AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

AMC નું રૂ. 17,018 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વિશેષ ભાર

AMC
Share

રાજ્યમાં મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ( AMC )નું વર્ષ 2026-27નું ડ્રાફ્ટ બજેટ આજે 4 ફેબ્રુઆરીના રોજ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકાનું આ બજેટ કુલ રૂ. 17,018 કરોડનું છે, જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાફિક, સ્પોર્ટ્સ, ડ્રેનેજ અને ભવિષ્યના ફ્યુચરિસ્ટિક પ્રોજેક્ટ્સ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

બજેટમાં શહેરના વિકાસ માટે મોટા પાયે રોડ, પાણી, ડ્રેનેજ અને બ્રિજ પ્રોજેક્ટ્સ માટે ફાળવણી કરવામાં આવી છે. ડ્રેનેજ માટે સૌથી વધુ રૂ. 1931.82 કરોડ ફાળવવામાં આવ્યા છે, જ્યારે રોડ માટે રૂ. 1540.73 કરોડ, પાણી માટે રૂ. 794.82 કરોડ અને બ્રિજ માટે રૂ. 545.44 કરોડ ફાળવાયા છે. આ ચાર માથાઓ માટે કુલ રૂ. 4810 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જે કુલ બજેટના આશરે 27 ટકા જેટલું છે.

AMC ના આ બજેટમાં કોઈ પણ પ્રકારના નવા ટેક્સનો વધારો કરવામાં આવ્યો નથી. અગાઉના બજેટમાં કરવેરામાં દર વર્ષે ઓટોમેટિક બે ટકા વધારાની જોગવાઈ કરવામાં આવી હતી, જેના કારણે આ વર્ષે અલગથી કોઈ નવી જાહેરાત કરવામાં આવી નથી.

AMCઅમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી હોવાના કારણે હેરિટેજની ઓળખ જાળવવા માટે રૂ. 49 કરોડ ફાળવવામાં આવ્યા છે. હેરિટેજ પોળ અને ગેટ રિસ્ટોરેશન માટે રૂ. 15 કરોડ, ખાડિયા વોર્ડની સાંકડી શેરીઓના વિકાસ માટે રૂ. 10 કરોડ, દાદા હરિની વાવ અને માત્ર ભવાનીની વાવના વિકાસ માટે રૂ. 10 કરોડ ફાળવાયા છે. પ્રેમ દરવાજા અને દરિયાપુર દરવાજા વિસ્તારના પ્રીસીન્ટ અને જંકશન ડેવલોપમેન્ટ માટે રૂ. 4.50 કરોડ તથા ખાન જહાન અને ચાંદ શહીદ ફોર્ટ વોલગેટના રીસ્ટોરેશન માટે રૂ. 2.50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

કોમનવેલ્થ ગેમ્સ 2030 અમદાવાદને મળ્યા બાદ રજૂ થતું આ પહેલું બજેટ હોવાનું કમિશનરે જણાવ્યું હતું. આગામી કોમનવેલ્થ અને ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને રોડ, પાણી, ડ્રેનેજ, આરોગ્ય, ફાયર અને ટ્રાફિક સુવિધાઓ મજબૂત બનાવવા પર ભાર મૂકાયો છે.

શહેરમાં વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને ટ્રાફિક માટેની ફાળવણીમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. AMC એ ગત વર્ષે રૂ. 16 કરોડ ફાળવાયા હતા, જ્યારે આ વર્ષે સીધા રૂ. 130 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત 5 રેલવે ઓવરબ્રિજ અને 3 ફ્લાયઓવર બ્રિજ બનાવવાની જાહેરાત પણ કરવામાં આવી છે.

સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રૂ. 300 કરોડની ફાળવણી કરવામાં આવી છે. શહેરમાં 6 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, 5 મિનિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, 5 જિમ્નેશિયમ, 35 પ્લે ગ્રાઉન્ડ, 3 સ્વિમિંગ પૂલ અને એક ક્રિકેટ બોક્સ બનાવવામાં આવશે. ખાસ કરીને મોટેરા ખાતે SVP એન્કલેવ અને ચાંદખેડા વિસ્તારને સ્પોર્ટ્સ હબ તરીકે વિકસાવવાની યોજના છે.

ફ્લડ ફ્રી અને ગ્રીન અમદાવાદ બનાવવા માટે વરસાદી પાણીના નિકાલ, વોટર હાર્વેસ્ટિંગ, પરકોલેશન વેલ, તળાવોના વિકાસ અને સોલાર એનર્જી પ્રોજેક્ટ્સ માટે પણ જોગવાઈ કરવામાં આવી છે. સોલાર પ્રોજેક્ટથી વાર્ષિક 199 મિલિયન યુનિટ ઊર્જા ઉત્પાદન થવાથી કાર્બન ફૂટપ્રિન્ટમાં ઘટાડો થશે.

મહિલા અને બાળ કલ્યાણ માટે 25 પિંક ટોયલેટ, 100 નવી આંગણવાડી, 50 માર્ક્સ, મહિલા જીમ અને 5 ઘોડિયા ઘર બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

કુલ મળીને AMC નું આ બજેટ ભવિષ્યને ધ્યાનમાં રાખતું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નાગરિક સુવિધાઓ પર કેન્દ્રિત અને વિકાસલક્ષી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

વધુ સમાચાર વાંચો :

CAR-T સેલ થેરેપીથી બ્લડ કેન્સરનો ઇલાજ હવે ગુજરાતમાં જ શક્ય

https://abplusnews.com/treatment-of-blood-cancer-with-car-t-cell/

https://www.youtube.com/watch?v=J1i9Z83vHp0

Share

Related posts

અમદાવાદના 17 વોર્ડમાં ત્રણ દિવસ માટે પાણી કાપ, જાણો વિસ્તારો અને કારણ

abplusnews

રાશિ મુજબ કયો રુદ્રાક્ષ છે તમારા માટે શ્રેષ્ઠ? ભગવાન શિવનાં આંસુમાંથી ઉદ્ભવેલે દિવ્ય વરદાન

abplusnews

અમદાવાદ સ્માર્ટ સિટી: 250 AMTS બસમાં લાગશે એઆઈ ડેશકેમ, રસ્તાની સમસ્યાઓ મળશે તરત દુર

abplusnews

Leave a Comment