અમદાવાદ: સાયબર ક્રાઇમ તપાસમાં પોલીસની મદદ માટે બોલાવેલા ખાનગી સાયબર એક્સપર્ટે જ પોલીસને છેતરતા આરોપીના ક્રિપ્ટો વોલેટમાંથી 41 લાખ રૂપિયાની (48,300 યુએસ ડોલર) ક્રિપ્ટો કરન્સી ચોરી કરી હતી. આ ઘટના કોલ સેન્ટર પર રેડ પડ્યા બાદ બહાર આવી. પોલીસે FSLની ટેક્નિકલ તપાસમાં સત્યતા મળી આવતા તુરંત જ આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને તેની ધરપકડ કરી.
રેડની રાત્રે જ ક્રિપ્ટો કરન્સી ટ્રાન્સફર
DYSP પ્રદિપસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું કે, રેડની રાત્રે 12.30 વાગ્યે આરોપીના એકાઉન્ટમાંથી અન્ય એકાઉન્ટમાં 48,300 યુએસ ડોલર ટ્રાન્સફર થયા હતા. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે આરોપીએ પોતાનું એકાઉન્ટ ચેક કર્યુ અને તુરંત પોલીસ કમિશનર અને DCPને જાણ કરી. તપાસ દરમિયાન સાબિત થયું કે આ રકમ ખાનગી સાયબર એક્સપર્ટ દેવેન્દ્ર પટેલના એકાઉન્ટમાં ગઇ છે.
હોમ ટુ વર્ક ઈન્ફોટેક ચલાવતો સાયબર એક્સપર્ટ
દેવેન્દ્ર પટેલ MCA સુધી ભણેલો છે અને તે ટેક્નિકલ આસિસ્ટન્ટ તરીકે પોલીસ સાથે કામ કરતો. અગાઉ મકાન લે-વેચના વ્યવસાયમાં સંકળાયેલા પટલે પછી હોમ ટુ વર્ક ઈન્ફોટેક શરુ કર્યું હતું. પૂછપરછમાં જાણવા મળ્યું કે તેણે એક સહ આરોપીની મદદથી વોલેટમાંથી ક્રિપ્ટો કરન્સી ઉપાડી અને આંગડિયા મારફતે રોકડમાં ફેરવી અન્ય જગ્યાએ રોકાણ કર્યું.
શેરબજારમાં ટ્રેડિંગ માટે ગુનો આચર્યો
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે દેવેન્દ્ર પટેલ શેરબજારમાં ટ્રેડિંગ કરતો હતો અને તેને પૈસાની જરૂર હતી. તેણે એક મિત્રની મદદથી આરોપીના એકાઉન્ટમાંથી પોતાનામાં ટ્રાન્સફર કર્યા. સાઇબર એક્સપર્ટની ભૂમિકા હોવાથી, તે પોલીસ તપાસમાં સહાય માટે હતો, પરંતુ તેના વિરુદ્ધ જ ગુનો સાબિત થતા ધરપકડ કરી રિમાન્ડ માટે કોર્ટમાં રજુ કરાયો.
આ ગુનાની વધુ તપાસ ચાલુ છે કે, અગાઉ તેણે અન્ય ગુનાઓ આચર્યા છે કે નહીં.