અમદાવાદ શહેરના તળાવો બારેમાસ પાણીથી ભરેલા રહે અને પર્યાવરણને લાભ થાય તે માટે મહત્વપૂર્ણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. શહેરના લગભગ 145 જેટલા નાનાં-મોટાં તળાવોને ઇન્ટરલીંક કરવા તથા મીની એસટીપી (સેવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) સ્થાપિત કરીને પાણીનું સંચાલન કરવામાં આવશે. આ યોજનાના ભાગરૂપે તળાવોમાં ભરાયેલા પાણીની ગુણવત્તા સુધારવા અને લીલ-જળકુંભી જેવી અનિચ્છનીય વનસ્પતિનો પ્રકોપ અટકાવવા માટે નવીન ટેકનોલોજી આધારિત પાયલોટ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે.
મળતી માહિતી મુજબ શહેરના પાંચ તળાવોમાં પ્રથમ તબક્કે આ પાયલોટ પ્રોજેક્ટનો અમલ કરવામાં આવશે. અમદાવાદમાં અત્યાર સુધીમાં 41 તળાવોનું વિકાસકાર્ય પૂર્ણ થઈ ગયું છે અને તે નાગરિકો માટે હરવા-ફરવાના સુંદર સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યા છે. જ્યારે અન્ય 17 તળાવોના વિકાસકાર્ય પર હાલ પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે. ઉપરાંત 19 તળાવોને ડેવલપ કરવા માટે આયોજન તૈયાર કરવામાં આવ્યું છે.
બારેમાસ પાણી રહે તે માટે મીની એસટીપી પ્રોજેક્ટ
સામાન્ય રીતે ચોમાસા દરમિયાન તળાવોમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય તે માટે સ્ટોર્મ વોટર લાઇનો બનાવવામાં આવી છે. પરંતુ મોટા ભાગના તળાવો ચોમાસું પૂર્ણ થયા બાદ એકાદ મહિનામાં ખાલી થઈ જાય છે. જેના કારણે તળાવોની પર્યાવરણીય અને સૌંદર્યમય અસર ઘટી જાય છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે તળાવોની નજીક મીની એસટીપી સ્થાપિત કરીને ટ્રીટ થયેલું પાણી તળાવમાં છોડવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે.
આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ એ છે કે તળાવો બારેમાસ પાણીથી ભરેલા રહે, જેથી શહેરના પર્યાવરણમાં સુધારો થાય અને આસપાસના વિસ્તારોમાં ભૂગર્ભ જળસ્તર પણ વધે. આ ઉપરાંત તળાવો શહેર માટે કુદરતી રિચાર્જ ઝોન તરીકે કાર્ય કરી શકે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે.
ગટરનું પાણી ટ્રીટ કરીને તળાવમાં છોડાશે
રહેણાંક વિસ્તારોમાંથી આવતું ગટરનું પાણી મીની એસટીપીમાં ટ્રીટ કરવામાં આવશે અને ત્યારબાદ તેને તળાવમાં છોડવામાં આવશે. આ પાણી સીધા ગંદા ગટરપાણીની તુલનામાં ઘણી સારી ગુણવત્તાનું હશે. જો ચોમાસામાં તળાવો ઓવરફ્લો થાય તો ઇન્ટરલીંક લાઇન દ્વારા વધારાનું પાણી નજીકના તળાવોમાં મોકલી શકાય તેવી વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે.
પરંતુ માત્ર ટ્રીટ થયેલું પાણી પૂરતું નથી, તેથી તેની ગુણવત્તા વધુ સુધારવા માટે નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. એનઆરસીપી (National River Conservation Plan) અંતર્ગત તળાવોના પાણીમાં વધુ શુદ્ધતા અને જીવંતતા જળવાઈ રહે તે માટે વિશેષ ઉપાયો કરવામાં આવશે.
ત્રણ પ્રકારની આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ
પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત પાંચ તળાવોમાં ત્રણ પ્રકારની આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. તેમાં નેનો બબલ જનરેટર, સરફેસ એરેટર, ડીપ એરેટર તેમજ અલ્ટ્રાસાઉન્ડ જનરેટરનો સમાવેશ થાય છે. આ ટેકનોલોજી દ્વારા પાણીમાં ડિઝોલ્વ્ડ ઓક્સિજન (DO)નું પ્રમાણ વધારવામાં મદદ મળશે, જ્યારે બાયોલોજીકલ ઓક્સિજન ડિમાન્ડ (BOD) અને કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ (COD)નું પ્રમાણ ઘટશે.
પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ વધતા તળાવમાં માછલી, કાચબા સહિતના જળચર જીવ વધુ સારી રીતે જીવંત રહી શકશે. સાથે સાથે લીલ અને જળકુંભી જેવી બિનજરૂરી વનસ્પતિનો પ્રકોપ પણ ઓછો થશે.
આ પાંચ તળાવમાં પાયલોટ પ્રોજેક્ટ
આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં દક્ષિણ-પશ્ચિમ ઝોનના બે તળાવ, પશ્ચિમ ઝોનના બે તળાવ અને પૂર્વ ઝોનના એક તળાવનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ,
મકરબા તળાવ (સરખેજ),
બેદાર તળાવ (સરખેજ),
ચેનપુર તળાવ (રાણીપ),
ચાંદખેડા તળાવ (ચાંદખેડા)
સુરભી તળાવ (નિકોલ) નો સમાવેશ થાય છે.
શહેરના તળાવોનું સંરક્ષણ અને વિકાસ કરવા માટે આ પહેલ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. જો પાયલોટ પ્રોજેક્ટ સફળ રહેશે તો આગામી સમયમાં અમદાવાદના અન્ય તળાવોમાં પણ આ ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે, જે શહેરના પર્યાવરણ અને જળસંચય માટે લાંબા ગાળે લાભદાયી બની શકે છે.
વધુ સમાચાર વાંચો :
CAR-T સેલ થેરેપીથી બ્લડ કેન્સરનો ઇલાજ હવે ગુજરાતમાં જ શક્ય
https://abplusnews.com/treatment-of-blood-cancer-with-car-t-cell/


