અમદાવાદ શહેરના નિકોલમાં વિકાસના મોટા દાવાઓ વચ્ચે ગ્રાઉન્ડ લેવલ પરની હકીકત ચિંતાજનક બની છે. સ્થાનિક રહેવાસીઓ દ્વારા ડ્રેનેજ, ફૂટપાથ, રોડ અને આવાસ યોજનાઓમાં ગુણવત્તા વગરનું કામ અને યોગ્ય નિરીક્ષણના અભાવે બેદરકારી થઈ રહી હોવાની વારંવાર ફરિયાદ કરવામાં આવી રહી છે. વિસ્તારના અનેક આવાસોમાં તો પાળી એટલી નબળી રીતે બનાવાઈ છે કે લાત મારતાં જ તૂટી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે, જે કામની ગુણવત્તા પર સવાલ ઉભા કરે છે.

નિકોલમાં ડ્રેનેજ લાઈન નાખવાના નામે અનેક જગ્યાએ આર.સી.સી. રોડ તોડી પાડવામાં આવ્યા છે. ખાસ કરીને કાનબા હોસ્પિટલથી ગંગોત્રી સર્કલ સુધીનો અંદાજે 1.2 કિમી લાંબો આર.સી.સી. રોડ ખોદી નાખવામાં આવ્યો છે. ડ્રેનેજનું કામ પૂર્ણ થયા બાદ પણ રોડનું રિપેરિંગ સમયસર થતું નથી. પરિણામે વાહનચાલકોને દૈનિક ટ્રાફિક, ધૂળ અને ખાડાઓમાંથી પસાર થવું પડે છે. સ્થાનિકોનું કહેવું છે કે નવા બનેલા રોડને થોડા જ સમયમાં ફરી ખોદી નાખવાથી ટેક્સના પૈસાનો ખુલ્લેઆમ વેડફાટ થઈ રહ્યો છે.

વિસ્તારને વિકસિત વોર્ડ તરીકે દર્શાવવામાં આવે છે, પરંતુ ચોમાસામાં અહીં પાણી ભરાવા અને ગટરો ઉભરાવાની સમસ્યા યથાવત છે. કાનબા હોસ્પિટલ આસપાસ ગટરો ઉભરાવાથી દુર્ગંધ અને રોગચાળાનો ખતરો વધ્યો છે. સ્થાનિકો આક્ષેપ કરે છે કે ડ્રેનેજ અને ફૂટપાથના કામોમાં જવાબદાર અધિકારીઓ દ્વારા સ્થળ પર જઈને યોગ્ય નિરીક્ષણ કરવામાં આવતું નથી, જેના કારણે કોન્ટ્રાક્ટરો મનસ્વી રીતે કામ કરી રહ્યા છે.

નિકોલમાં બગીચાઓની હાલત પણ અત્યંત ખરાબ છે. બેટી બચાવો ગાર્ડન સહિત અન્ય ગાર્ડનમાં ચાલવાની ટ્રેક ઊબડ-ખાબડ છે, લોનનું મેન્ટેનન્સ થતું નથી અને શૌચાલયોમાં ગંદકી ફેલાયેલી છે. પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નથી. ગાર્ડન શહેરના નાગરિકો માટે આરામ અને સ્વાસ્થ્યનું કેન્દ્ર હોવું જોઈએ, પરંતુ હાલ તે બેદરકારીનું પ્રતિક બની ગયું છે.
નિકોલમાં મ્યુનિસિપલ પ્લોટો અને ફ્રી પાર્કિંગની જગ્યાઓ પર ગેરકાયદે સ્ટોલો ઉભા કરી દેવામાં આવ્યા છે. અનેક ખાલી પ્લોટો કાટમાળ અને ઔદ્યોગિક કચરાના ડમ્પિંગ ગ્રાઉન્ડ બની ગયા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે કેટલાક સ્થળે તો મ્યુનિસિપલના વાહનો દ્વારા જ કાટમાળ ફેંકવામાં આવે છે. આ કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને આરોગ્યને ગંભીર ખતરો ઉભો થયો છે.
નિકોલમાં અને આસપાસના કઠવાડા વિસ્તારમાં ખાલી સરકારી પ્લોટો હોવા છતાં હજી સુધી મોટી સરકારી હોસ્પિટલ, પૂરતી મ્યુનિસિપલ શાળાઓ, સ્મશાન, બસ સ્ટેન્ડ, વોર્ડ ઓફિસ, સ્વિમિંગ પૂલ, લાઈબ્રેરી કે સરકારી જિમ જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ નથી. વેજીટેબલ માર્કેટનું ઉદ્ઘાટન થઈ ચૂક્યું છે, છતાં તે હજુ સુધી શરૂ ન થતાં વેપારીઓ અને સ્થાનિક નાગરિકોમાં ભારે અસંતોષ છે.

કોર્પોરેટરોનો પક્ષ
AMTSની ફ્રિકવન્સી વધારાશે, શાળાની કામગીરી ચાલી રહી છે બેટી બચાવો ગાર્ડનનું ટેન્ડર પણ બહાર પડી ગયું છે. થોડા સમયમાં તેના ડેવલપમેન્ટનું કામગીરી શરૂ થઈ જશે. એએમટીએસની ફ્રિકવન્સી વધારવા રજૂઆત કરાઈ છે. શાળાનું કામ ચાલુ છે, વધુ શાળાની પણ માગ કરી છે. પ્લોટમાં ગંદકી ફેલાવે છે તે અંગે અધિકારીઓનું ધ્યાન દોરી પગલાં ભરવામાં આવશે. – દીપક પંચાલ, કોર્પોરેટર
નિકોલ-કઠવાડા ચાર રસ્તા પાસે સ્મશાન તૈયાર કરવામાં આવશે નિકોલ- કઠવાડા ચાર રસ્તા પાસે સ્મશાનની કામગીરી આવનારા દિવસોમાં શરૂ થઈ જશે. વિસ્તારમાં વિવિધ જગ્યાએ રોડ બનાવાનું શરૂ કરાયું છે. આ ઉપરાંત અન્ય રસ્તાની કામગીરી શરૂ થઈ જશે. અટલ એપાર્ટમેન્ટ પાસેના નવા શાકમાર્કેટમાં ફાળવણી કરી દેવાઈ છે. વધુ શાકમાર્કેટ પણ બનાવાશે. દબાણો અંગે પણ ધ્યાન દોરાશે અને પ્લોટમાં કાટમાળ જે નાખે છે તે સામે પગલાં લેવાશે. – બળદેવભાઈ પટેલ, કોર્પોરેટર
તેમ છતાં, સ્થાનિક લોકોનું માનવું છે કે માત્ર જાહેરાતોથી નહીં, પરંતુ કડક અમલથી જ પરિસ્થિતિ સુધરી શકે. ટોક શોમાં લોકોોએ ગટરો, રોડ, સુરક્ષા માટે સીસીટીવી કેમેરા, સ્ટ્રીટલાઈટ અને સ્વચ્છતાની સમસ્યાઓ ઉઠાવી તંત્રની ઉદાસીનતા સામે અવાજ ઉઠાવ્યો છે.
આ તમામ પરિસ્થિતિ વચ્ચે સ્થાનિકોની મુખ્ય માંગ છે કે Ahmedabad Municipal Corporation દ્વારા કામની ગુણવત્તા પર કડક દેખરેખ રાખવામાં આવે, જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી થાય અને નિકોલ વિસ્તારને વાસ્તવિક અર્થમાં વિકસિત બનાવવામાં આવે, જેથી વિકાસના દાવાઓ કાગળ પરથી જમીન પર ઉતરે.
વધુ સમાચાર વાંચો :
CAR-T સેલ થેરેપીથી બ્લડ કેન્સરનો ઇલાજ હવે ગુજરાતમાં જ શક્ય
https://abplusnews.com/treatment-of-blood-cancer-with-car-t-cell/
