AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

એસજી હાઇવે પર દબાણ હટાવતી ટીમ પર હુમલો, ત્રણ લારીધારકની ધરપકડ

એસજી હાઇવે
Share

અમદાવાદ શહેરના એસજી હાઇવે પર મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા બુધવારની સાંજે દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન લારી-ગલ્લા વાળા તથા દબાણ શાખાની ટીમ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીની ઘટના બની હતી. ઘટનામાં એક મજૂરને માથાના ભાગે ઈજા પહોંચી હતી અને બે મજૂરોને સામાન્ય ઈજાઓ થઈ હતી. પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ત્રણ આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, દક્ષિણ પશ્ચિમ ઝોનના વોર્ડ ઇન્સ્પેક્ટર મહેશભાઈ પટેલ, સબ ઇન્સ્પેક્ટર ધવલ ભગોરા અને રાહુલ વસાવા સાથે કોન્ટ્રાક્ટ આધારિત મજૂરોની ટીમ એસજી હાઇવે પર સેટેલાઈટ મોલની સામે આવેલી સર્વિસ રોડ ઉપર પહોંચી હતી. આ સ્થળે અનેક નાસ્તાની લારીઓ રોડ પર ઉભી રાખીને વેપાર કરતી હતી, જેના કારણે ટ્રાફિક અવરોધ સર્જાતો હતો. ટીમ દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ કરી ત્યારે કેટલાક લારીધારકો પોતાના ઠેલા લઈને ઇસ્કોન બ્રિજ તરફ ભાગી ગયા, જ્યારે કેટલાકનો સામાન સ્થળ પર જ રહ્યો હતો. ટીમ તે સામાન ગાડીમાં ભરવા લાગી ત્યારે ત્રણ વ્યક્તિઓ ત્યાં આવી પહોંચ્યા અને અમારો સામાન કેમ લઈ જાવ છો તે બાબતે બોલાચાલી શરૂ થઈ.

સેટેલાઈટ મોલની સામે સર્વિસ રોડ ઉપર નાસ્તાની લારીઓ રોડ પર ઉભી રાખીને વેપાર કરતા હતા.
સેટેલાઈટ મોલની સામે સર્વિસ રોડ ઉપર નાસ્તાની લારીઓ રોડ પર ઉભી રાખીને વેપાર કરતા હતા.

વિવાદ ધીમે ધીમે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતો ગયો અને છૂટ્ટાહાથની મારામારી શરૂ થઈ ગઈ. આ દરમિયાન કેટલાકના હાથમાં લાકડાના પાટિયા અને પટ્ટીઓ પણ જોવા મળ્યા હતા. દબાણ શાખાના વિશાલ નામના મજૂરને માથાના ભાગે લાકડી વાગતા ગંભીર ઈજા પહોંચી હતી અને લોહી વહેવા લાગ્યું હતું. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને વિશાલને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો. અન્ય બે મજૂરોને હળવી ઈજાઓ પહોંચી હોવાનું જણાયું છે.

ઘટના પછી દબાણ શાખાના અધિકારીઓએ પોલીસને જાણ કરી હતી. એસજી હાઇવે પર સેટેલાઈટ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને પરિસ્થિતિ કાબૂમાં લીધી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે પ્રેમસિંગ કુંભસિંગ યાદવ, જયસિંહ કુંભસિંગ યાદવ અને ચરણસિંગ કુંભસિંગ યાદવ, રહેતા જય અંબે હોટલની પાછળ મનુભાઈ પટેલના મકાનમાં, આ ઘટનામાં સંડોવાયેલા છે. પોલીસે ત્રણેયની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

વિશાલ નામના મજુરને માથાના ભાગે લાકડી વાગી હતી અને લોહી નીકળ્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓએ દબાણ શાખાની ટીમને ધમકી આપતાં કહ્યું હતું કે “સામાન પાછો આપી દો, નહીં તો તમારા હાથપગ તોડી નાખીશું.” આ ધમકી બાદ મારામારી થઈ હતી. પોલીસ દ્વારા સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને IPCની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

હાલમાં સમગ્ર ઘટનાની તપાસ સેટેલાઈટ પોલીસ કરી રહી છે. એસ્ટેટ વિભાગ તરફથી પણ આંતરિક અહેવાલ તૈયાર કરવામાં આવી રહ્યો છે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું છે કે જાહેર રસ્તાઓ પર ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી સતત ચાલુ રહેશે અને કાયદાની રક્ષા કરતી ટીમો પર હુમલો કરનાર કોઈને છોડવામાં આવશે નહીં.

વધુ સમાચાર વાંચો :
શનિ જયંતિ 2025: જાણો 26 કે 27 મેમાં શું છે સાચી તારીખ, પૂજા મુહૂર્ત અને વિશેષ મહિમા

https://abplusnews.com/when-is-shani-jayanti-in-2025/

https://www.youtube.com/watch?v=J1i9Z83vHp0

Share

Related posts

નરોડામાં વેપારી સાથે 2 કરોડથી વધુની ઠગાઈ: 6 ગઠિયાઓ સામે ફરિયાદ

abplusnews

Specta Chasers બન્યા ચેમ્પિયન: WPL 2025માં મહિલા શક્તિનો વિજય

abplusnews

રેશનકાર્ડ હવે ઓળખ-રહેઠાણ પુરાવા તરીકે માન્ય નહીં, જાણો સરકારનો મોટો નિર્ણય

abplusnews

Leave a Comment