AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

નિકોલ ડી-માર્ટ પાસે ગેરકાયદેસર ખાણીપીણી બજાર પર AMCની કાર્યવાહી, 10થી વધુ લારીઓ જપ્ત

નિકોલ
Share

અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં આવેલા ડી-માર્ટ નજીકના ચાર રસ્તા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઉભી થતી ખાણીપીણીની લારીઓ સામે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. 12 માર્ચની સાંજે પૂર્વ ઝોન એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા વિશેષ ડ્રાઇવ ચલાવી રોડ ઉપર ઉભી રહેલી 10થી વધુ લારીઓ જપ્ત કરી લેવામાં આવી હતી. આ કાર્યવાહી નિકોલ ફાયર સ્ટેશનથી ડી-માર્ટ તરફ જતા નવા બનાવેલા રોડ ઉપર સતત વધી રહેલા દબાણ અને ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં છેલ્લા કેટલાક મહિનાથી દરરોજ સાંજે 4 વાગ્યાથી મોડી રાત સુધી ગેરકાયદેસર ખાણીપીણી બજાર ઉભું થઈ જાય છે. શરૂઆતમાં ચારથી પાંચ લારીઓ ઉભી રહેતી હતી, પરંતુ ધીમે ધીમે તેની સંખ્યા વધીને 25 જેટલી થઈ ગઈ છે. લારીઓ સિવાય કેટલાક લોકો ફૂડ કોર્ટ જેવી ગાડીઓ લાવીને રોડ ઉપર જ ટેબલ-ખુરશી મૂકીને ખાણીપીણીનો ધંધો શરૂ કરી દેતા હતા. જેના કારણે આખો રોડ સાંજે બજાર જેવી સ્થિતિમાં ફેરવાઈ જતો હતો.

આ લારીઓને કારણે સૌથી મોટી સમસ્યા ટ્રાફિકની ઉભી થતી હતી. લોકો પોતાના વાહનો રોડ ઉપર જ પાર્ક કરીને ખાવા માટે ઊભા રહી જતા હતા, જેના કારણે રોડ પર વાહન વ્યવહાર ખોરવાઈ જતો હતો. નિકોલ ફાયર સ્ટેશનથી ડી-માર્ટ તરફ જતો માર્ગ નવા વિકાસકાર્યો હેઠળ બનાવવામાં આવ્યો હોવા છતાં રોડ પર આવા દબાણો ઉભા થતા સ્થાનિક રહેવાસીઓમાં ભારે અસંતોષ જોવા મળતો હતો.

આ બાબતે મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગમાં અનેક વખત લેખિત તેમજ મૌખિક ફરિયાદો કરવામાં આવી હતી. ફરિયાદોને ધ્યાનમાં રાખીને 12 માર્ચની સાંજે એસ્ટેટ વિભાગની ત્રણ ગાડીઓ સાથે અધિકારીઓ અને સ્ટાફ સ્થળ પર પહોંચી ગયા હતા. ટીમ દ્વારા રોડ પર ઉભી રહેલી લારીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી અને 10થી વધુ લારીઓ જપ્ત કરીને ઉપાડી લેવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે જપ્ત કરાયેલી લારીઓને હવે ઓછામાં ઓછા 90 દિવસ સુધી છોડવામાં આવશે નહીં.

એસ્ટેટ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ભૂતકાળમાં પણ આ વિસ્તારમાં દબાણો દૂર કરવા માટે અનેક વખત કાર્યવાહી કરવામાં આવી છે. જોકે કેટલાક લારીધારકો સ્થાનિક અસામાજિક તત્વોની મદદ લઈને ફરીથી લારીઓ ઉભી કરી દેતા હતા. જ્યારે અધિકારીઓ દબાણો દૂર કરવા માટે પહોંચે ત્યારે કેટલાક લારીધારકો દ્વારા ઘર્ષણ પણ કરવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે.

સ્થાનિક સ્તરે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે મોડી રાત સુધી ચાલતા આ ખાણીપીણી બજારોમાં ક્યાંક ને ક્યાંક પોલીસની પણ મિલીભગત હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉપરાંત કેટલાક સ્થાનિક રાજકીય આગેવાનો અને કોર્પોરેટરો દ્વારા પણ આ દબાણો દૂર કરવા માટે ખાસ રસ દાખવવામાં આવતો નથી તેવી ચર્ચાઓ ચાલી રહી છે.

આ મામલે નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.એસ. વાઘેલાએ જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો, પરંતુ તે સમયે તહેવારના કારણે પૂરતો બંદોબસ્ત આપી શકાયો નહોતો. જોકે હવે જ્યારે પણ માંગણી કરવામાં આવશે ત્યારે પોલીસ તરફથી પૂરતો સહકાર આપવામાં આવશે અને કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી કાર્યવાહી માટે સંપૂર્ણ મદદ કરવામાં આવશે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે સ્પષ્ટ કરી દીધું છે કે નિકોલ વિસ્તારમાં ડી-માર્ટ પાસે ઉભી થતી આ ગેરકાયદેસર ખાણીપીણી બજારને સદંતર બંધ કરાવવા માટે હવે કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. જો ભવિષ્યમાં ફરીથી લારીઓ ઉભી રાખીને ગેરકાયદેસર ધંધો કરવામાં આવશે તો લારીધારકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી વધુ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.

વધુ સમાચાર વાંચો :

CAR-T સેલ થેરેપીથી બ્લડ કેન્સરનો ઇલાજ હવે ગુજરાતમાં જ શક્ય

https://abplusnews.com/treatment-of-blood-cancer-with-car-t-cell/

https://www.youtube.com/watch?v=J1i9Z83vHp0

Share

Related posts

નરોડા કોલેજ માં ‘આત્મનિર્ભર યુવા એવોર્ડ 2025’નું ભવ્ય આયોજન, 101 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન

abplusnews

રક્ષાબંધન પર સૂર્ય-શનિ નો અલૌકિક સંયોગ: નવપંચમ યોગ લાવશે ભાગ્યોદય

abplusnews

અમદાવાદ સ્માર્ટ સિટી: 250 AMTS બસમાં લાગશે એઆઈ ડેશકેમ, રસ્તાની સમસ્યાઓ મળશે તરત દુર

abplusnews

Leave a Comment