અમદાવાદના રામોલ વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક ભયાનક અકસ્માત ની ઘટના બની. રામોલ ગામમાં આવેલા તળાવ પાસે શ્રમિક પરિવાર રોજની જેમ જમીને પોતાના છાપરામાં આરામ કરી રહ્યો હતો. બધું શાંત હતું પરંતુ મધરાતના સમયે અચાનક એક બેફામ ફોર વ્હીલર કાર આવી અને સીધી છાપરામાં ઘૂસી ગઈ.
રાત્રે 12 વાગ્યે તૂટ્યું સુકાન
પ્રાપ્ત માહિતી મુજબ, શ્રમિક મુકેશ ડામોર પોતાની પત્ની અને બે બાળકો સાથે છાપરામાં સુઈ રહ્યા હતા. એ જ સમયે પૂરઝડપે આવતી કાર ચાલકનું નિયંત્રણ ગુમાવતાં છાપરામાં ઘૂસી ગઈ. કાર અંદર ઘૂસતાં જ આખો પરિવાર તેની નીચે ફસાઈ ગયો.
બુમાબુમથી જાગ્યું ગામ
અચાનક થયેલા અકસ્માત માં મુકેશભાઈની ચીસો સાંભળીને આસપાસના છાપરામાં રહેતા લોકો દોડી આવ્યા. સ્થાનિક લોકો એકઠા થયા અને માનવતા દાખવીને કારને ઊંચી કરી ચારેયને બહાર કાઢ્યા. આ દ્રશ્ય જોઈને ઘટનાસ્થળે સૌ કોઈ હચમચી ગયા હતા.
ચારેયને હોસ્પિટલ ખસેડાયા
અકસ્માતમાં મુકેશભાઈને જમણા પગે ગંભીર ઈજા પહોંચી હતી. તેમની પત્નીને પેટ અને છાતીમાં ઈજાઓ થઈ હતી. બે નાનાં બાળકોને પણ માથા અને શરીરના અલગ અલગ ભાગોમાં ઈજાઓ થઈ હતી. ચારેયને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પોલીસ ઘટનાસ્થળે, કારચાલક ઝડપાયો
અકસ્માત ની જાણ થતા આઇ ડિવિઝન ટ્રાફિક પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી. પોલીસે કાર કબજે કરી અને કારચાલકની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે કારચાલક બેફામ અને બેદરકારીપૂર્વક વાહન ચલાવી રહ્યો હતો.
CCTV ફૂટેજે ખોલી હકીકત
આ અકસ્માત ના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે કાર અત્યંત ઝડપે આવીને કોઈ બ્રેક વગર સીધી છાપરામાં ઘૂસી જાય છે. આ ફૂટેજ પોલીસ તપાસમાં મહત્વપૂર્ણ પુરાવા બન્યા છે.
હાલ શું છે સ્થિતિ?
આઇ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના ઇનચાર્જ પીઆઇ એ.વાય. પટેલે જણાવ્યું કે,
-
2 લોકોને ફ્રેક્ચર થયું છે
-
1ને માથામાં ઈજા પહોંચી છે
-
1ને સામાન્ય ઈજા થઈ છે
હાલ ત્રણ લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે, જ્યારે એક ઈજાગ્રસ્તની હાલત સુધારા પર છે.
કાયદેસરની કાર્યવાહી
પોલીસે કારચાલક સામે મોટર વાહન અધિનિયમ (MV એક્ટ) તેમજ IPC કલમ 110 મુજબ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
વધુ સમાચાર વાંચો :
CAR-T સેલ થેરેપીથી બ્લડ કેન્સરનો ઇલાજ હવે ગુજરાતમાં જ શક્ય
https://abplusnews.com/treatment-of-blood-cancer-with-car-t-cell/



