અમદાવાદમાં ગેરકાયદે બાંધકામ સામેની કાર્યવાહી સતત આગળ વધી રહી છે. ચંડોળા તળાવ બાદ હવે રખિયાલ વિસ્તારમાં ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. આજે, 15 મે 2025ના રોજ, રખિયાલ ના મોરારજી ચોક પાસે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના પ્લોટમાં આવેલા ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવ્યા છે.
રખિયાલ હાઉસિંગ બોર્ડની 2680 ચોરસ મીટરની જમીન પર છેલ્લા કેટલાય વર્ષોથી ગેરકાયદે રીતે શેડ, દુકાનો અને કારખાનાં બાંધવામાં આવ્યા હતા. આ ઉપરાંત નમાઝ માટે પણ અલગથી જગ્યા તૈયાર કરવામાં આવી હતી. હાઉસિંગ બોર્ડના તંત્રે અગાઉ 2008માં પણ અહીં ડિમોલિશન હાથ ધર્યું હતું, પરંતુ સમય જતાં ફરીથી દબાણો થઇ ગયાં હતાં.
આ વખતે ડિમોલિશનની કાર્યવાહી માટે ખાસ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ, 50 જેટલાં મશીનો અને 385થી વધુ પોલીસકર્મીઓનો કાફલો તૈયાર રાખવામાં આવ્યો હતો. એસીપી આર.ડી. ઓઝાએ જણાવ્યું કે હાઉસિંગ બોર્ડ દ્વારા પોલીસ બંદોબસ્તની માગણી કરવામાં આવી હતી અને સુરક્ષા દૃષ્ટિએ પૂરતો બંદોબસ્ત ગોઠવાયો હતો.

સ્થળ પર લોકોની ભીડ પણ એકઠી થઇ હતી. કોઈ પણ પ્રકારના હુલ્લડચટકો વગર કામગીરી હાથ ધરવામાં આવી. રસપ્રદ બાબત એ રહી કે ચંડોળાની જેમ રખિયાલ પણ ગેરકાયદે બાંધકામોમાં વીજળીના કનેક્શન મળ્યાં હતાં, જેને લઈ ફરી એકવાર AMC અને વીજ વિભાગ સામે સવાલો ઉઠી રહ્યાં છે.
બાપુનગર વોર્ડના ભાજપના કોર્પોરેટર પ્રકાશ ગુર્જરે જણાવ્યું કે તાજેતરમાં ત્રણ મહિના પહેલાં આ કામગીરી માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. હવે તમામ બાંધકામ હટાવીને પ્લોટને કબ્જામાં લઇ લેવામાં આવ્યો છે અને આખા વિસ્તારમાં તાત્કાલિક ફેન્સિંગ કરાશે, જેથી ભવિષ્યમાં ફરી કબ્જો ન થાય.
આ કાર્યવાહીથી આસપાસના લગભગ 5000 રહીશોને ફાયદો થશે, કારણ કે પબ્લિક પ્લોટ હવે તેમના ઉપયોગ માટે ઉપલબ્ધ રહેશે.
ચંડોળા તળાવની કાર્યવાહી બાદ રખિયાલ માં હાથ ધરવામાં આવેલી આ ડિમોલિશન કામગીરી સાબિત કરે છે કે AMC હવે ગેરકાયદે બાંધકામ સામે સખત વલણ અપનાવ્યું છે.
