સોમવાર સાંજથી ગુજરાતમાં તોફાની પવન અને ગાજવીજ સાથે શરૂ થયેલા વરસાદે રાજ્યના અનેક વિસ્તારોમાં વિનાશક સ્વરૂપ ધારણ કર્યું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ, અમદાવાદમાં મોડી સાંજથી અચાનક ધૂળભરી આંધી સાથે વાતાવરણમાં પલટો આવ્યો હતો. કાળા વાદળો છવાતા વાતાવરણમાં અંધારું છવાઈ ગયું અને ત્યારબાદ તોફાની પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. વીજળીના કડાકા અને ભારે પવનના કારણે સમગ્ર શહેરમાં કુદરતના રૌદ્રરૂપના દ્રશ્યો જોવા મળ્યા હતા.
અમદાવાદ શહેરમાં 75થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે, જેમાંથી 48 જગ્યાએ તરત નિકાલ કરાયો છે અને 38 સ્થળોએ કામગીરી ચાલુ છે. આનંદનગર, પકવાન, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં ભારે નુકસાન નોંધાયું છે. ખાસ કરીને કેશવબાગ વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. દરિયાપુર વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થતા સુરેશભાઈ સથવારાનું મોત થયું છે જ્યારે અન્ય એક યુવક ઇજાગ્રસ્ત થયો છે. વૃક્ષો નીચે દટાતા 15થી વધુ વાહનોને પણ નુકસાન થયું છે.

વડોદરામાં પણ આ તોફાની પવન અને વરસાદે હાહાકાર મચાવ્યો છે. તોફાની પવન ના કારણે ત્રણ લોકોના મોત થયા છે. જીતીશ મોરે નામના વ્યક્તિનું જીવતો વીજ વાયર તૂટી પડવાથી મોત થયું, જયારે પરબતભાઈ ડાંગરના માથા પર વીજ વાયર પડતાં તેમનું પણ કરુણાંતિક મોત થયું. સમા તળાવ પાસે કોમ્પલેક્ષની કાચની પેનલ રીક્ષા પર પડતાં ગિરીશકુમાર ચૌરેએ પણ જીવ ગુમાવ્યો. વાવાઝોડાસભર તોફાની પવન ના કારણે અનેક વિસ્તારોમાં વૃક્ષો પડી જતા સાત લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ભરૂચમાં મોડી રાત્રે મીની વાવાઝોડાએ જનજીવનને પ્રભાવિત કર્યું. દહેજ ટોલ પ્લાઝાનો શેડ પત્તાના મહેલની જેમ ધરાશાયી થવાથી અનેક વાહનોને નુકસાન થયું, જોકે કોઈ જાનહાનીના સમાચાર નથી. પાટણ જિલ્લામાં પણ તેજ પવન અને વીજળીના કડાકા સાથે ધીમીધારે વરસાદ થયો. સમી તાલુકાના ઉપલીયસરા ગામમાં વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થયા, અને ઘરના છાપરા અને નળિયા ઉડી જતાં અનેક પરિવારોને નુકસાન ભોગવવું પડ્યું.
રાજ્યભરમાં તોફાની પવન અને વરસાદને કારણે વીજ પુરવઠો ખોરવાયો છે, તેમજ માર્ગ વ્યવસ્થામાં અવરોધ સર્જાયો છે. NDRFની ટીમો તાત્કાલિક કામગીરીમાં જોડાઈ ગઈ છે અને જરૂરી બચાવ કામગીરી હાથ ધરાઈ રહી છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં વધુ વરસાદ અને તોફાની પવન ની આગાહી સાથે રાહત અને બચાવ દળોને અલર્ટ પર રહેવા સૂચના આપી છે.
