AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

અમદાવાદમાં રખડતા ઢોર સામે કડક કાર્યવાહી, અનેક વિસ્તારો ‘નો કેટલ ઝોન’ જાહેર

નો કેટલ ઝોન
Share

અમદાવાદ શહેરમાં છેલ્લા લાંબા સમયથી રખડતા ઢોરની સમસ્યા ગંભીર બની રહી છે. શહેરના મુખ્ય માર્ગો, બજારો, શૈક્ષણિક સંસ્થાઓ અને જાહેર સ્થળોએ રખડતા પશુઓના કારણે ટ્રાફિક અવરોધ, અકસ્માત અને નાગરિકોની સલામતી માટે જોખમ સર્જાતું હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ઢોર પોલિસીનો કડક અમલ શરૂ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગ અને શહેર પોલીસ દ્વારા શહેરના અનેક મહત્વપૂર્ણ વિસ્તારોને ‘નો કેટલ ઝોન’ તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

પોલીસ કમિશનર દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ ગોતા, સરદારનગર, ખાડીયા, મણિનગર, કાંકરીયા, નવરંગપુરા, સ્ટેડિયમ, પાલડી, નવા વાડજ, નારણપુરા, ચાંદખેડા, મોટેરા અને સાબરમતી જેવા વિસ્તારોમાં રોડ પર રખડતા ઢોર જોવા મળશે તો પશુ માલિક વિરુદ્ધ જાહેરનામા ભંગ હેઠળ પોલીસ ફરિયાદ કરવામાં આવશે. આ વિસ્તારોમાં ભારે અવરજવર રહેતી હોવાથી રખડતા પશુઓથી અકસ્માતની શક્યતા વધુ રહે છે.

અમદાવાદના એરપોર્ટ, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, સાબરમતી આશ્રમ, સ્ટેડિયમ, શાળા-કોલેજ, યુનિવર્સિટી, ધાર્મિક સ્થળો, બગીચા, બજારો, બ્રિજ, ચાર રસ્તા, અંડરપાસ, રિંગ રોડ, રેલવે ક્રોસિંગ, નેશનલ હાઇવે અને એસ.પી. રિંગ રોડ જેવા હાઇ ટ્રાફિક વિસ્તારોને ખાસ ધ્યાનમાં રાખીને ‘નો કેટલ ઝોન’ જાહેર કરવામાં આવ્યા છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવાનો છે.

આ જાહેરનામાના અસરકારક અમલ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી રહી છે. નો કેટલ ઝોન વિસ્તારમાં સૂચનાત્મક બોર્ડ લગાવવામાં આવી રહ્યા છે. સાથે સાથે પશુઓ રાખવાના સ્થળોની તપાસ, લાયસન્સ અને પરમિટની ચકાસણી, પશુઓને શહેર બહાર ખસેડવાની કાર્યવાહી તથા કડક એન્ફોર્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે.

લાયસન્સ વિના અથવા મંજૂર સંખ્યા કરતાં વધુ પશુઓ રાખનારા માલિકો સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. લાયસન્સ ધરાવતા પશુ માલિકોને પશુઓ શહેર બહાર ખસેડવાની તક આપવામાં આવે છે, પરંતુ સમયમર્યાદામાં પાલન ન થાય તો પશુઓ પકડીને ઢોરવાડામાં મોકલવામાં આવે છે. ‘ઝીરો ટોલરન્સ ટુ કેટલ ન્યુસન્સ’ની નીતિ હેઠળ નિયમિત અને સઘન ચકાસણી ચાલુ રહેશે.

તાજેતરમાં દક્ષિણ ઝોનના મણિનગર વિસ્તારમાં CNCD, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સ્થાનિક પોલીસ, એસઆરપી અને એસ્ટેટ વિભાગ દ્વારા સંયુક્ત ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન દરમિયાન 19 લાયસન્સ/પરમિટ હેઠળના કુલ 94 પશુઓને શહેર બહાર ખસેડવામાં આવ્યા હતા તથા 19 વાડા અને 1 પાણીનો હવાડો દૂર કરવામાં આવ્યો હતો.

શહેર પોલીસ કમિશનરે સ્પષ્ટ ચેતવણી આપી છે કે ઢોર પકડવાની કામગીરીમાં અડચણ ઊભી કરનાર પશુ માલિક સામે પણ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે. મંજૂરીથી વધારે અથવા લાયસન્સ વિના ઢોર રાખનારાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.

વધુ સમાચાર વાંચો :

CAR-T સેલ થેરેપીથી બ્લડ કેન્સરનો ઇલાજ હવે ગુજરાતમાં જ શક્ય

https://abplusnews.com/treatment-of-blood-cancer-with-car-t-cell/

https://www.youtube.com/watch?v=J1i9Z83vHp0

Share

Related posts

GST માં મોટો ફેરફાર: દૈનિક વસ્તુઓ, વાહનો અને ઇલેક્ટ્રોનિક્સ થશે સસ્તા, લક્ઝરી આઇટમ્સ મોંઘા

abplusnews

નરોડા : લગ્નપ્રસંગમાં ગયેલા પરિવારના ઘરે તસ્કરો ધૂસ્યા, મોટી ચોરી ને અંજામ

abplusnews

નરોડામાં વેપારી સાથે 2 કરોડથી વધુની ઠગાઈ: 6 ગઠિયાઓ સામે ફરિયાદ

abplusnews

Leave a Comment