AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

કોતરપુર ટ્રંક મેઈનલાઇન શટડાઉન: મધ્ય ઝોનમાં આજે સાંજ અને આવતીકાલે સવારે પાણી બંધ

કોતરપુર
Share

અમદાવાદ શહેરમાં પાણી પુરવઠા સંબંધિત મહત્વપૂર્ણ તકનિકી કામગીરીને કારણે આજે તા. 30 જાન્યુઆરીના રોજ કોતરપુર વોટર વર્કસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોતરપુર વેસ્ટર્ન ટ્રંક મેઈનલાઇનમાં નવા જોડાણની કામગીરી હાથ ધરવામાં આવતાં મધ્ય ઝોનના અનેક વિસ્તારોમાં આજે સાંજે તેમજ આવતીકાલે તા. 31 જાન્યુઆરીની સવારે પાણી પુરવઠો બંધ રહેશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોને આગોતરી જાણ કરવામાં આવી છે કે આવતીકાલે સાંજે ઉપલબ્ધ જથ્થા મુજબ પાણી આપવામાં આવશે.

મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ, દૂધેશ્વર વોટર વર્કસ-1 ખાતે નવા નિર્માણાધીન 20 MLD અન્ડરગ્રાઉન્ડ સમ્પની 700 મી.મી. વ્યાસની ફીડર લાઇનને 1600 મી.મી. વ્યાસની કોતરપુર મેઈન ટ્રંક લાઇન સાથે જોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત નવા બનાવાયેલા 20 MLD પંપહાઉસમાંથી નીકળતી 640 મી.મી. વ્યાસની મેઈન હેડર લાઇનને બુસ્ટર પંપ નં. 3 પાસે આવેલી હાલની 1200 મી.મી. વ્યાસની પાઇપલાઇન સાથે જોડવાનું કામ પણ કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે નવી પૂર્ણ થયેલી કોતરપુર 20 MLD ટાંકીનું હાલની ભૂગર્ભ ટાંકી સાથે ઇન્ટર-કનેક્શન કરવાની કામગીરી પણ આ શટડાઉન દરમિયાન કરવામાં આવશે.

આ તમામ મહત્વપૂર્ણ જોડાણ કામગીરીને કારણે આજે તા. 30 જાન્યુઆરીના રોજ કોતરપુર વેસ્ટર્ન ટ્રંક મેઈનલાઇનમાં સંપૂર્ણ શટડાઉન લેવું ફરજિયાત બન્યું છે. જેના પરિણામે મધ્ય ઝોનના તમામ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનોમાં સાંજનો પાણી પુરવઠો બંધ રાખવામાં આવશે. આ અસર હેઠળ શાહપુર, દરિયાપુર, માધુપુરા, શાહીબાગ, દુધેશ્વર, જમાલપુર, ખાડિયા, રાયખડ, અસારવા તથા લાલ દરવાજા વિસ્તારના નાગરિકોને પાણીની અછતનો સામનો કરવો પડશે.

બીજી તરફ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા બોડકદેવ વિસ્તારમાં આજે વહેલી સવારથી પાણીની પાઇપલાઇન તૂટી જવાના કારણે મોટી માત્રામાં પાણીનો વેડફાટ થયો હોવાની ઘટના સામે આવી છે. સાઈબાબા મંદિર રોડ પર મોકા રેસ્ટોરન્ટ નજીક આવેલી પાણીની લાઇન તૂટતાં હજારો નહીં પરંતુ લાખો લીટર પાણી રોડ પર વહી ગયું હતું. પાણી ઉછળીને બહાર આવતાં રોડની હાલત ખરાબ થઈ હતી અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

આશ્ચર્યની વાત એ છે કે સવારથી પાણી વહી રહ્યું હોવા છતાં મ્યુનિસિપલ તંત્રના અધિકારીઓના ધ્યાને આ બાબત સમયસર આવી ન હતી. પાણીની લાઇન બંધ ન કરાતા લાંબા સમય સુધી પાણીનો વેડફાટ થયો હતો. પરિણામે આસપાસની સોસાયટીઓ અને ફ્લેટોમાં પૂરતો પાણી પુરવઠો પણ મળ્યો ન હતો. નાગરિકોમાં તંત્રની બેદરકારી અંગે રોષની લાગણી જોવા મળી રહી છે.

મહાનગરપાલિકા દ્વારા પાણી પુરવઠા સંબંધિત આ બંને ઘટનાઓ અંગે યોગ્ય પગલાં લેવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે, જ્યારે નાગરિકોને પાણીનો સચવાઈને ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.

વધુ સમાચાર વાંચો :

CAR-T સેલ થેરેપીથી બ્લડ કેન્સરનો ઇલાજ હવે ગુજરાતમાં જ શક્ય

https://abplusnews.com/treatment-of-blood-cancer-with-car-t-cell/

https://www.youtube.com/watch?v=J1i9Z83vHp0

Share

Related posts

ઓપરેશન સિંદૂર : ભારતના મિસાઇલ હુમલાથી કંપી ઊઠ્યું પાકિસ્તાન

abplusnews

સાબરમતી રિવરફ્રન્ટ પર યુવક-યુવતીએ નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો

abplusnews

મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ એક્શન મોડમાં

abplusnews

Leave a Comment