ગુજરાતમાં ફરી કોરોનાના કેસો વધતાં આરોગ્ય તંત્ર ચિંતિત બન્યું છે. 11 જૂન સુધીમાં ગુજરાતમાં કુલ 1,281 એક્ટિવ કેસ નોંધાયા છે, જેમાંથી 23 દર્દી હોસ્પિટલમાં અને 1258 OPD આધારિત હોમ આઇસોલેશનમાં છે. અત્યાર સુધીમાં કુલ 149 લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 203 નવા કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ 175 કેસ અમદાવાદ શહેરમાંથી છે.
અમદાવાદમાં અત્યાર સુધી કુલ 1260 કેસ નોંધાયા છે, જેમાં 859 કેસ હાલ એક્ટિવ છે. આરોગ્ય વિભાગ મુજબ ગુજરાતમાં પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં મોટા ભાગના વૃદ્ધો, બાળકો અને મહિલાઓ છે, જેની પૃષ્ઠભૂમિમાં આરોગ્ય મંત્રીએ ખાસ સુરક્ષા પગલાં લેવાની તાકીદ કરી છે.

રાજકોટમાં પણ કોરોના કેસ સતત વધી રહ્યાં છે. આજે 10 નવા કેસો નોંધાતા કુલ કેસોની સંખ્યા 124 પર પહોંચી છે. હાલમાં શહેરમાં 56 દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાંથી માત્ર 3 દર્દીઓ હોસ્પિટલમાં, જ્યારે બાકીના 53 હોમ આઇસોલેશનમાં છે. આરોગ્ય તંત્રના જણાવ્યા અનુસાર, તમામ દર્દીઓની તબિયત સ્થિર છે અને તેમની પર નિયમિત દેખરેખ રાખવામાં આવી રહી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અગાઉ એક કોરોના દર્દીના મૃત્યુ બાદ તાકીદની બેઠક યોજાઈ હતી, જેમાં તમામ ડોક્ટરો અને સ્ટાફને માસ્ક પહેરવાની ફરજિયાત સુચના આપવામાં આવી છે.
ગુજરાતમાં અન્ય શહેરોમાં પણ કેસ નોંધાયા છે:
-
ગીર સોમનાથ: 5 કેસ (વેરાવળ, તાલાલા, કોડીનાર, પ્રભાસ પાટણ)
-
સુરત: 4 કેસ (મહિલા ડોક્ટર અને પ્રોપર્ટી ડીલર સહિત)
-
વડોદરા: 2 કેસ (આદર્શનગર અને પાણીગેટ)
આ વધતા કેસો વચ્ચે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટતા કરી હતી કે હાલની સ્થિતિ લહેર જેવી નથી, પરંતુ ઓમિક્રોનના ઓછા ઘાતક વેરિઅન્ટનો ચોથો તબક્કો છે. સંક્રમણનો ટ્રેન્ડ છે પરંતુ મૃત્યુ દર બહુ ઓછો છે. તેમનું કહેવું છે કે, “સાવચેતી એ જ સમજદારી છે”, ખાસ કરીને વૃદ્ધો, સગર્ભા સ્ત્રીઓ અને કો-મોર્બિડ દર્દીઓએ ભીડ ટાળવી જોઈએ અને રથયાત્રા જેવી મોટી જાહેર ઘટનાઓથી દૂર રહેવું જોઈએ.
દેશના સ્તરે, 10 જૂન સુધીમાં 6,815 સક્રિય કેસ નોંધાયા છે અને એક અઠવાડિયામાં દરરોજ સરેરાશ 5-6 લોકોના મૃત્યુ થવાનો આંકડો નોંધાયો છે.

ગુજરાતમાં આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા:
-
હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓએ નિયમિત તાપમાન અને લક્ષણોનું અવલોકન કરવું.
-
શરદી-ઉધરસ, તાવ કે શ્વાસની તકલીફ જણાય તો તાત્કાલિક તબીબી સંપર્ક.
-
માસ્ક પહેરવો, હાથ સાબુથી ધોવા અને ભીડવાળી જગ્યાએ ન જવું.
-
સાવચેતી રાખવી, ગભરાવું નહીં – સારવાર ઉપલબ્ધ છે અને બધું નિયંત્રણમાં છે.
આવતી કાલે યોજાનારી જગન્નાથ રથયાત્રા દરમિયાન કોઈ શરદી-ઉધરસના લક્ષણ ધરાવતું વ્યક્તિ સંમેલનમાં ભાગ ન લે, તે માટે તંત્રએ અપીલ કરી છે. સરકાર તરફથી મેડિસિન, ઓક્સિજન અને હોસ્પિટલ બેડ જેવી તમામ સુવિધાઓ મજબૂત સ્થિતિમાં રાખવામાં આવી છે.
વધુ સમાચાર વાંચો :
શનિ જયંતિ 2025: જાણો 26 કે 27 મેમાં શું છે સાચી તારીખ, પૂજા મુહૂર્ત અને વિશેષ મહિમા
https://abplusnews.com/when-is-shani-jayanti-in-2025/
