અમદાવાદ: નરોડા વિસ્તારમાં ધોળા દિવસે એક મકાનના બાથરૂમની બારી તોડી તસ્કરો અંદર પ્રવેશ્યા અને રોકડા પૈસા તથા દાગીના મળી કુલ રૂ. 1.31 લાખની ચોરી કરીને ફરાર થઈ ગયાનું સામે આવ્યું છે. નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાના આધારે પોલીસ તપાસમાં લાગી ગઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ, નરોડા હંસપુરામાં આવેલા ગણેશ વાટિકા વિસ્તારમાં રહેતા પ્રવિણકુમાર પરમાર પેટ્રોલપંપ પર ફિલર તરીકે નોકરી કરે છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે. 19 એપ્રિલના રોજ તેમના પરિવારના લગ્નપ્રસંગમાં જવાના હતા. બપોરના બે વાગે તેઓ નોકરી પરથી ઘરે પરત ફર્યા ત્યારે ઘરના દરવાજાને તાળું લાગેલું મળ્યું. પ્રવિણભાઈએ પત્નીને ફોન કરીને ખબર લીધી તો જાણવા મળ્યું કે તેઓ સબંધીના ઘરે ગયા છે.
થોડા સમય બાદ તેમની પત્ની ઘરે આવી અને ઘરના તાળું ખોલીને બંને ઘરમાં પ્રવેશ્યા ત્યારે બાથરૂમથી બેડરૂમ સુધી પગલાંના નિશાન જોવા મળ્યા. આથી પ્રવિણભાઈએ તપાસ કરતા બાથરૂમની બારીનો કાચ તૂટેલો હતો અને જમીન પર કાચના ટુકડા પડેલા હતા. આગળ તપાસ કરતા તેઓએ જોયું કે બેડરૂમની તિજોરીનો દરવાજો ખુલ્લો છે અને અંદરનો સામાન વિખરાયો છે.
તપાસમાં સામે આવ્યું કે તિજોરીમાંથી રોકડા રૂ. 40 હજાર તેમજ સોનાં-ચાંદીના દાગીના મળી કુલ રૂ. 1.31 લાખની ચોરી થઈ છે. પ્રવિણકુમાર પરમારે તસ્કર વિરુદ્ધ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ હાલમાં સોસાયટી તેમજ આજુબાજુના વિસ્તારમાં આવેલા સીસીટીવી ફૂટેજના આધારે ચોરની ઓળખ કરવામાં લાગી ગઈ છે.