અમદાવાદ, ગુજરાત: ગુજરાતમાં સોનાની દાણચોરી ના સમાચાર ફરી એકવાર ચોંકાવનારા છે. અત્યાર સુધી વિદેશથી આવતા મુસાફરો દ્રારા દાણચોરી થતી હતી, પરંતુ આ વખતે ફોરેન પોસ્ટ ઓફિસ, અમદાવાદ મારફતે આવેલ પાર્સલમાંથી રૂ. 24 લાખનું સોનું જપ્ત કરાયું છે.
કસ્ટમ વિભાગની કાર્યવાહી મુજબ, અમેરિકાથી ખાનપુર સ્થિત લકી હોટેલના નજીક આવેલા શારદા સેન્ટરના એડ્રેસ પર આવેલા એક પાર્સલને સ્કેન દરમિયાન શંકાસ્પદ ગણાયો. તેને ખોલીને તપાસ કરતાં અંદરથી અંદાજે 250 ગ્રામ જેટલું સોનું મળી આવ્યું. આ સોનું પાંચ ચોરસ બિસ્કિટના રૂપમાં રહેલું હતું, દરેક પર સિરિયલ નંબર લખાયેલો હતો અને તેને પારદર્શક પ્લાસ્ટિક અને બબલ રેપથી સારી રીતે છુપાવવામાં આવ્યું હતું.
પાર્સલમાં “Copper Imports” તરીકે ડીક્લેર કરવામાં આવ્યું હતું અને મૂલ્ય માત્ર $100 બતાવાયું હતું, જ્યારે વાસ્તવિક કિંમત રૂ. 24 લાખથી વધુની હોવાનું સામે આવ્યું છે.
આ ઘટનાથી સોનાની દાણચોરી માટે અપનાવાતા નવા મોડસ ઓપરેન્ડી બહાર આવ્યા છે. કસ્ટમ વિભાગ હવે દરેક ફોરેન પાર્સલ પર વધારે ચાંપતી નજર રાખી રહ્યું છે.
આ કેસ એ સાબિત કરે છે કે દાણચોરી માટે નવી રીતો અજમાવી રહ્યાં છે, પરંતુ કસ્ટમ વિભાગ પણ equally સતર્ક છે. હાલ આ મામલે વધુ તપાસ ચાલુ છે.