AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

AMC નું અમદાવાદમાં ગુજરાતનું પ્રથમ CNG પેટ ડોગ સ્મશાન શરૂ

AMC
Share

અમદાવાદ શહેરમાં પાલતુ પ્રાણીઓ પ્રત્યેની સંવેદનશીલતા વધુ એક પગથિયું આગળ વધી છે. Ahmedabad Municipal Corporation (AMC) દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ CNG ગેસ આધારિત પેટ ડોગ સ્મશાન ગૃહ કાર્યરત કરવામાં આવ્યું છે. શહેરના બહેરામપુરા વિસ્તારમાં, સીએનસીડી એબીસી સેન્ટર કેમ્પસ ખાતે રૂ. 30 લાખના ખર્ચે સ્થાપિત આ સુવિધા સમગ્ર રાજ્યમાં અનોખી પહેલ તરીકે માનવામાં આવી રહી છે.

15 પેટ ડોગ્સની સન્માનપૂર્વક અંતિમવિધિ

સ્મશાન શરૂ થયા બાદ શહેરના ભાઈપુરા, મોટેરા, મણીનગર, શાહપુર, વસ્ત્રાપુર, શાહીબાગ, પ્રહલાદનગર, ઓઢવ, ઘોડાસર, ઇસ્કોન, બોડકદેવ, પાલડી અને વાસણા વિસ્તારોમાંથી કુલ 15 જેટલા પેટ ડોગ્સની અંતિમવિધિ કરવામાં આવી છે. પેટ ડોગ ઓનર્સ અને જીવદયા પ્રેમીઓએ આ પહેલને વધાવી લીધી છે તેમજ 25,100 રૂપિયાનું ઓનલાઈન ડોનેશન પણ આપ્યું છે.

“અંતિમ વિદાય સેવા રથ” – ઘરેથી અંતિમ યાત્રા

AMC દ્વારા “અંતિમ વિદાય સેવા રથ – ડેડ બોડી એમ્બ્યુલન્સ”ની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. માલિકના ઘરે જઈ મૃત પેટ ડોગને સન્માનપૂર્વક લાવવા, ફૂલહાર અને પૂજા સામગ્રી સાથે વિધિવત વિદાય આપવાની સુવિધા ઉપલબ્ધ છે. CCTV કેમેરાની સુવિધા હોવાથી માલિકો પોતાના ઘરે બેઠા મોબાઈલમાં અંતિમવિધિ જોઈ શકે છે.

અંતિમવિધિ પૂર્ણ થયા બાદ પેટ ડોગની અસ્થિ/રાખ માટલીમાં ભરી લાલ કપડામાં સન્માનપૂર્વક ઓનરને તેમના ઘરે પહોંચાડવામાં આવે છે. પરિવારજનો માટે 6 સીટિંગ વ્યવસ્થા, ફોટો-વિડિયો અને મૃત્યુ પ્રમાણપત્ર જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.

ટેકનિકલ વિશેષતાઓ અને પર્યાવરણ સુરક્ષા

આ ગેસ ફાયર્ડ ડોગ ક્રિમેટર એક સાથે ત્રણ ડોગ્સના અંતિમ સંસ્કાર કરવાની ક્ષમતા ધરાવે છે. મશીનમાં પ્રાઈમરી અને સેકન્ડરી ચેમ્બર હોવાથી દહન પ્રક્રિયા દરમિયાન કોઈ દુર્ગંધ બહાર આવતી નથી. મહત્તમ 850°C સુધી કાર્યક્ષમ અને સામાન્ય રીતે 800°C થી 900°C તાપમાને દહન થાય છે.

બે ડોગના અંતિમ સંસ્કાર માટે આશરે 14 યુનિટ નેચરલ ગેસ વપરાય છે અને એક ડોગ પાછળ અંદાજે 700 રૂપિયાનો ખર્ચ થાય છે. મશીન સ્મોકલેસ, ઓડરલેસ અને પર્યાવરણને અનુરૂપ છે. 4x3x3 ફૂટના ચેમ્બર સાથે ઓટોમેટિક ટ્રોલી સિસ્ટમથી મૃત પ્રાણીને સ્પર્શ કર્યા વગર ક્રિમેશન શક્ય બને છે.

સરળ પ્રક્રિયા

પેટ ડોગના મૃત્યુની જાણ 155303 પર ફોન કરીને તથા રજીસ્ટ્રેશનની રસીદ મોકલી પ્રક્રિયા શરૂ કરી શકાય છે. જો રજીસ્ટ્રેશન ન હોય તો ઓનલાઈન રજીસ્ટ્રેશન અને ડોનેશનની સુવિધા ઉપલબ્ધ છે. માલિક ઇચ્છે તો અંતિમવિધિમાં હાજર રહી શકે છે.

સંક્રમણથી સુરક્ષા

જમીનમાં દફનાવવાથી જમીન પ્રદૂષણ અને રોગચાળો ફેલાવાનો ભય રહે છે. કેનાઇન ડિસ્ટેમ્પર અથવા હડકવા જેવા વાયરસના સંક્રમણનો ખતરો પણ રહે છે. ક્રિમેશન પ્રક્રિયા દ્વારા આવા વાયરસનો નાશ થતો હોવાથી અન્ય પ્રાણીઓમાં સંક્રમણનો ખતરો ટળે છે.

ભવિષ્યમાં વધુ બે સ્મશાનની યોજના

હાલમાં શહેરમાં 16,843 પેટ ડોગ માલિકો દ્વારા 19,162 પેટ ડોગ્સની નોંધણી થયેલી છે. વધતી માંગને ધ્યાનમાં રાખી પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વધુ બે ડોગ ક્રિમેટોરિયમ સ્થાપવાની જોગવાઈ ચાલુ વર્ષના બજેટમાં કરવામાં આવી છે.

આ પહેલ દ્વારા AMC એ પાલતુ પ્રાણીઓને પરિવારના સભ્ય સમાન માન આપીને માનવીય સંવેદનાથી અંતિમ વિદાય આપવાની અનોખી સેવા શરૂ કરી છે, જે રાજ્ય માટે ગૌરવની બાબત બની છે.

વધુ સમાચાર વાંચો :

CAR-T સેલ થેરેપીથી બ્લડ કેન્સરનો ઇલાજ હવે ગુજરાતમાં જ શક્ય

https://abplusnews.com/treatment-of-blood-cancer-with-car-t-cell/

https://www.youtube.com/watch?v=J1i9Z83vHp0

Share

Related posts

અમેરિકાથી આવેલા પાર્સલમાં 250 ગ્રામ સોનાની દાણચોરી નો પર્દાફાશ

abplusnews

એનેસ્થેસિયા તબીબ પર દુષ્કર્મનો આરોપ: હાઈકોર્ટમાં તટસ્થ તપાસની માંગ

abplusnews

અમદાવાદમાં 49 વિસર્જન કુંડ, સુરતમાં 21 તળાવ – ગણેશવિસર્જન માટે તંત્ર તૈયાર

abplusnews

Leave a Comment