માત્ર માનવી નહીં પરંતુ એક સુવ્યવસ્થિત ટોળકી કાર્યરત હતી. પોલીસે આ કેસમાં અગાઉ માનવીના પિતા સૂરજમલ મીણા, માતા રાજારાણી અને એક સાથીદાર યોગેશ પરમારની ધરપકડ કરી હતી. જોકે મુખ્ય આરોપી માનવી લાંબા સમયથી ફરાર હોવાથી તેને પકડવું પોલીસ માટે મોટો પડકાર બની રહ્યું હતું.

ક્રાઈમ બ્રાન્ચને તાજેતરમાં બાતમી મળી હતી કે માનવી અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં ફરી રહી છે. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવી અને આઈપી મિશન ચર્ચ નજીકથી તેને ઝડપી લેવામાં આવી. ધરપકડ બાદ માનવીને આગળની કાર્યવાહી માટે માધુપુરા પોલીસને સોંપવામાં આવી છે.

પોલીસને આશંકા છે કે આ ટોળકીએ માત્ર આ એક કેસમાં નહીં પરંતુ અન્ય અનેક નિર્દોષ લોકોને પણ લગ્નના નામે છેતરપિંડીનો શિકાર બનાવ્યા છે. હાલ આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. તેના અગાઉના સંપર્કો, મોબાઈલ ફોન ડેટા, બેન્ક ટ્રાન્ઝેક્શન અને આર્થિક લેવડદેવડની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન વધુ ભોગ બનેલા લોકો અને અન્ય સાગરીતોના નામો બહાર આવવાની શક્યતા છે.

ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં લોકોને અપીલ કરી છે કે લગ્ન સંબંધિત કોઈપણ નિર્ણય લેતા પહેલા પૂરતી તપાસ અને સતર્કતા રાખવી જરૂરી છે, જેથી આવા પ્રકારની છેતરપિંડીથી બચી શકાય.


Share

Related posts

અમદાવાદમાં દંપતી પાસે થી ઝડપાયા 3.61 કિલો ગાંજો, SOGએ પકડ્યા

abplusnews

અમદાવાદમાં ચેન સ્નેચિંગ ની ઘટના વધતા હોક સ્કવોડની જરૂરતાની માંગ

abplusnews

નરોડા કૉલેજમાં ‘રિમેમ્બરીંગ ટાગોર’ દ્વારા રવીન્દ્રનાથ ટાગોરને શ્રદ્ધાંજલિ

abplusnews

Leave a Comment