ગુજરાત રાજ્યમાં હવે દરેક પ્રકારની આપાતકાલીન પરિસ્થિતિ માટે માત્ર એક જ નંબર – 112 જનરક્ષક સેવા ડાયલ કરવાથી મદદ મળશે. રવિવાર, 31 ઓગસ્ટે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે યોજાયેલા સમારંભમાં આ સેવાનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે 500 નવી જનરક્ષક વાન અને પોલીસ હાઉસિંગના આવાસોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
એક નંબર – તમામ ઈમરજન્સી સેવા
અત્યાર સુધી મેડિકલ ઇમરજન્સી માટે 108, પોલીસ માટે 100, ફાયર માટે 101, મહિલા સુરક્ષા માટે અભયમ 181 સહિતની અલગ-અલગ હેલ્પલાઇન કાર્યરત હતી. હવે નાગરિકોને આ બધા નંબર યાદ રાખવાની જરૂર નહીં રહે. માત્ર 112 ડાયલ કરવાથી મેડિકલ, પોલીસ, ફાયર અને અન્ય તમામ પ્રકારની સેવા એક જ સ્થળેથી ઉપલબ્ધ થશે.
આધુનિક કૉલ સેન્ટર અમદાવાદમાં શરૂ
ડાયલ 112 સેવાના સંચાલન માટે અમદાવાદમાં અતિ આધુનિક કૉલ સેન્ટર શરૂ કરાયું છે. અહીં લગભગ 150 પોલીસકર્મીઓને તાલીમ આપી જવાબદારી સોંપવામાં આવી છે. કૉલ સેન્ટર પર મળતી દરેક કૉલનું તાત્કાલિક પ્રોસેસિંગ કરીને સંબંધિત વિભાગને જાણ કરવામાં આવશે. સાથે જ રીયલ ટાઈમ મોનિટરિંગ થકી નજીકની પીસીઆર વાનને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચાડવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
જનરક્ષક વાનનો કાફલો દોઢગણો
લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન 500 નવી જનરક્ષક વાન પણ પોલીસ બેડામાં ઉમેરવામાં આવી છે. આ સાથે કુલ વાનની સંખ્યા 1000 જેટલી થઈ છે. આ તમામ વાનમાં GPS અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે, જેથી કૉલ સેન્ટરથી સીધો સંપર્ક કરી ઘટના સ્થળે ઝડપથી પહોંચી શકાય. આ પગલાથી નાગરિકોને આપાતકાલીન સેવાઓ ઝડપથી અને અસરકારક રીતે મળી રહેશે.
108 મોડલના આધારે સેવા
112 જનરક્ષક સેવાને 108 મેડિકલ ઈમરજન્સી મોડલના આધારે વિકસિત કરવામાં આવી છે. શરૂઆતમાં કૉલ સેન્ટર અમદાવાદમાં કાર્યરત છે, પરંતુ આગામી સમયમાં તેની વ્યાપકતા વધારવાની યોજના છે. દરેક જિલ્લામાં 112 જનરક્ષક કેન્દ્ર શરૂ કરીને સેવા વધુ અસરકારક બનાવવા સરકારનો પ્રયાસ છે.
નાગરિકો માટે મોટી રાહત
અત્યાર સુધી નાગરિકોને અલગ-અલગ નંબર યાદ રાખવામાં મુશ્કેલી થતી હતી. કેટલીક વખત કઈ પરિસ્થિતિમાં કયો નંબર ડાયલ કરવો તે નક્કી કરવામાં વિલંબ થતો, જેના કારણે પ્રતિક્રિયા મોડે મળતી. હવે માત્ર એક નંબર 112 યાદ રાખવો પૂરતો રહેશે. આ હેલ્પલાઇન 24×7 કાર્યરત રહેશે અને મેડિકલ ઈમરજન્સી, અકસ્માત, આગની ઘટના, મહિલા સુરક્ષા કે કોઈપણ પ્રકારની તાકીદની પરિસ્થિતિમાં તરત જ મદદ પહોંચાડશે.
જનહિતમાં મહત્વનું પગલું
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, “112 જનરક્ષક સેવા ગુજરાતના નાગરિકોની સુરક્ષા માટે ગેમ-ચેન્જર સાબિત થશે. સમયસર મદદ મળવાથી અનેક જીવ બચી શકશે અને લોકોને સુરક્ષાની નવી ખાતરી મળશે.”
વધુ સમાચાર વાંચો :
શનિ જયંતિ 2025: જાણો 26 કે 27 મેમાં શું છે સાચી તારીખ, પૂજા મુહૂર્ત અને વિશેષ મહિમા
https://abplusnews.com/when-is-shani-jayanti-in-2025/


