અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા ભીડભંજન હનુમાન મંદિર રોડ પર આજે (17 ઓક્ટોબર) વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. વહેલી સવારે લગભગ પાંચ વાગ્યાના સમયગાળામાં આગ લાગતા પળવારમાં આજુબાજુની દુકાનોને પણ તેની ઝપેટમાં લઈ લીધી હતી. શરૂઆતમાં એક દુકાનમાં લાગી આગ તોફાની સ્વરૂપ ધારણ કરતાં થોડા જ સમયમાં ચારથી પાંચ દુકાનો સુધી પ્રસરી ગઈ હતી. ત્યારબાદ ફાયરબ્રિગેડને તાત્કાલિક જાણ કરવામાં આવતા કુલ આઠ ફાયરની ગાડીઓ તેમજ અધિકારીઓ અને કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. લગભગ એક કલાકની ભારે જહેમત બાદ આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, બાપુનગર ચાર રસ્તા તરફના ભીડભંજન હનુમાન મંદિર રોડ પર આવેલા બજાર વિસ્તારમાં વહેલી સવારે આગ લાગવાની જાણ થતા ગોમતીપુર ફાયર સ્ટેશનથી દળો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. ફાયરફાઈટર્સે પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાવાથી રોકવા માટે સતત પ્રયત્નો કર્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ આગમાં કુલ 12 જેટલી દુકાનો સંપૂર્ણપણે બળી ખાખ થઈ ગઈ છે, જ્યારે બે દુકાનો આંશિક રીતે બળી ગઈ છે. આ દુકાનોમાં કપડાં, ચંપલ અને અન્ય ચીજવસ્તુઓનો જથ્થો હોવાથી આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી.
આગ લાગવાનું કારણ હજી સ્પષ્ટ થયું નથી, પરંતુ બાપુનગર ફાયર વિભાગ દ્વારા પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે. ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ તમામ દુકાનોમાં મોટી માત્રામાં માલસામાન ભરેલો હતો અને પાછળના ભાગમાં પ્રવેશ માટેની સુવિધા ન હોવાથી ફાયરફાઈટર્સને સ્થળ સુધી પહોંચવામાં મુશ્કેલી પડી હતી. ડિવિઝનલ ફાયર ઓફિસર રમેશ ગીરીએ જણાવ્યું કે, આગ કાબૂમાં લેવા માટે ધાબા ઉપરથી પાણીનો મારો ચલાવવામાં આવ્યો અને કેટલીક દુકાનોનો આગળનો ભાગ તોડી ફાયર ટીમે પ્રવેશ મેળવ્યો હતો.
સૌભાગ્યે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, કારણ કે તે વહેલી સવારે બની હતી ત્યારે બજારમાં લોકો હાજર ન હતા. જો આ આગ સાંજના સમયે કે ખરીદીના સમયગાળામાં લાગી હોત તો મોટી જાનહાનિ થવાની શક્યતા હતી.
બાપુનગર વિસ્તારનો ભીડભંજન બજાર પૂર્વ અમદાવાદનું એક મહત્વપૂર્ણ વેપાર કેન્દ્ર ગણાય છે, જ્યાં સૈંકડો દુકાનો કપડાં, ચંપલ, ઘરવખરી, ખાણીપીણી તથા અન્ય ચીજવસ્તુઓનું વેચાણ કરે છે. દિવાળીના તહેવાર પહેલા લાગેલી આ આગથી વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન છે. ઘણા વેપારીઓએ વર્ષભરનો જથ્થો દિવાળીની સીઝન માટે તૈયાર રાખ્યો હતો, જે હવે સંપૂર્ણપણે બળી ખાખ થઈ ગયો છે.
બાપુનગર સ્થાનિક રહેવાસીઓએ પણ ફાયર વિભાગને સહકાર આપ્યો હતો અને આજુબાજુની દુકાનોમાંથી સામાન બહાર કાઢવામાં મદદ કરી હતી. હાલ ફાયર વિભાગ દ્વારા આગના કારણની તપાસ શરૂ કરવામાં આવી છે અને વિદ્યુત તંત્રમાં ખામી કે શોર્ટસર્કિટ સંભવિત કારણ હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.
દિવાળીના પૂર્વસંધ્યાએ થયેલી આ આગની ઘટનાએ વેપારીઓમાં ચિંતા ફેલાવી દીધી છે અને સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. જોકે, ફાયરબ્રિગેડની ઝડપી કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ છે.
વધુ સમાચાર વાંચો :
શનિ જયંતિ 2025: જાણો 26 કે 27 મેમાં શું છે સાચી તારીખ, પૂજા મુહૂર્ત અને વિશેષ મહિમા
https://abplusnews.com/when-is-shani-jayanti-in-2025/



