અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓ વધતી જતી હોવાના બનાવો સામે આવી રહ્યા છે. શહેરના અમરાઈવાડી વિસ્તારમાં સંજય ચોક પાસે આવેલી પૂનમ શેઠની ચાલીમાં બનેલી એક ઘટના હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે. અહીં બે પાડોશીઓ વચ્ચેના જૂના ઝઘડાની અદાવતમાં થયેલી બોલાચાલી દરમિયાન એક યુવતી દ્વારા હાથમાં છરા જેવું હથિયાર બતાવતો વીડિયો વાયરલ થયો છે. ઘટનાના પગલે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ અમરાઈવાડી સંજય ચોક વિસ્તારમાં આવેલી ચાલીમાં રહેતા બે પરિવાર વચ્ચે છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલતો હતો. આ વિવાદને લઈને 14 માર્ચની રાત્રે આશરે 9 વાગ્યાના સમયે ચાલીમાં રહેતી ગંગારામ ગોસ્વામીની ભત્રીજી સહિત ચારથી પાંચ યુવતીઓ ઉષાબેન પટેલના ઘરની બહાર આવી ગાળાગાળી કરવા લાગી હતી. બોલાચાલી વધતા વાત મારામારી સુધી પહોંચવાની સ્થિતિ સર્જાઈ હતી.
આ સમગ્ર ઘટનામાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે બે યુવતીઓ એકબીજા સાથે ઉગ્ર બોલાચાલી કરી રહી છે, ત્યારે એક યુવતી હાથમાં છરા જેવું હથિયાર બતાવી ધમકી આપતી નજરે પડે છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ જૂના ઝઘડાની અદાવત રાખીને આ યુવતીઓ ઘરની બહાર આવી ધમકીઓ આપી રહી હતી.
પોલીસ ફરિયાદ મુજબ, અમરાઈવાડી ના ભીલવાડા વિસ્તારમાં સંજય ચોક પાસે આવેલી પૂનમ શેઠની ચાલીમાં ઉષાબેન પટેલ તેમના પરિવાર સાથે રહે છે. તેમના નાના દીકરા દીપક ઉર્ફે લીંબુ અને તેની પત્ની દિવ્યાબેન પણ ત્યાં જ રહે છે. લગભગ બે મહિના પહેલા દીપક અને તેના મિત્ર અનિશ સાથે ચાલીમાં રહેતા ગંગારામ ગોસ્વામી વચ્ચે મારામારી થઈ હતી. આ જ ઘટનાની અદાવત રાખીને ફરીથી બંને પરિવાર વચ્ચે વિવાદ થયો હોવાનું સામે આવ્યું છે.
ઘટનાના દિવસે દિવ્યાબેન ઉષાબેનના ઘરે આવી હતી ત્યારે ગંગારામની ભત્રીજી અને અન્ય મહિલાઓ ઘરની બહાર આવી ગાળો બોલી અને ધમકીઓ આપતી હતી. પરિસ્થિતિ બગડે નહીં તે માટે પરિવારજનોએ ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો. આરોપી મહિલાઓએ ઘર બહાર નહીં નીકળવા અને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
સ્થાનિક મહિલાએ આ મામલે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ચારથી પાંચ યુવતીઓ સામે લેખિત અરજી પણ આપી છે. અરજીમાં જણાવ્યું છે કે ચાલીમાં અસામાજિક પ્રવૃત્તિઓ ચાલે છે અને એક વ્યક્તિ દ્વારા દેશી દારૂનો અડ્ડો ચલાવવામાં આવે છે. આ મુદ્દે વિરોધ કરતા તેમના પરિવારની મહિલાઓ દ્વારા બોલાચાલી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
આ સમગ્ર મામલે અમરાઈવાડી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ દેશી દારૂના અડ્ડાને લઈને થયેલી બોલાચાલી બાદ આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા એક વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ શહેરમાં જાહેરમાં મારામારી અને ગુનાખોરીના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. લાકડી, દંડા અને તલવાર જેવા હથિયારો ઉપર પ્રતિબંધ હોવા છતાં લોકો જાહેર રોડ ઉપર બેફામ મારામારી કરતા હોવાના બનાવો સામે આવી રહ્યા છે. પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ અને ફૂટ પેટ્રોલિંગના દાવા કરવામાં આવે છે, છતાં આવા બનાવો બનતા કાયદો-વ્યવસ્થાને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે.
વધુ સમાચાર વાંચો :
CAR-T સેલ થેરેપીથી બ્લડ કેન્સરનો ઇલાજ હવે ગુજરાતમાં જ શક્ય
https://abplusnews.com/treatment-of-blood-cancer-with-car-t-cell/



