22 એપ્રિલ 2025ના રોજ પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 નિર્દોષ પ્રવાસીઓના મોત બાદ, ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં સ્થિત 9 આતંકી ઠેકાણાઓ પર “ ઓપરેશન સિંદૂર ” હેઠળ હવાઈ હુમલા કર્યા. આ કાર્યવાહી મંગળવાર-બુધવારની મધ્યરાત્રે, લગભગ 1:30 વાગ્યે શરૂ થઈ હતી.
ભારતીય સેનાના સૂત્રોએ ANI ને જણાવ્યું કે આ સંયુક્ત લશ્કરી કાર્યવાહી હતી, જેમાં ભારતીય સેના અને વાયુસેનાએ ચોકસાઈથી નિશાન સાધતા હથિયારોથી હુમલા કર્યા. લક્ષ્યોમાં જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીનના ઠેકાણા શામેલ હતા.

“ ઓપરેશન સિંદૂર ” મુખ્ય લક્ષ્યો અને સ્થાન
હુમલાના મુખ્ય સ્થળોમાં બહાવલપુર (જૈશનું મુખ્ય મથક), મુરીદકે (લશ્કર કેમ્પ), કોટલી, મુઝફ્ફરાબાદ, બાગ, સરજલ, મહમૂના, બાર્નાલા અને સવાઈના આતંકી કેમ્પોનો સમાવેશ થાય છે. પાકિસ્તાની મીડિયા અનુસાર, આતંકી સંગઠનોના 100થી વધુ સભ્યોના મૃત્યુની અણૌપચારિક માહિતી મળી છે.
“ ઓપરેશન સિંદૂર ” પર પાકિસ્તાનનો પ્રતિસાદ
પાકિસ્તાની સરકાર અને મીડિયા દ્વારા વિરોધાભાસી નિવેદનો આપવામાં આવ્યા. રાત્રે હુમલાની પુષ્ટિ કરતાં તેઓએ દાવો કર્યો કે ભારતે નાગરિક વિસ્તારોને નિશાન બનાવ્યા. PTV ન્યૂઝે તો 2 ભારતીય વિમાનો તોડી પાડ્યાનો દાવો કર્યો. ISPRના ડિરેક્ટર લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ કહ્યું કે ભારતે 24 મિસાઈલ છોડી, જેમાં 8 નાગરિકોના મોત થયા અને 35 ઘાયલ થયા.

આંતરરાષ્ટ્રીય પ્રતિસાદ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકાર પરિષદમાં કહ્યું કે “આ શરમજનક ઘટના છે.” તેમણે ઉમેર્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો ઘર્ષણ હવે સમાપ્ત થવો જોઈએ.
પહેલગામ હુમલાની પૃષ્ઠભૂમિ
22 એપ્રિલના રોજ થયેલા હુમલામાં નાગરિકોના ધર્મ પૂછ્યા બાદ ગોળી મારી દેવામાં આવ્યા હતા. આ હુમલામાં મહારાષ્ટ્રના પ્રવાસી સંતોષ જગદાલે સહિત ઘણા લોકોએ જીવ ગુમાવ્યા. તેમની પુત્રી આશાવરીએ જણાવ્યું કે હુમલાખોરો પોલીસની યુનિફોર્મમાં હતા અને કલમા ન બોલી શકવાના આધારે તેમના પિતાની હત્યા કરી હતી.

ભારત સરકારની દ્રઢ કાર્યવાહી
આ હવાઈ હુમલા 2019ના પુલવામા હુમલાના જવાબમાં કરવામાં આવેલી બાલાકોટ સ્ટ્રાઈક પછીની સૌથી મોટી સૈન્ય કાર્યવાહી છે. પીએમ મોદી ઓપરેશન દરમ્યાન સતત સેનાધ્યક્ષો સાથે જોડાયેલા રહ્યા હતા અને આખી રાત તબીબ રીતે નિરીક્ષણ કરતા રહ્યા હતા.
ઓપરેશન સિંદૂર આતંકવાદ સામે ભારતની નીતિ “શૂન્ય સહનશીલતા”નું જીવંત ઉદાહરણ છે. ભારતે માત્ર આતંકી ઠેકાણાઓને નિશાન બનાવી વિશ્વ સમુદાયને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે ભારતના નાગરિકો પર હુમલો સહન નહિ કરવામાં આવે.
