વડોદરા થી ખાનગી ટ્રાવેલ્સ મારફતે પ્રયાગરાજ મહાકુંભ જતાં 54 યાત્રાળુઓની બસ ગતરાત્રે (16 ફેબ્રુઆરી) મધ્યપ્રદેશના દેવાસ ખાતે અકસ્માતનો શિકાર બની હતી. ઘટનામાં કંડકટર-ડ્રાઇવર સહિત 6 જેટલા લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી છે.
વડોદરા અકસ્માતની વિગત
પ્રાપ્ત માહિતી મુજબ, બસ વડોદરાના તરસાલી વિસ્તારના શ્રદ્ધાળુઓને લઇને મહાકુંભ જઈ રહી હતી. મધ્યપ્રદેશના દેવાસ નજીક અકસ્માત થતાં યાત્રાળુઓમાં ભયનો માહોલ સર્જાયો. કેટલાક યાત્રાળુઓએ ટ્રાવેલ્સ સંચાલક પર યોગ્ય સુવિધાઓ ન આપવા અને મેડિકલ સારવાર ન મળવાની ફરિયાદ કરી છે.
ઇજાગ્રસ્તોમાં ગર્ભવતી મહિલા પણ
યાત્રાળુ હર્ષ પાઠકે જણાવ્યું કે, “અમે વડોદરાથી પ્રયાગરાજ જઈ રહ્યા હતા ત્યારે અમારું એક્સિડન્ટ થયું. 54 પૈકી 6 યાત્રાળુઓને ઇજા પહોંચી છે, જેમાં ગર્ભવતી મહિલાના ઘૂંટણમાં પણ ઇજા થઈ છે.”
ચાર યાત્રાળુઓ વડોદરા પરત
દુર્ઘટનામાં જાનહાનિ ટળી હોવા છતાં કેટલાક યાત્રાળુઓને ગંભીર ઈજા થઈ છે. ચાર ઈજાગ્રસ્તોને પરત વડોદરા મોકલવામાં આવ્યા છે. ટ્રાવેલ્સ કંપની તરફથી તાત્કાલિક મેડિકલ સારવાર આપવામાં આવી ન હોવાના આક્ષેપ યાત્રાળુઓએ કર્યા છે.