અમદાવાદના નરોડા વિસ્તારમાં એક ચોંકાવનારો છેતરપિંડી નો બનાવ બહાર આવ્યો છે. નરોડામાં રહેતા 34 વર્ષિય સર્વાતીત પટેલે પોતાના મિત્ર મારફતે ઓળખાણ થયેલા એક વ્યક્તિ પર વિશ્વાસ મૂકતાં જીવનની સૌથી મોટી ભૂલ કરી નાખી. વિશ્વાસનો આ લાભ ઉઠાવી ગઠિયાએ સરકારી ટેન્ડર અપાવવાનો બહાનો બનાવી સર્વાતીત પાસેથી કુલ 27.07 લાખ રૂપિયા હડપી લીધા હતા. લાંબા સમય સુધી કોઈ કામ ન થતા અંતે સર્વાતીતે નરોડા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની વિગતવાર ફરિયાદ નોંધાવી છે.
ઓળખાણથી શરૂ થઈ છેતરપિંડી
મળતી માહિતી મુજબ, બે વર્ષ પહેલાં સર્વાતીત પટેલના મિત્ર અરવિંદભાઈ ચાવડાએ તેના ઓળખીતાં જયેશભાઈ શુક્લાને સર્વાતીતનો મોબાઈલ નંબર આપ્યો હતો. ત્યારબાદ 25 જુલાઈ, 2023ના રોજ જયેશે સર્વાતીતને ટેક્સ્ટ મેસેજ કર્યો હતો અને પોતે “એન્ડ એવિક પ્રાઇવેટ લિમિટેડ કંપની” સાથે જોડાયેલા હોવાનું જણાવ્યું હતું. આ બાદ બંને વચ્ચે ફોન પર વાતચીત શરૂ થઈ.
વાતચીત દરમિયાન જયેશે પોતે સરકારી ટેન્ડર ભરી કચેરીમાં મોકલતો હોવાની તથા ટેન્ડર સંબંધિત માલસામાન સપ્લાય કરાવતો હોવાની વાત કરી. ત્યારબાદ જયેશે સર્વાતીતને મળવા બોલાવ્યો અને જણાવ્યું કે, તે મોટા પાયે સરકારી ટેન્ડર્સ પર કામ કરે છે. વિશ્વાસમાં લેવા માટે જયેશે વધુમાં ઉમેર્યું કે તેની પત્ની સરકારમાં અધિકારી (ઓફિસર) તરીકે કાર્યરત છે, જેથી ટેન્ડર મેળવવામાં કોઈ મુશ્કેલી નહીં પડે અને સીધું કામ તેમને જ મળી જશે.
ભાગીદારીના નામે લાખો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન
જયેશની આ વાતોમાં આવીને સર્વાતીતે તેના સાથે કામ કરવાની હા પાડી. ત્યારબાદ જયેશે ટેન્ડરની જુદી જુદી પ્રક્રિયા માટે અલગ-અલગ તબક્કે ડિપોઝિટ પેટે રૂપિયા માંગ્યા. વિશ્વાસપૂર્વક સર્વાતીતે સમયાંતરે રકમ ચુકવતા કુલ રૂ. 27.34 લાખ જયેશને ચૂકવી દીધા હતા. આ દરમિયાન જયેશે પોતાની પત્ની શિલ્પા જયેશ શુક્લા અને પુત્રી અનુષ્કા જયેશ શુક્લાના નામે જીએસટી નંબર બતાવી વધુ વિશ્વાસ જગાડ્યો હતો.
પૈસા લીધા બાદ ગલ્લાં તલ્લાં
લાખો રૂપિયા લીધા છતાં ટેન્ડર બાબતે કોઈ અપડેટ મળતું ન હતું. સર્વાતીતે વારંવાર જયેશને સંપર્ક કરવાનું શરૂ કર્યું, પરંતુ જયેશ સતત બહાના કરી ટાળતો રહ્યો. એક વખત દબાણ કરતાં તેણે માત્ર 26,500 રૂપિયા પરત આપ્યા, પરંતુ બાકીના રૂપિયા જલ્દી ચૂકવી દેશે તેમ કહી વાતને ટાળતો રહ્યો.
અંતે પોલીસ ફરિયાદ
લાંબા સમયથી છેતરપિંડીનો ભોગ બનેલો હોવાની લાગણી થતા અંતે સર્વાતીતે નરોડા પોલીસ સ્ટેશનનો દરવાજો ખટખટાવ્યો. સર્વાતીતે જયેશ શુક્લા, તેની પત્ની શિલ્પા જયેશ શુક્લા તથા પુત્રી અનુષ્કા જયેશ શુક્લા – ત્રણે સામે મળીને છેતરપિંડી (ઠગાઈ) કરી હોવાનો આરોપ લગાવ્યો છે. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ કુલ 27.07 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે.
પોલીસની તપાસ શરૂ
ફરિયાદના આધારે નરોડા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો મુજબ, આ પરિવાર દ્વારા અગાઉ પણ આવા પ્રકારની છેતરપિંડી થઈ હોવાની સંભાવના નકારી શકાય તેવી નથી. તપાસ બાદ હકીકતો બહાર આવશે.
આ બનાવે ફરી એકવાર સાબિત કર્યું છે કે ઝડપથી નફો કમાવાની લાલચમાં આવી જવા જેટલું ખતરનાક બીજું કંઈ નથી. નરોડાની આ ઘટના સમાજને ચેતવણીરૂપ છે કે કોઈપણ પ્રકારની સરકારી યોજનાઓ કે ટેન્ડર સંબંધિત કામકાજ માટે હંમેશા સત્તાવાર પ્રક્રિયા પર જ વિશ્વાસ કરવો જોઈએ.
વધુ સમાચાર વાંચો :
શનિ જયંતિ 2025: જાણો 26 કે 27 મેમાં શું છે સાચી તારીખ, પૂજા મુહૂર્ત અને વિશેષ મહિમા
https://abplusnews.com/when-is-shani-jayanti-in-2025/

