ગુજરાતમાં તાપમાન સતત વધતા લોકો ઉનાળાની અસહ્ય ગરમી અનુભવતા થયા છે. ફેબ્રુઆરી માસમાં જ માર્ચ-એપ્રિલ જેવો ઉકળાટ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં હવામાન વિભાગના અંદાજ મુજબ, આગામી પાંચ દિવસ પણ આ ગરમી યથાવત્ રહેશે અને મહત્તમ તાપમાનમાં 1-2°Cનો વધારો થઈ શકે છે.
ઉત્તર પશ્ચિમ દિશા તરફથી આવતા પવનો મેદાની વિસ્તારોને વધુ ગરમ બનાવી રહ્યા છે. દિવસે તીવ્ર ગરમી અને રાત્રે થોડો ઠંડો અનુભવ થવાના કારણે બેવડી ઋતુની અસર જણાઈ રહી છે, જેનાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ વધી શકે છે.
છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 14°C અને મહત્તમ 33.4°C નોંધાયું, જ્યારે વડોદરામાં 15.8°C અને 33.4°C, રાજકોટમાં 15.8°C અને 33.1°C, અને સુરતમાં 18°C અને 34.2°C નોંધાયું. રાજ્યમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી થોડું વધારે નોંધાઈ રહ્યું છે.
આવા બેવડી ઋતુના સમયમાં લોકો માટે સંજોગોને ધ્યાનમાં રાખી સ્વાસ્થ્યની સંભાળ રાખવી અત્યંત જરૂરી છે.