અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં રહેતા વૃદ્ધ પાર્લર માલિક સાથે ઠગાઈની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પત્થરઘરમાં રહેતા 63 વર્ષીય કેશુભાઈ દુલાભાઈ પટેલ છેલ્લા 13 વર્ષથી સોસાયટીની બાજુમાં પાર્લર ચલાવે છે. 7 જાન્યુઆરી 2025ના રોજ સવારે 8:30 વાગ્યે બે અજાણ્યા વ્યક્તિઓ કેશુભાઈના પાર્લર પર આવ્યા હતા અને પોતાને પેટીએમ કંપનીના અધિકારી તરીકે ઓળખાવ્યા હતા.
તેમણે કેશુભાઈને પૂછ્યું કે પેટીએમ સાઉન્ડ બોક્સ માટે કેટલું ભાડું ચૂકવવું પડે છે. જ્યારે કેશુભાઈએ દર મહિને રૂ.99 ચૂકવતો હોવાનું જણાવ્યું, ત્યારે તેમણે જણાવ્યું કે હવે પછી તમારે કોઈ ચાર્જ ચૂકવવાનો રહેશે નહીં અને આ માટે થોડું ઓનલાઈન પ્રોસેસ કરવું પડશે. તેણે એવું કહી કેશુભાઈનો મોબાઈલ લઈ પોતાની રીતે પ્રક્રિયા કરી અને પાછો આપીને ચાલ્યા ગયા.
તે પછી 9 જાન્યુઆરીએ કેશુભાઈએ પેટીએમ મારફતે પેમેન્ટ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે પિન ખોટો હોવાનું મેસેજ આવવા લાગ્યો. શંકા આવ્યા બાદ જ્યારે તેમણે પોતાનું બેંક બેલેન્સ ચેક કર્યું ત્યારે જાણવા મળ્યું કે તેમના પંજાબ નેશનલ બેંકના એકાઉન્ટમાંથી રૂ.98,000 ઊપડી ગયા હતા.
આ સમગ્ર ઘટનાની કેશુભાઈએ તપાસ કરતા જાણવા મળ્યું કે પૈસા તે જ વ્યક્તિઓએ ઉપાડી લીધા હતા જેમણે તેમના મોબાઈલમાં “પ્રોસેસ” કર્યું હતું. કેશુભાઈએ તાત્કાલિક આ અંગે સાઇબર ક્રાઇમ વિભાગમાં ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસ આ ઠગોની શોધખોળ શરૂ કરી ચૂકી છે. આ ઘટના સાવચેત રહેવાની અને કોઈ અજાણ્યા વ્યક્તિને ફોન કે પિન આપતા પહેલા ચાંપતી તપાસ કરવાની ચેતવણી રૂપ બની છે.