નારોલમાં મોડી રાતે યુવકની હત્યા થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. જૂની અદાવતના કારણે માથાભારે શખસે યુવકનું મોઢું છુંદી નાખીને તેની નિર્દયતાથી હત્યા કરી હતી. હત્યાનો આંગણો એટલો હતો કે મૃતક યુવકની ઓળખ કરવી પણ મુશ્કેલ થઈ ગઈ. પોલીસે યુવક પાસેથી મળેલા મોબાઈલ દ્વારા તેના પિતાને જાણ કરી હતી. વધુમાં, યુવકના પિતાએ તેના શરીર પરના ટેટુના આધારે તેની ઓળખ કરી હતી. પોલીસે મોડીરાતે જ હત્યામાં સામેલ શખસની ધરપકડ કરી હતી.
યુવકના પિતાએ હત્યાની ફરિયાદ નોંધાવી
પ્રાપ્ત માહિતી અનુસાર, નારોલમાં આવેલા શિવમ પાર્ક સોસાયટીમાં રહેતા રાજાસિંહ રાજાવતે નારોલ પોલીસ સ્ટેશનમાં રવિ ઉર્ફે બાપુ બોરાણા (રહે. વૃંદાવન સોસાયટી, નારોલ) વિરુદ્ધ તેમના દીકરાની હત્યાની ફરિયાદ નોંધાવી છે. રાજાસિંહ મૂળ ઉત્તરપ્રદેશના કાનપુર જિલ્લાના મલાસા ગામના રહેવાસી છે અને છેલ્લા પાંચ-છ મહિનાથી નારોલમાં ભાડાના મકાનમાં રહે છે. તેઓ અસલાલી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. તેમનાં દીકરા ધ્રુવેન્દ્રસિંહ શાહવાડી વિસ્તારમાં આવેલી ભૂમી કાપડ કંપનીમાં નોકરી કરતાં હતાં, જ્યારે તેમની દીકરી ઇચ્છા હિમતનગરમાં LLB અભ્યાસ કરે છે. ધ્રુવેન્દ્રસિંહે એક વર્ષ અગાઉ અંશીકા ઉર્ફે પરી સાથે લગ્ન કર્યા હતા.
હત્યા પૂર્વે મૃતક અને આરોપી વચ્ચે થયો હતો ઝઘડો
ઘટના પૂર્વે રાજાસિંહ પોતાની નોકરી પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન તેમને પોલીસ કર્મચારીનો ફોન આવ્યો કે તેમના દીકરા ધ્રુવેન્દ્રસિંહનું રંગોલીનગર ટોરેન્ટ પાવર નજીક ઝઘડો થતા ગંભીર ઇજા પહોંચી છે. આ જાણ થતા રાજાસિંહ તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા, જ્યાં પોલીસે લાશ મળી હતી. યુવાનનું મોઢું છૂંદાઈ ગયું હોવાથી તેને ઓળખી શકાતા નહોતાં, પરંતુ પેટના જમણા ભાગે આવેલું ટેટુ અને હાથમાં પહેરેલા દોરા જોઈને પિતાએ પુત્ર હોવાની પુષ્ટિ કરી હતી.
એક અઠવાડિયા પૂર્વે થયેલી બબાલે ઉશ્કેરણી કરી
પોલીસ તપાસમાં ખુલાસો થયો કે, એક અઠવાડિયા પૂર્વે ધ્રુવેન્દ્રસિંહ અને રવિ ઉર્ફે બાપુ બોરાણા વચ્ચે બબાલ થઈ હતી. ઉલ્લેખનીય છે કે, ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મોડીરાત્રે પોલીસે રવિની ધરપકડ કરી, અને પૂછપરછ દરમિયાન તેણે ગુનાની કબુલાત કરી હતી.