અમદાવાદનામાં આવેલી નરોડા કોલેજ શ્રી નરોડા કેલવણી મંડળ સંચાલિત શ્રીમતી એ.પી. પટેલ આર્ટ્સ તથા શ્રી એમ.પી. પટેલ કોમર્સ કોલેજ ખાતે સંસ્કૃત વિભાગ દ્વારા તથા ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સહયોગથી “હસ્તપ્રતવિદ્યા અને ભારતીય લેખનકલા” વિષયક સાત દિવસીય રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યશાળા તા. ૧૦ માર્ચ ૨૦૨૬થી ૧૬ માર્ચ ૨૦૨૬ સુધી યોજાશે. સંસ્કૃત વિભાગ દ્વારા છેલ્લા 17 વર્ષથી સતત આ પ્રકારની શૈક્ષણિક કાર્યશાળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે સંસ્કૃત અભ્યાસ તથા ભારતીય પરંપરાગત જ્ઞાનના સંરક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે.
કાર્યશાળાનું ઉદ્ઘાટન સત્ર તા. ૧૦ માર્ચ ૨૦૨૬, મંગળવારના રોજ સવારે ૧૦:૦૦થી ૧૧:૦૦ વાગ્યા દરમિયાન યોજાયું હતું. આ પ્રસંગે નરોડા કેલવણી મંડળના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ પટેલ અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે કાર્યક્રમના ઉદ્ઘાટક તરીકે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના અધ્યક્ષ ડો. ભાગ્યેશ જ્હા ઉપસ્થિત રહ્યા હતા.
ઉદ્ઘાટન પ્રસંગે પોતાના ઉદ્બોધનમાં ડો. ભાગ્યેશ જ્હાએ જણાવ્યું હતું કે ભારતની પ્રાચીન પાંડુલિપિઓ આપણા સંસ્કૃતિ, પરંપરા અને જ્ઞાનનો અમૂલ્ય ખજાનો છે. આ પાંડુલિપિઓમાં ભારતીય વિચારધારા, વિજ્ઞાન, સાહિત્ય અને તત્વજ્ઞાનના અનમોલ ગ્રંથો સંગ્રહિત છે. આવા વારસાને સંરક્ષિત કરવા અને નવી પેઢીને તેની જાણકારી આપવા માટે હસ્તપ્રતવિદ્યા અને લેખનકલા અંગેની કાર્યશાળાઓ અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. તેમણે વિદ્યાર્થીઓ અને સંશોધકોને આ ક્ષેત્રમાં અભ્યાસ કરીને ભારતીય જ્ઞાન પરંપરાને વિશ્વ સમક્ષ પ્રસ્થાપિત કરવાની અપીલ પણ કરી હતી.
નરોડા કોલેજ ના કાર્યક્રમમાં વિશિષ્ટ અતિથિ તથા બીજ વક્તા તરીકે ગુજરાત યુનિવર્સિટીના ભાષાભવનના પૂર્વ નિયામક ડૉ. કમલેશકુમાર ચોક્સી ઉપસ્થિત રહ્યા હતા. પોતાના પ્રવચનમાં તેમણે ભારતીય લિપિઓના વિકાસ, પાંડુલિપિ પરંપરા તેમજ તેની વૈજ્ઞાનિકતા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે પ્રાચીન સમયમાં પાંડુલિપિઓ દ્વારા જ જ્ઞાનનું સંવર્ધન અને સંવહન થતું હતું. તેથી આ પાંડુલિપિઓનો અભ્યાસ અને સંરક્ષણ આપણા સંસ્કૃતિના સંવર્ધન માટે અત્યંત આવશ્યક છે. તેમણે વિદ્યાર્થીઓ અને સંશોધકોને પાંડુલિપિ અધ્યયન ક્ષેત્રમાં આગળ વધવા પ્રેરિત કર્યા હતા.
આ પ્રસંગે મહેમાનશ્રી તરીકે પ્રહલાદભાઈ પટેલ વિદ્યાસંકુલના કેમ્પસ ડિરેક્ટર ડૉ. રમેશભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં કાર્યશાળાના આયોજનને સરાહનીય ગણાવ્યું હતું અને વિદ્યાર્થીઓને આ કાર્યશાળાનો સંપૂર્ણ લાભ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
કાર્યક્રમ દરમિયાન નરોડા કોલેજ ના આચાર્યશ્રીએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરીને કાર્યશાળાના આયોજન અંગે ખુશી વ્યક્ત કરી હતી. કાર્યશાળાની સંયોજિકા ડૉ. મંજુલા વીરડિયાએ કાર્યક્રમની સંપૂર્ણ રૂપરેખા રજૂ કરી હતી તેમજ વર્તમાન સમયમાં લિપિવિદ્યા અને પાંડુલિપિ અભ્યાસના વધતા મહત્ત્વ અંગે માહિતી આપી હતી.
કાર્યક્રમનું સંચાલન ગોવિંદભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. આ સાત દિવસીય રાષ્ટ્રીય કાર્યશાળામાં નરોડા કોલેજ ના અધ્યાપકો, વિદ્યાર્થીઓ તેમજ દેશના વિવિધ રાજ્યોમાંથી ઓનલાઈન અને ઓફલાઈન મળી કુલ આશરે 150 જેટલા પ્રતિભાગીઓ જોડાયા છે. વિવિધ વ્યાખ્યાનો, પ્રસ્તુતિઓ અને તાલીમાત્મક સત્રો દ્વારા પ્રતિભાગીઓને હસ્તપ્રતવિદ્યા, પાંડુલિપિ સંરક્ષણ તથા ભારતીય લેખનકલા વિશે વિસ્તૃત જ્ઞાન આપવામાં આવશે.
આ કાર્યશાળા દ્વારા વિદ્યાર્થીઓ અને સંશોધકોને ભારતીય પ્રાચીન જ્ઞાન પરંપરાનો ઊંડો અભ્યાસ કરવાની અનોખી તક મળી રહી છે, જેના કારણે શૈક્ષણિક ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વધુ સમાચાર વાંચો :
CAR-T સેલ થેરેપીથી બ્લડ કેન્સરનો ઇલાજ હવે ગુજરાતમાં જ શક્ય
https://abplusnews.com/treatment-of-blood-cancer-with-car-t-cell/
