એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ બુધવારે વહેલી સવારે મહાદેવ ઓનલાઈન બેટિંગ એપ કેસમાં મોટી કાર્યવાહી શરૂ કરી. દેશભરના 15થી વધુ સ્થળોએ, જેમાં અમદાવાદ, દિલ્હી, મુંબઈ, ચંડીગઢ, ઈન્દોર, ચેન્નઈ, જયપુર અને ઓરિસ્સાના સંભલપુર શહેરોનો સમાવેશ થાય છે, ત્યાં એક સાથે દરોડા પાડવામાં આવ્યા.
મહાદેવ ઑનલાઇન બેટિંગ એપ્લિકેશન સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસના અનુસંધાનમાં EaseMyTripના સ્થાપક અને ચેરમેન નિશાંત પિટ્ટીના નિવાસસ્થાન સહિત અનેક જગ્યાઓએ ઈડીની ટીમે તપાસ શરૂ કરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ એપના માધ્યમથી યુઝરોના નોંધણી, યુઝર આઈડી બનાવવી અને બેનામી બેંક ખાતાઓ મારફતે કાળી કમાણી સફેદ કરવાની પ્રવૃત્તિઓ ચલાવવામાં આવતી હતી.
આ મામલે ઈડીએ જણાવ્યું હતું કે, મહાદેવ એપના મુખ્ય પ્રમોટરો સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ હાલ દુબઈમાં છૂપાયેલા છે. આ બેટિંગ રેકેટની ફાળીઓ દેશભરમાં પાનના ગલ્લા અને સ્થાનિક બુકીઓ મારફતે ચલાવવામાં આવતી હતી, જેમાં હાર-જીતના કરોડો રૂપિયાના હવાલા પણ ચોક્કસ આંગડિયા પેઢીઓ મારફતે કરવામાં આવતા હતા.
ઇડીએ કહ્યું કે EaseMyTripના નિશાંત પિટ્ટી સહિત સંખ્યાબંધ લોકો હવાલા નેટવર્કનો ભાગ હતા, જે મહાદેવ એપ માટે નાણા એકઠાં કરતા અને વિતરણ કરતા. આવા મળતિયાઓની ઓળખ કર્યા બાદ હવે ઈડી દ્વારા તેમને ઘેરવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.
હવે મામલો માત્ર દેશની સીમિત નથી રહ્યો, ઈડીના અનુસંધાનમાં આર્થિક હેરફેર વિદેશ સુધી પહોંચેલી હોવાના પુરાવા મળ્યાં છે. આગળના દિવસોમાં વધુ લોકોની ધરપકડ અને મોટા ખુલાસાની શક્યતાઓ છે.