તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહાનગરપાલિકાના મેયર અને કમિશનરો સાથે વીડિયો કોન્ફરન્સિંગ બેઠક યોજાઈ હતી, જેમાં સમગ્ર રાજ્યમાં રોડ અને મૂળભૂત સુવિધાઓને ગુણવત્તાયુક્ત બનાવવા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. મુખ્યમંત્રીની આ બેઠક બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના રોડ વિકાસ કાર્યમાં નોંધપાત્ર ગતિ જોવા મળી છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની જાતે મેદાનમાં ઉતરી રોડ કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે અને તમામ ઝોનના અધિકારીઓને ગુણવત્તા સાથે સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા કડક સૂચનાઓ આપી છે.
જોધપુર વોર્ડમાં હોટમિક્સ રોડનું મેદાની નિરીક્ષણ
મ્યુનિસિપલ કમિશનર પાની દક્ષિણ–પશ્ચિમ ઝોનના જોધપુર વોર્ડ વિસ્તારમાં એસ.જી. હાઇવે પાસે આવેલા નિર્વાણા પાર્ટી પ્લોટથી સરદાર પટેલ રીંગ રોડ તરફ ખોલવામાં આવેલા નવા 30 મીટર પહોળા માર્ગ પર ચાલી રહેલી હોટ મિક્સ રિસરફેસિંગ કામગીરીનું સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું. અહીં તેમણે સેન્સર પેવર દ્વારા રોડના યોગ્ય કેમ્બરનું માપન, હોટમિક્સ મટિરિયલનું જરૂરી તાપમાન જાળવનાર મશીનોની કામગીરી, રોડની જાડાઈ, કોમ્પેક્શન સહિતના અનેક ટેક્નિકલ પાસાઓની સમીક્ષા કરી હતી.
કમિશનરે સ્પષ્ટ કર્યું કે શહેરના તમામ રોડ મેન્યુઅલ્સ મુજબ અને ઉચ્ચ ગુણવત્તાના ધોરણો અનુસાર બનાવવામાં આવશે. ટેકનોલોજીના ઉપયોગથી માર્ગ સપાટી વધુ મજબૂત અને ટકાઉ બને તેવી દિશામાં કામ થઈ રહ્યું છે. મટિરિયલ મિક્સિંગ, તાપમાન નિયંત્રણ અને પેવિંગ પ્રક્રિયા એકવાર સેટ થયા બાદ આધુનિક મશીનરી દ્વારા ચોક્કસતા સાથે કરવામાં આવે છે તે અંગે અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
દિવસ–રાત કામ, કડક ગુણવત્તા ચકાસણી
કમિશનરે ઇજનેરોને રોડ વર્ક દિવસ–રાત ચાલુ રાખવાની સ્પષ્ટ સૂચના આપી છે. તેમણે જણાવ્યું કે દરેક ઝોનના ફિલ્ડ અધિકારીઓ સ્થળ પર રહી કામની દેખરેખ રાખશે અને કોઈપણ પ્રકારની લાપરવાહી બરદાશ્ત કરવામાં નહીં આવે. કોન્ટ્રાક્ટરોને પણ ગુણવત્તા આધારિત કામગીરી કરવા કડક રીતે હુકમ કરવામાં આવ્યા છે. જ્યાં પણ રોડ પર ખાડા પડ્યા છે અથવા રિસરફેસિંગની જરૂરિયાત છે, ત્યાં તરત જ કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી છે.
AMC મુજબ, હાલ શહેરમાં કુલ 13 હોટમિક્સ પ્લાન્ટ સતત કાર્યરત છે, જ્યાંથી દરરોજ 6,500 થી 7,000 મેટ્રિક ટન રોડનું મટિરિયલ તૈયાર કરી શહેરના વિવિધ વિસ્તારોમાં રિસરફેસિંગ માટે મોકલવામાં આવે છે.
200 રોડ 31 ડિસેમ્બર સુધીમાં રોડ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક
મ્યુનિસિપલ કમિશનરે વિભાગીય બેઠક યોજીને તમામ ઝોનને 31 ડિસેમ્બરની સમયમર્યાદામાં બાકી 200 જેટલા રોડ પૂર્ણ કરવાની જવાબદારી સોંપી છે. અત્યાર સુધીમાં 32 રોડનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને બાકી કામની ગતિ ઝડપી બનાવવામાં આવી છે.
નવો 30 મીટર રોડ ટ્રાફિક ભાર ઘટાડશે
એસ.જી. હાઇવે—એસપી રીંગ રોડ વચ્ચે નવી કનેક્ટિવિટી તરીકે તૈયાર થઈ રહેલો 30 મીટર પહોળો માર્ગ શહેરના ટ્રાફિક નેટવર્ક માટે મહત્વપૂર્ણ બનશે. આ નવો માર્ગ શરૂ થતા એસ.જી. હાઇવે પરનું ટ્રાફિક દબાણ ઘટશે અને સરદાર પટેલ રીંગ રોડ સાથે શહેરની આંતરિક કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે.
નિરીક્ષણ સમયે કમિશનર પાની સાથે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મીરાંત પરીખ, સિટી ઇજનેર હરપાલસિંહ ઝાલા તેમજ એડિશનલ સિટી ઇજનેર પ્રણય શાહ હાજર રહ્યા હતા.
વધુ સમાચાર વાંચો :
CAR-T સેલ થેરેપીથી બ્લડ કેન્સરનો ઇલાજ હવે ગુજરાતમાં જ શક્ય
https://abplusnews.com/treatment-of-blood-cancer-with-car-t-cell/


