શ્રાવણ માસ હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર અને ધાર્મિક મહત્વ ધરાવતો મહિનો ગણાય છે. આ અવસરે ભક્તો વિવિધ દેવસ્થાનોમાં દર્શનાર્થે લાંબી યાત્રા કરે છે. આ ભાવનાને ધ્યાનમાં રાખી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા શ્રાવણ માસ દરમિયાન ખાસ “ધાર્મિક બસ પ્રવાસ યોજના” અમલમાં મૂકવામાં આવી છે. AMTS કમિટી ચેરમેન ધરમસિંહ દેસાઈના જણાવ્યા મુજબ આ યોજનાનો ઉદ્દેશ એ છે કે શહેરના નાગરિકો ગ્રુપમાં સરળતાથી વિવિધ મંદિર દર્શન કરી શકે અને તેમને ટ્રાફિક, વાહન વ્યવસ્થા તથા પાર્કિંગ જેવી મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે.
વિવિધ મંદિર દર્શન સાથે દિવસભરનો AMTS ધાર્મિક પ્રવાસ
આ યોજના અંતર્ગત એક દિવસમાં 8થી 10 મંદિરોના દર્શન કરાવવામાં આવશે. બસ વહેલી સવારના 8:15 વાગ્યે મુસાફરી શરૂ કરશે અને સાંજે 4:45 વાગ્યે નાગરિકોને ઘરે પરત મૂકી દેવામાં આવશે. ખાસ ઉલ્લેખનીય છે કે નાગરિકોને ઘરના વિસ્તારોમાંથી પીકઅપ તથા ડ્રોપ સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ બસ પ્રવાસ માટે લાલદરવાજા, સારંગપુર, વાડજ અને મણીનગર ટર્મિનસ પર બુકિંગ કરવાની વ્યવસ્થા ગોઠવાઈ છે. ખાસ નોંધવા જેવી બાબત એ છે કે અડાલજ ત્રિમંદિરને રુટમાંથી બહાર રાખવામાં આવ્યો છે, કારણ કે ત્યાં વાહનોની અવરજવર અને પાર્કિંગની તીવ્ર સમસ્યા છે.

રૂ. 3000 થી રૂ. 5000 સુધીના ચાર્જીસ
આ યોજના હેઠળ નાગરિકોને, જો તેઓ AMC હદ વિસ્તારમાં રહેતા હોય, તો પ્રતિ બસ રૂ. 3000 ચૂકવવાના રહેશે. જ્યારે ઔડા (AUDA) વિસ્તારમાંના નાગરિકો માટે આ ચાર્જ રૂ. 5000 રહેશે. આ સાથે પ્રોપર્ટી ટેક્ષની રસીદ તથા ચુકવેલ પેમેન્ટની નકલ પણ જમા કરાવવી ફરજીયાત રહેશે. દરેક બસમાં 30થી 40 યાત્રાળુઓ બેસી શકે એવી વ્યવસ્થા છે. યોજનામાં કોઈ વિલંબ ન થાય અને બુકિંગ સરળતાથી થઈ શકે તે માટે તમામ ચાર મુખ્ય ટર્મિનસ પર ખાસ કાઉન્ટર ગોઠવવામાં આવ્યા છે.
રૂટીન બસ સેવા ઉપર અસર ન થાય એ માટે વિશેષ આયોજન
શ્રાવણ માસમાં સામાન્ય મુસાફરોને પણ કોઈ તકલીફ ન પડે એ હેતુથી AMTS દ્વારા કુલ 80 વિશિષ્ટ બસોને માત્ર ધાર્મિક પ્રવાસ માટે ફાળવવામાં આવી છે. આ બસો શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં આવેલી મુખ્ય મંદિર લાઈનો પર દોડાવવામાં આવશે. શહેરના નાગરિકોને તેમને પસંદગીના મંદિરોના દર્શન માટે પણ રૂટ પસંદ કરવાની છૂટ આપવામાં આવી છે, જેથી દરેક ભક્ત પોતાનું ધાર્મિક આયોજન સુપેરે કરી શકે.
AMTS સત્તાધીશો તરફથી અપીલ
ગત વર્ષે શ્રાવણ તથા અધિક માસ દરમિયાન AMTS દ્વારા આશરે 1000થી વધુ ધાર્મિક પ્રવાસની યાત્રાઓ યોજાઈ હતી અને આશરે 1 લાખથી વધુ ભક્તોએ આ લાભ મેળવ્યો હતો. મોટા પાયે યોજાયેલી આ યોજના ભક્તોમાં અત્યંત લોકપ્રિય બની છે. આમ, આ વર્ષે પણ નાગરિકોએ આ ધાર્મિક બસ યોજનાનો લાભ લેવા આગળ આવવું જોઈએ એવી અપીલ AMTSના સત્તાધીશોએ કરી છે.
શ્રાવણ માસ દરમ્યાન ભક્તિભાવ અને વ્યવસ્થિત દર્શનનો અનુભવ મેળવવા માટે આ યોજના એક ઉત્તમ વિકલ્પ બની રહે છે. શ્રદ્ધાળુઓએ વહેલી તકે પોતાનું બુકિંગ કરાવી આ સુવિધાનો લાભ લેવી જોગવાઈ છે.
વધુ સમાચાર વાંચો :
શનિ જયંતિ 2025: જાણો 26 કે 27 મેમાં શું છે સાચી તારીખ, પૂજા મુહૂર્ત અને વિશેષ મહિમા
https://abplusnews.com/when-is-shani-jayanti-in-2025/
