AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

ગુજરાત બજેટ 2026-27 આજે રજૂ થશે: 4 લાખ કરોડના અંદાજ સાથે મોટી જાહેરાતોની શક્યતા

બજેટ
Share

ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાના ચાલુ સત્રના ત્રીજા દિવસે રાજ્યના નાણાંમંત્રી કનુ દેસાઈ દ્વારા વર્ષ 2026-27નું વાર્ષિક બજેટ રજૂ થવાનું છે. આ વર્ષે બજેટનું કુલ કદ આશરે 4 લાખ કરોડ રૂપિયાનું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો આવું થાય તો રાજ્યના ઇતિહાસમાં આ સૌથી મોટાં બજેટોમાંનું એક સાબિત થશે. રાજ્યના વિકાસને વધુ વેગ આપવા માટે વિવિધ ક્ષેત્રોમાં વધારાની જોગવાઈ થવાની આશા છે.

બપોરે લગભગ 12 વાગ્યે વિધાનસભાની કાર્યવાહી શરૂ થશે અને પ્રશ્નોત્તરી કાળ બાદ અંદાજે 1 વાગ્યે બજેટ રજૂ થવાની શક્યતા છે. ગૃહ વિભાગ, રમતગમત વિભાગ, MSME સહિતના વિવિધ વિભાગોને લગતા પ્રશ્નો ધારાસભ્યો દ્વારા ઉઠાવવામાં આવશે. સત્ર દરમિયાન પ્રજાલક્ષી મુદ્દાઓ પર સરકારને ઘેરવાનો વિરોધ પક્ષનો પ્રયાસ પણ જોવામાં આવી શકે છે.

કોમનવેલ્થ ગેમ્સને લઈ ખાસ ફોકસ

વર્ષ 2030માં Commonwealth Games અમદાવાદમાં યોજાવાની તૈયારીને ધ્યાનમાં રાખીને રમતગમત ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટેડિયમ અપગ્રેડેશન, શહેરી પરિવહન સુવિધાઓ અને હોટેલ-ટુરિઝમ ક્ષેત્ર માટે ખાસ નાણાકીય ફાળવણી થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્યને પ્રોજેક્ટ કરવા તથા વિદેશી રોકાણ આકર્ષવા માટે વિશેષ યોજનાઓ જાહેર થવાની સંભાવના છે.

બજેટનો વૃદ્ધિદર

વર્ષ 2015-16માં રાજ્યનું બજેટ 1,37,667 કરોડ રૂપિયા હતું, જે 2025-26 સુધીમાં 3.70 લાખ કરોડ સુધી પહોંચ્યું છે. દસ વર્ષમાં અંદાજે ત્રણ ગણો વધારો નોંધાયો છે. 2026-27 માટે 4 લાખ કરોડનું બજેટ આવે તો રાજ્યના ખર્ચમાં સતત વૃદ્ધિનો ટ્રેન્ડ યથાવત રહેશે.

આવકના મુખ્ય સ્ત્રોત

રાજ્ય સરકારની આવક વિવિધ સ્ત્રોતોમાંથી થાય છે, જેમાં જાહેર દેવું (બેંકો અને વિદેશી લોન), બિનકર આવક (ડિવિડન્ડ અને સરકારી કંપનીઓનો નફો) અને વિવિધ કરનો સમાવેશ થાય છે. રાજ્ય સરકાર 17થી વધુ પ્રકારના ટેક્સ વસૂલે છે, જેમાં સ્ટેટ GST, સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન ફી, વીજળીવેરો, વાહનવેરો, જમીન મહેસૂલ, વ્યવસાયવેરો અને રાજ્ય આબકારી શુલ્કનો સમાવેશ થાય છે.

ખર્ચની રચના

સરકાર એક રૂપિયાને મુખ્યત્વે પાંચ ભાગમાં વહેંચે છે—જાહેર દેવાની ચુકવણી, લોન અને એડવાન્સ, કુલ લેવડદેવડ, વિકાસલક્ષી ખર્ચ અને બિનવિકાસલક્ષી ખર્ચ. વિકાસલક્ષી ખર્ચમાં શિક્ષણ, આરોગ્ય, રમતગમત, પાણીપુરવઠો, શહેરી વિકાસ, પછાત વર્ગોનું કલ્યાણ અને રોજગાર જેવી સેવાઓનો સમાવેશ થાય છે. જ્યારે કૃષિ, ઊર્જા, સિંચાઈ અને પરિવહન ક્ષેત્રે થતો ખર્ચ બિનવિકાસલક્ષી શ્રેણીમાં ગણાય છે.

વધતું જાહેર દેવું ચિંતાજનક

માર્ચ 2024ના અંતે ગુજરાત સરકારનું કુલ જાહેર દેવું 3,77,962 કરોડ રૂપિયા હતું, જે રાજ્યના કુલ GSDPના અંદાજે 15.34 ટકા જેટલું હતું. 2025-26માં દેવું વધીને અંદાજે 3.99 લાખ કરોડ સુધી પહોંચ્યું હોવાનું અનુમાન છે. દેવામાં સતત વધારો સરકાર માટે એક મોટો આર્થિક પડકાર બની રહ્યો છે.

બજેટ રજૂ કરવાની પરંપરા

ગુજરાત વિધાનસભામાં સૌથી વધુ 18 વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળાના નામે છે, જ્યારે બીજા ક્રમે 9 વખત બજેટ રજૂ કરનાર નીતિન પટેલ છે.

બજેટ એ સરકારનું વાર્ષિક નાણાકીય નિવેદન છે, જેમાં આવક-જાવકનો હિસાબ તેમજ આગામી વર્ષની આર્થિક દિશા દર્શાવવામાં આવે છે. હવે સૌની નજર આ બજેટ પર છે કે સરકાર કયા ક્ષેત્રને કેટલું પ્રાધાન્ય આપે છે અને રાજ્યના વિકાસ માટે કઈ નવી દિશા નક્કી કરે છે.

વધુ સમાચાર વાંચો :

CAR-T સેલ થેરેપીથી બ્લડ કેન્સરનો ઇલાજ હવે ગુજરાતમાં જ શક્ય

https://abplusnews.com/treatment-of-blood-cancer-with-car-t-cell/

https://www.youtube.com/watch?v=J1i9Z83vHp0

Share

Related posts

શનિ જયંતિ 2025: જાણો 26 કે 27 મેમાં શું છે સાચી તારીખ, પૂજા મુહૂર્ત અને વિશેષ મહિમા

abplusnews

સરખેજમાં ચોંકાવનારી ઘટના: યુવકે હોસ્પિટલમાં જ આગ લગાવી મોત

abplusnews

ચંડોળા તળાવથી દબાણો દૂર થયા, હવે વિકાસ તરફ કઈ દિશા?

abplusnews

Leave a Comment