અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં આવેલા અમર જવાન સર્કલ નજીક ફરી એકવાર ડ્રેનેજનું પાણી ભરાતા સ્થાનિક રહેવાસીઓ તેમજ રાહદારીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણાં સમયથી નિકોલ વિસ્તારમાં વારંવાર ગટર ઉભરાવાની સમસ્યા લોકો માટે મુશ્કેલીનું કારણ બની ગઈ છે. સ્થાનિકો જણાવી રહ્યા છે કે હવે તો આ સમસ્યા જીવનનો એક ભાગ બની ગઈ હોય તેમ લોકો ફરિયાદ કરવાનું પણ ટાળી રહ્યા છે.
ગુરુવારના રોજ નિકોલ અમર જવાન સર્કલ વિસ્તારમાં ડ્રેનેજના પાણી રોડ પર ફરી વળતાં તંત્રની કામગીરી પર પ્રશ્નચિહ્ન ઊભા થયા છે. ખાસ કરીને શ્રીનંદ ઈલાઈટ, હેરીટેજ હાઈટ્સ, કોરોના હાઈટ્સ, ઉત્સવ વેલી, આદર્શ એવન્યુ, ઊગતી એલિગન્સ, અને સત્યાગ્રહ લાઈફસ્ટાઈલ જેવી વસાહતોના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નાના બાળકો શાળાએ જતા સમયે આ ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બની ગયા છે, જે સ્વચ્છતા અને આરોગ્યની દૃષ્ટિએ અત્યંત ગંભીર મુદ્દો છે.
લોકો જણાવે છે કે નિકોલ વોર્ડમાં છેલ્લા કેટલાય વર્ષોથી ડ્રેનેજ લાઈનની યોગ્ય રીતે સફાઈ કરવામાં આવતી નથી. પરિણામે, થોડી વારે વરસાદ કે પાંદડાં પડતાં જ ગટર લાઈનો ચોક થઈ જાય છે અને દુર્ગંધયુક્ત પાણી રોડ પર ફરી વળે છે. નિકોલના ગોપાલચોક વિસ્તારમાં તો છેલ્લા એક સપ્તાહથી સતત ગટર ઉભરાઇ રહી છે, છતાં તંત્ર તરફથી કોઈ પણ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી.
સ્થાનિક રહેવાસીઓ તંત્રને વારંવાર રજૂઆતો કરી ચૂક્યા છે, છતાં કોઈ કાયમી ઉકેલ ન આવી રહ્યો હોવાને કારણે હવે લોકોને મુશકેલી સહન કરવાનો વારો આવી ગયો છે. તેથી નાગરિકોની માંગ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન તાત્કાલિક અસરથી અસરકારક અને કાયમી નિકાલ માટે પગલાં ભરે અને નિકોલ વિસ્તારના રહેવાસીઓને શ્વાસ લેવામાં રાહત આપે.