અમદાવાદ: ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં ધો. 8ના વિદ્યાર્થીએ ધો. 10ના વિદ્યાર્થી નયન પર છરી જેવા તિક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. મંગળવારે બનેલી આ ઘટનામાં ઘાયલ નયનનું સારવાર દરમિયાન બુધવારે સવારે મણિનગરની હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. આ દુઃખદ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે રોષ ફેલાવ્યો હતો.
મૃત્યુના સમાચાર મળતાં જ સવારે 8.45 વાગ્યાથી મોટી સંખ્યામાં વાલીઓ અને સ્થાનિક લોકો સેવન્થ ડે સ્કૂલમાં ઉમટ્યા હતા. 11 વાગ્યા સુધીમાં 2000 જેટલા લોકો એકઠા થઈ ગયા હતા. લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો અને અચાનક ટોળાએ હિંસક રૂપ ધારણ કર્યું. સ્કૂલના દરવાજા, કાચ અને ફર્નિચર તોડી નાખ્યા હતા. પાર્કિંગમાં ઊભેલી બસો, કાર અને ટુ-વ્હીલરમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. એક સ્ટાફ મેમ્બર પર હુમલો કરીને તેને ઉપરના માળે ખેંચી જવાની પણ ઘટના બની હતી.
સેવન્થ ડે સ્કૂલમાં પોલીસ-લોકો વચ્ચે ઘર્ષણ અને લાઠીચાર્જ
પોલીસે સમજાવટ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ લોકો માનવા તૈયાર નહોતા. પરિસ્થિતિ ગંભીર બનતાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. મહિલાઓ પર પણ બળપ્રયોગ થતા વધુ રોષ ફેલાયો હતો. બે કલાક સુધી પોલીસ અને વાલીઓ વચ્ચે સમજાવટ ચાલી હતી, છતાં પરિસ્થિતિ કાબૂમાં આવી નહોતી. અંતે ક્રાઈમ બ્રાન્ચની ટીમને ઘટનાસ્થળે બોલાવવી પડી હતી.
સેવન્થ ડે સ્કૂલમાં ABVP–VHPના કાર્યકરોનો ઉગ્ર વિરોધ
આ બનાવ બાદ સેવન્થ ડે સ્કૂલમાં ABVP અને VHPના કાર્યકરો પણ મોટી સંખ્યામાં એકઠા થયા હતા. લોકોએ “જય શ્રીરામ”ના નારા લગાવ્યા અને પોલીસ પ્રશાસન વિરુદ્ધ વિરોધ વ્યક્ત કર્યો. પોલીસે ABVPના એક નેતાને વાળ પકડીને અંદર ખેંચી જતાં કાર્યકરો અને પોલીસ વચ્ચે વધુ અથડામણ સર્જાઈ હતી.
અંતિમયાત્રામાં ઉમટી પડ્યો જનસમુદાય
બપોરે 2 વાગ્યે ઈસનપુર સ્મશાન ગૃહ ખાતે નયનની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં 2000થી વધુ લોકો જોડાયા હતા. મૃતદેહને અંતિમયાત્રા પૂર્વે સ્કૂલે લાવવામાં આવતા મહિલાઓ અને પોલીસ વચ્ચે ફરી ઘર્ષણ થયું. મહિલા પોલીસે બળપ્રયોગ કરતા સ્થાનિક મહિલાઓ વધુ આક્રોશિત થઈ હતી.
ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપાઈ
ઘટનાની ગંભીરતાને જોતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સમગ્ર કેસની તપાસ કરશે. JCP ક્રાઈમ શરદ સિંઘલ અને મણિનગરના ધારાસભ્ય અમુલ ભટ્ટ સ્થળ પર પહોંચી લોકોથી શાંતિ રાખવાની અપીલ કરી હતી. સેક્ટર-2 JCP જયપાલસિંહ રાઠોડે જણાવ્યું કે મુખ્ય આરોપીની ધરપકડ થઈ ગઈ છે અને તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપી હાલ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજુ થશે.
સરકાર અને શિક્ષણ વિભાગની પ્રતિક્રિયા
રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે આ ઘટના માત્ર શૈક્ષણિક નહિ પરંતુ સામાજિક ચિંતનનો વિષય છે. જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને ભવિષ્યમાં આવા બનાવો ફરી ન બને તે માટે જરૂરી પગલાં લેવાશે.
પરિવારજનોની માંગ
મૃતક નયનના પરિવારજનો તથા સ્થાનિક લોકોએ આરોપીને ફાંસીની સજા કરવાની માગણી કરી છે. સાથે જ સેવન્થ ડે સ્કૂલમાં બંધ કરવાની માંગ પણ ઉઠાવવામાં આવી છે.
આ ઘટનાએ માત્ર એક વિસ્તાર જ નહિ, પરંતુ સમગ્ર અમદાવાદમાં ચિંતા ફેલાવી છે કે શાળાઓમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવાની તાત્કાલિક જરૂર છે.
વધુ સમાચાર વાંચો :
શનિ જયંતિ 2025: જાણો 26 કે 27 મેમાં શું છે સાચી તારીખ, પૂજા મુહૂર્ત અને વિશેષ મહિમા
https://abplusnews.com/when-is-shani-jayanti-in-2025/


