અમદાવાદીઓ માટે વર્ષના અંતની સૌથી મોટી અને રંગીન ઉજવણી ગણાતો કાંકરિયા કાર્નિવલ 2025 આજે 25 ડિસેમ્બરથી ભવ્ય રીતે શરૂ થઈ રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સાંજે 7 વાગ્યે કાર્નિવલનો વિધિવત શુભારંભ થવાનો છે. આ અવસરે પ્રખ્યાત લોકગાયક કિર્તીદાન ગઢવી પોતાના સુરોથી કાંકરિયાને સંગીતમય બનાવી દેશે. 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી સાત દિવસ ચાલનાર આ કાર્નિવલમાં લોકોને મફત પ્રવેશ આપવામાં આવશે, જે આ વર્ષની ખાસિયત છે.
આ વર્ષે કાંકરિયા કાર્નિવલ ને વધુ આકર્ષક બનાવવા માટે અનેક નવા કાર્યક્રમો ઉમેરવામાં આવ્યા છે. ડ્રોન શો, પાયરો શો (આગ સાથેનું ડાન્સ), પેટ ફેશન શો, લાઈટ એન્ડ સાઉન્ડ શો જેવા નવા આકર્ષણો લોકો માટે ખાસ તૈયાર કરવામાં આવ્યા છે. દરરોજ સવારે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી કાંકરિયા કાર્નિવલ ખુલ્લો રહેશે. સાત દિવસ દરમિયાન કિર્તીદાન ગઢવી ઉપરાંત ગીતાબેન રબારી, ઈશાની દવે, બ્રિજદાન ગઢવી સહિતના જાણીતા ગુજરાતી કલાકારો પોતાના કાર્યક્રમો રજૂ કરશે.
આ વર્ષે કાંકરિયા કાર્નિવલ દરમિયાન એક ખાસ ગૌરવપૂર્ણ ક્ષણ પણ સર્જાવાની છે. આજે સવારે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે સૌથી મોટું બલૂન મોઝેક તૈયાર કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 3500થી વધુ સફાઈ કર્મચારીઓ આ બલૂન મોઝેકમાં ભાગ લેશે. સાંજે કાંકરિયા કાર્નિવલ ના કાર્યક્રમ દરમિયાન ગિનીસ વર્લ્ડ રેકોર્ડ અંગે સત્તાવાર જાહેરાત થવાની સંભાવના છે.
ભીડને નિયંત્રિત રાખવા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ વર્ષે પહેલી વખત અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કાંકરિયાના તમામ એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પર હેડ કાઉન્ટ કેમેરા લગાવવામાં આવ્યા છે, જેના માધ્યમથી પરિસરમાં કેટલા લોકો હાજર છે તેનું લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે. જો ભીડ 80 હજારથી 1 લાખ સુધી પહોંચશે તો તાત્કાલિક ગેટ બંધ કરવાની વ્યવસ્થા રાખવામાં આવી છે. આ તમામ માહિતીનું લાઈવ ફીડ કાંકરિયા ખાતેના પોલીસ કંટ્રોલ રૂમ અને પાલડી કમાન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે મળશે.
સુરક્ષા માટે કુલ 110 CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે તેમજ ડ્રોન દ્વારા પણ સર્વેલન્સ કરવામાં આવશે. કાંકરિયાના સાત એન્ટ્રી-એક્ઝિટ ગેટ સહિત કુલ 34 સ્થળોએ CCTVથી નજર રાખવામાં આવશે. દરેક ગેટ પાસે LED સ્ક્રીન પણ લગાવવામાં આવી છે જેથી લોકો આરામથી કાર્યક્રમો માણી શકે.
કાંકરિયા કાર્નિવલ દરમિયાન શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કાંકરિયા લેકની આસપાસનો વિસ્તાર નો પાર્કિંગ ઝોન, નો સ્ટોપ અને નો યુટર્ન જાહેર કરવામાં આવ્યો છે. VVIP હાજરી અને મોટી સંખ્યામાં જનમેદનીને ધ્યાનમાં રાખીને વિશેષ ટ્રાફિક અને સુરક્ષા આયોજન કરાયું છે. પોલીસ બંદોબસ્ત સાથે ફાયરબ્રિગેડ અને મેડિકલ ટીમો પણ તૈનાત રહેશે. વિખૂટા પડેલા બાળકો માટે લોસ્ટ એન્ડ ફાઉન્ડ ડેસ્ક પણ ઉભો કરાયો છે.
આ વર્ષે આખું કાંકરિયા પરિસર અદભુત લાઇટિંગથી ઝગમગશે. અંદર અને બહાર બંને જગ્યાએ એલઈડી લાઇટિંગ કરવામાં આવી છે, જેના કારણે લોકો સેલ્ફી અને ફોટોગ્રાફી માટે ઉત્સાહિત રહેશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ત્રણ સ્ટેજ બનાવવામાં આવ્યા છે, જ્યાં સાતેય દિવસ અલગ-અલગ સાંસ્કૃતિક, મ્યુઝિકલ અને મનોરંજનાત્મક કાર્યક્રમો યોજાશે.
વધુ સમાચાર વાંચો :
CAR-T સેલ થેરેપીથી બ્લડ કેન્સરનો ઇલાજ હવે ગુજરાતમાં જ શક્ય
https://abplusnews.com/treatment-of-blood-cancer-with-car-t-cell/

