હવામાન વિભાગે રાજ્ય માટે આગામી 7 દિવસ એટલે કે 6 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ ની આગાહી જાહેર કરી છે. હાલ ચોમાસાની ધરી (મોન્સૂન ટ્રફ) સક્રિય હોવાથી તથા સાથે બે સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાતા ગુજરાતમાં વરસાદી વાદળો ઘેરાયા છે. આ સંયુક્ત અસરને કારણે આગામી દિવસોમાં મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની સંભાવના છે.
વિભાગના જણાવ્યા મુજબ, આગામી 5 દિવસ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન અને ઊંચા મોજાંને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.
10 વાગ્યા સુધીની આગાહી અનુસાર એલર્ટ
હવામાન વિભાગે આજે સવારે 10 વાગ્યા સુધીના સમયગાળા માટે ખાસ આગાહી જાહેર કરી છે.
-
રેડ એલર્ટ : દાહોદ, પંચમહાલ, મહિસાગર અને સુરેન્દ્રનગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા.
-
ઓરેન્જ એલર્ટ : બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, બોટાદ, ભાવનગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, મોરબી, રાજકોટ, અમરેલી અને કચ્છમાં ભારે વરસાદ ની આગાહી.
-
યેલો એલર્ટ : બાકીના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ ની શક્યતા દર્શાવવામાં આવી છે.
અમદાવાદમાં વહેલી સવારથી ઝરમર વરસાદ
અમદાવાદમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો. સવારે 6 વાગ્યાથી શહેરના વસ્ત્રાલ, રામોલ, ઓઢવ, નિકોલ, જશોદાનગર, કઠવાડા, નરોડા, સરદારનગર, નોબલનગર, ચાંદખેડા સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો.
30 ઑગસ્ટે હાલોલમાં આભ ફાટ્યું
ગઈકાલે 30 ઑગસ્ટે પંચમહાલ જિલ્લાના હાલોલમાં 10 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે શેરીઓમાં નદીઓ વહેવા લાગી હતી અને પરિસ્થિતિ ગંભીર બનતા SDRFની ટીમોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી હતી. સુરતમાં સૌથી ઓછો 1 મિમી વરસાદ નોંધાયો.
ડેમોની સ્થિતિ
ગઈકાલે નર્મદા જિલ્લાના કેવડિયામાં સરદાર સરોવર નર્મદા ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્ર-કચ્છના 61 ડેમ ઓવરફ્લો થઈ ગયા છે, જ્યારે કચ્છમાં હજી 26 ટકાની પાણીની ઘટ નોંધાઈ રહી છે.
વરસાદ ની સ્થાનિક સ્તરે અસર
-
અરવલ્લીના ભિલોડમાં સ્વયંભૂ ભુવનેશ્વર મહાદેવ મંદિર પાણીમાં તણાઈ ગયું.
-
પાવાગઢ રોડ પર ભારે પાણીની આવકને કારણે વાહન વ્યવહાર અસરગ્રસ્ત બન્યો.
-
હિંમતનગરની એક સોસાયટીમાં ફસાયેલા બે બાળકો અને એક મહિલાનું ફાયર વિભાગે રેસ્ક્યૂ કર્યું.
હવામાન વિભાગે રાજ્યની જનતાને ખાસ સાવચેતી રાખવા અપીલ કરી છે. નદીનાળા, પુલ અને પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જવા તેમજ વહીવટી તંત્રની સૂચનાનું પાલન કરવા અનુરોધ કર્યો છે.
વધુ સમાચાર વાંચો :
શનિ જયંતિ 2025: જાણો 26 કે 27 મેમાં શું છે સાચી તારીખ, પૂજા મુહૂર્ત અને વિશેષ મહિમા
https://abplusnews.com/when-is-shani-jayanti-in-2025/


