AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

અમદાવાદમાં માર્ચની શરૂઆતમાં જ 42°C ગરમી, હીટ એક્શન પ્લાન અમલમાં

હીટ
Share

માર્ચ મહિનાની શરૂઆત સાથે જ અમદાવાદ શહેરમાં ઉનાળાની આકરી ગરમીનો અહેસાસ શરૂ થઈ ગયો છે. શહેરમાં તાપમાન સતત વધતા હવે પારો 41 થી 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે. ગરમીના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા હીટ એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે. આ યોજના હેઠળ શહેરમાં વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે જેથી શહેરીજનોને ગરમીમાંથી શક્ય તેટલી રાહત મળી શકે.

ગરમીના સૌથી કઠોર સમયમાં એટલે કે બપોરે 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી લોકોને ટ્રાફિક સિગ્નલ પર લાંબા સમય સુધી ઉભા રહેવું ન પડે તે માટે શહેરના 70 જેટલા ટ્રાફિક સિગ્નલો આ સમયગાળા દરમિયાન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પગલાંથી ટ્રાફિકમાં ઉભેલા લોકો, વાહનચાલકો તેમજ પદયાત્રીઓને તડકામાં ઉભા રહેવાની પરિસ્થિતિમાંથી થોડુંક રાહત મળશે.

ગરમીથી બચવા માટે શહેરમાં વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓને પણ જોડવામાં આવી છે. આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકી અને ડો. તેજસ શાહે માહિતી આપતા જણાવ્યું હતું કે હીટ એક્શન પ્લાન અંતર્ગત શહેરના જુદા જુદા ઝોનમાં વિવિધ સંસ્થાઓ, એસોસિએશનો અને સમાજસેવી સંગઠનો સાથે મળીને અત્યાર સુધીમાં 350થી વધુ પાણીની પરબો શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં વધુ સંસ્થાઓને જોડીને શહેરમાં 1,000થી વધુ પાણીની પરબો ઉભી કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ પાણીની પરબો દ્વારા લોકોને ઠંડુ પીવાનું પાણી સરળતાથી મળી રહેશે.

શહેરના AMTS અને BRTS બસ સ્ટેન્ડ ઉપર પણ મુસાફરો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે ORS પેકેટ પણ ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે જેથી હીટ ના કારણે થતી ડિહાઇડ્રેશન જેવી સમસ્યાથી લોકો બચી શકે.

જ્યાં ટ્રાફિક વધુ હોય અને ટ્રાફિક સિગ્નલ બંધ રાખવું શક્ય ન હોય એવા મુખ્ય ચાર રસ્તાઓ ઉપર ગ્રીન નેટ લગાવવાની યોજના પણ અમલમાં મૂકવામાં આવી રહી છે. CREDAI તેમજ અન્ય સંસ્થાઓના સહકારથી શહેરના લગભગ 24 ટ્રાફિક સિગ્નલો ઉપર ગ્રીન નેટ લગાવવામાં આવશે. આ ગ્રીન નેટ એવી રીતે લગાવવામાં આવશે કે CCTV કેમેરાને કોઈ અવરોધ ન આવે અને સાથે સાથે ટ્રાફિક પર ઉભેલા લોકોને તડકામાંથી થોડો છાંયો મળી રહે.

હીટ ના પ્રભાવને ધ્યાનમાં રાખીને શહેરના તમામ બાગ-બગીચાઓના સમયપત્રકમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે શહેરના બાગ-બગીચા સવારે 6 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. ઉપરાંત દરેક બગીચામાં પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી લોકો સવારે અને સાંજે ફરવા જતા હોય ત્યારે તેમને રાહત મળી રહે.

શહેરમાં ચાલી રહેલી બાંધકામ સાઈટો માટે પણ ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. અનિવાર્ય પરિસ્થિતિ સિવાય બપોરે 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી બાંધકામનું કામ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરીને ઓરેન્જ અને રેડ એલર્ટ દરમિયાન શ્રમિકોએ બપોરના સમયગાળા દરમિયાન કામ ન કરવું તેની સૂચના આપવામાં આવી છે.

તે ઉપરાંત આંગણવાડી, સ્કૂલ તેમજ સફાઈ કામદારોના કામકાજના સમયમાં પણ ફેરફાર કરવામાં આવશે જેથી તેઓને બપોરના કડકડતા તડકામાં કામ કરવું ન પડે. આરોગ્ય વિભાગે લોકોને અપીલ કરી છે કે જો કોઈ વ્યક્તિને હીટ ના કારણે ચક્કર આવવું, ઉલટી થવી, અતિશય માથાનો દુખાવો થવો અથવા બેભાન થવાની સ્થિતિ સર્જાય તો તરત જ નજીકના અર્બન હેલ્થ સેન્ટર અથવા હોસ્પિટલનો સંપર્ક કરવો.

હીટ એક્શન પ્લાન દ્વારા શહેરમાં ગરમી સામે લડવા માટે વિવિધ સ્તરે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે જેથી લોકોનું આરોગ્ય સુરક્ષિત રાખી શકાય અને ઉનાળાની આકરી ગરમીમાં લોકોને શક્ય તેટલી રાહત મળી શકે.

વધુ સમાચાર વાંચો :

CAR-T સેલ થેરેપીથી બ્લડ કેન્સરનો ઇલાજ હવે ગુજરાતમાં જ શક્ય

https://abplusnews.com/treatment-of-blood-cancer-with-car-t-cell/

https://www.youtube.com/watch?v=J1i9Z83vHp0

Share

Related posts

મંડાલી ગ્રામપંચાયત માં ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો

abplusnews

બર્થરાઈટ સિટીઝનશિપ ખતમ કરવાના ટ્રમ્પના આદેશ પર કોર્ટનો સ્ટે

abplusnews

લાંબાગાળાના ઉકેલ માટે AMC નું પગલું: દબાણ હટાવી માર્ગ પહોળા કરાયા

abplusnews

Leave a Comment