નવી દિલ્હી: યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન ( UGC ) દ્વારા જાહેર કરાયેલા ‘પ્રમોશન ઑફ ઇક્વિટી ઇન હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સ રેગ્યુલેશન્સ, 2026’ પર સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ હસ્તક્ષેપ કરતાં આગામી આદેશ સુધી તેના અમલીકરણ પર રોક લગાવી છે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI) સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યાની બેન્ચે આ નિયમોની કેટલીક જોગવાઈઓને “અસ્પષ્ટ” ગણાવીને તેના દુરુપયોગની શક્યતા વ્યક્ત કરી છે.
કોર્ટે કેન્દ્ર સરકારને આ નિયમોનો ડ્રાફ્ટ ફરીથી તૈયાર કરવા માટે નિર્દેશ આપતાં કહ્યું હતું કે નિયમો એવી રીતે ઘડવા જોઈએ કે ખરેખર પીડિત અને જરૂરિયાતવાળા લોકોને ન્યાય મળી શકે. CJI સૂર્યકાંતે નોંધ્યું, “આપણે જાતિવિહીન સમાજ તરફ કેટલું આગળ વધ્યાં છીએ? કે પછી આપણે ઊલટી દિશામાં જઈ રહ્યા છીએ?”
આ કેસમાં મૃત્યુંજય તિવારી, એડવોકેટ વિનીત જિંદાલ અને રાહુલ દીવાને UGCના નવા નિયમો સામે અરજીઓ દાખલ કરી હતી. અરજીઓમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે UGC એ જાતિ આધારિત ભેદભાવની બિન-સમાવેશક વ્યાખ્યા અપનાવી છે અને કેટલાક સમુદાયોને સંસ્થાકીય સંરક્ષણથી બહાર રાખ્યા છે. અરજદારોનું કહેવું છે કે નિયમો માત્ર SC, ST અને OBC વિદ્યાર્થીઓની ફરિયાદોને જ આવરી લે છે, જ્યારે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે કોઈ અસરકારક નિવારણ પ્રણાલી ઉપલબ્ધ નથી.
સુનાવણી દરમિયાન એક અરજદારના વકીલે દલીલ કરી હતી કે સામાન્ય કેટેગરીના વિદ્યાર્થીઓ પર ખોટી ફરિયાદોના કારણે કારકિર્દી ખતમ થવાની ભીતિ છે. તેમણે રેગિંગ અને સિનિયર-જુનિયર સંબંધોની જમીની હકીકતો નિયમોમાં સમાવિષ્ટ ન હોવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. આ પર કોર્ટે પ્રશ્ન કર્યો હતો કે શું આવા કેસોમાં ફરિયાદો પર વિચાર કરવામાં આવશે?
UGCએ આ નવા નિયમો 13 જાન્યુઆરી 2026ના રોજ નોટિફાય કર્યા હતા અને 15 જાન્યુઆરીથી દેશભરની તમામ માન્યતા પ્રાપ્ત કોલેજો અને યુનિવર્સિટીઓમાં અમલમાં મૂક્યા હતા. નિયમો હેઠળ જાતિ આધારિત ભેદભાવ અટકાવવા માટે વિશેષ સમિતિઓ, હેલ્પલાઇન અને મોનિટરિંગ મિકેનિઝમની જોગવાઈ કરવામાં આવી હતી.
આ નિયમો બનાવવાનો પૃષ્ઠભૂમિમાં રોહિત વેમુલા અને પાયલ તડવી જેવા દુઃખદ કેસો રહ્યા છે, તેમજ IITના અભ્યાસમાં 75% વંચિત વર્ગના વિદ્યાર્થીઓએ ભેદભાવનો સામનો કર્યાની નોંધ લેવાઈ હતી. 2019માં સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ UGCને નવા નિયમો ઘડવા કહ્યું હતું.
જોકે, નવા નિયમો સામે દેશભરમાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. દિલ્હી યુનિવર્સિટી, લખનઉ યુનિવર્સિટી, કાનપુર સહિત અનેક સ્થળોએ વિદ્યાર્થીઓ અને સંગઠનોએ વિરોધપ્રદર્શન કર્યા છે. ગુજરાતમાં સુરત, રાજકોટ અને મહેસાણામાં બ્રહ્મ સમાજ અને પાટીદાર સમાજ દ્વારા નિયમોને બંધારણીય ભાવના વિરુદ્ધ ગણાવી વિરોધ નોંધાવ્યો છે.
બીજી તરફ, તામિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને આ નિયમોને સમર્થન આપતાં તેને ઉચ્ચ શિક્ષણ પ્રણાલીમાં સુધારાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે. ભાજપના નેતા બ્રિજભૂષણ શરણ સિંહે નિયમોને સમાજને વિભાજિત કરનાર ગણાવી પુનર્વિચારની માંગ કરી છે.
હવે આ મામલે સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી 19 માર્ચે થશે, જેમાં UGC અને કેન્દ્ર સરકાર તરફથી સુધારેલા ડ્રાફ્ટ પર ચર્ચા થવાની શક્યતા છે.
વધુ સમાચાર વાંચો :
CAR-T સેલ થેરેપીથી બ્લડ કેન્સરનો ઇલાજ હવે ગુજરાતમાં જ શક્ય
https://abplusnews.com/treatment-of-blood-cancer-with-car-t-cell/



