ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના પગલે ધરોઈ ડેમ સહિતના જળાશયો છલકાઈ ગયા છે. જેના કારણે છેલ્લા બે દિવસથી સતત સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. આજે (26 ઓગસ્ટ) સવારે છ વાગ્યે ધરોઈ ડેમમાંથી 51,848 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, જ્યારે સંત સરોવર ડેમમાંથી 94,056 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ કારણે સાબરમતી નદીમાં પાણીનું સ્તર ખૂબ જ વધી ગયું છે અને નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે.

અમદાવાદ શહેર અને જિલ્લાને એલર્ટ
સાબરમતીમાં વધતા પાણી ના પ્રવાહને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેરના કુલ 19 વિસ્તારો અને જિલ્લાની 133 જેટલી ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. શહેરમાં વાડજ, જુના વાડજ, દૂધેશ્વર, માધુપુરા, શાહપુર, સુભાષબ્રિજ, પાલડી, એલિસબ્રિજ, ગ્યાસપુર, જમાલપુર, રખિયાલ, કોચરબ, સાબરમતી પાવરહાઉસ, પીરાણા, પીપળજ અને શાહવાડી સહિતના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે. ગ્રામ્ય વિસ્તારોમાં ધંધુકા, બાવળા, ધોળકા અને સાણંદ તાલુકાના અનેક ગામો પર પણ અસર થવાની સંભાવના હોવાથી આગોતરા પગલાં લેવા સુચના આપવામાં આવી છે.
પુર નિયંત્રણ વિભાગના મામલતદાર દ્વારા શહેર પોલીસ, જિલ્લા પોલીસ અને પ્રાંત અધિકારીઓને સલામતીની કામગીરી હાથ ધરવા માટે સૂચના આપવામાં આવી છે.

રિવરફ્રન્ટ બંધ, નદીના પટ પર ન જવાની અપીલ
છેલ્લા બે દિવસથી સાબરમતી રિવરફ્રન્ટના વોક-વે અને લોઅર પ્રોમિનેડ બંધ રાખવામાં આવ્યા છે. તેમ છતાં લોકો નદીના પટ પાસે આવેલા વિસ્તારોમાં ખેતરો કે ગામડાંમાં જતાં જોવા મળ્યા છે. અધિકારીઓએ સ્પષ્ટ કહ્યું છે કે નદીમાં પાણી નું સ્તર વધી રહ્યું હોવાથી સહેલાણીઓએ નદીના પટમાં જવાનું ટાળવું જોઈએ. છેલ્લા બે દિવસમાં કેટલાક લોકો પાણી માં ફસાઈ ગયા હોવાના મેસેજ ફાયર બ્રિગેડને મળ્યા છે, જેના કારણે હવે સલામતીના પગલાં વધુ કડક બનાવાયા છે.
વાસણા બેરેજના દરવાજા ખોલાયા
અમદાવાદમાં વાસણા બેરેજ ખાતે પાણીની સપાટી 131 ફૂટ થઈ ગઈ છે. પાણી ની આવક વધતા 27 જેટલા દરવાજા લગભગ 6 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે. ગેટ નંબર 3 થી લઈને 29 સુધી ખોલવામાં આવ્યા છે. હાલ સાબરમતીમાંથી 26,636 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. આ કારણે શહેરના સુભાષ બ્રિજ ખાતે પાણીનું લેવલ 43.65 ફૂટ સુધી પહોંચી ગયું છે.

રિવરફ્રન્ટ પર પાણી ફરી વળ્યું, સાપ જોવા મળ્યા
બે દિવસ પહેલાં ધરોઈ અને સંત સરોવર ડેમમાંથી પાણી છોડાયા બાદ રિવરફ્રન્ટના નીચલા ભાગમાં પાણી ફરી વળ્યું હતું. જે વોક-વે પર સહેલાણીઓ સાયકલ ચલાવતા હતાં, ત્યાં પાણી સાથે સાપ પણ જોવા મળ્યા હતા. પાણીના જોરદાર પ્રવાહમાં બુલેટ ટ્રેનના કામકાજનો સામાન પણ તણાઈ ગયો હતો. આ દરમિયાન નદીની વચ્ચે કન્ટેનરમાં બેઠેલા બે સિક્યુરિટી ગાર્ડ પણ પાણી વચ્ચે ફસાયેલા જોવા મળ્યા હતા.

નદીના કિનારે ઉમટી રહેલા લોકો
સાબરમતીનું રૌદ્ર સ્વરૂપ જોવા માટે લોકો મોટી સંખ્યામાં નદીકિનારે ઉમટી રહ્યા છે. રિવરફ્રન્ટ પર તેમજ સુભાષ બ્રિજ પાસે લોકો પાણીના ધસમસતા પ્રવાહનું દ્રશ્ય જોવા ઉમટી પડ્યા હતા. જોકે અધિકારીઓએ વારંવાર ચેતવણી આપી છે કે લોકો નદીના પટમાં ન જાય અને સલામતી જાળવે.
સાબરમતી નદી ગુજરાતમાં 323 કિલોમીટર લાંબો પ્રવાસ પૂર્ણ કરીને ખંભાતના અખાતમાં મળે છે. હાલના જળપ્રવાહે દર્શાવ્યું છે કે વરસાદી સિઝનમાં નદી કેટલી જોખમી બની શકે છે અને આગોતરા સાવચેતી રાખવી કેટલી જરૂરી છે.
વધુ સમાચાર વાંચો :
શનિ જયંતિ 2025: જાણો 26 કે 27 મેમાં શું છે સાચી તારીખ, પૂજા મુહૂર્ત અને વિશેષ મહિમા
https://abplusnews.com/when-is-shani-jayanti-in-2025/
