અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તળાવો અને ગાર્ડનનો સૌંદર્ય અને સુવિધાઓ વધારવા માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે. આ અભિયાન અંતર્ગત પશ્ચિમ વિસ્તારમાં આવેલું વસ્ત્રાપુર તળાવ સંપૂર્ણ રીતે નવનિર્મિત રૂપમાં નગરજનો માટે તૈયાર કરવામાં આવ્યું છે. રૂ. 10 કરોડથી વધુના ખર્ચે કરવામાં આવેલા આ રીડેવલપમેન્ટથી તળાવ હવે વધુ આકર્ષક, સુવિધાસભર અને કુદરતી સૌંદર્યથી પરિપૂર્ણ બન્યું છે.
વસ્ત્રાપુર તળાવ માં નાગરિકોના મનોરંજન માટે વિશેષ સુવિધાઓ
વસ્ત્રાપુર તળાવ માં પ્રવેશતા જ આકર્ષક ફુવારા અને લાઇટિંગ સિસ્ટમનો અત્યંત સુંદર નજારો જોવા મળે છે. બાળકો માટે વિશેષ ચિલ્ડ્રન પ્લે એરિયા તૈયાર કરવામાં આવ્યો છે. સાથે સાથે નાગરિકો તળાવનો સૌંદર્ય કોઈપણ તરફથી માણી શકે તે માટે ત્રણ અલગ–અલગ વ્યુઈંગ ગેલેરી બનાવવામાં આવી છે. સવારે મોર્નિંગ કરવા આવતા નાગરિકોને કોઇપણ પ્રકારની ફી લેવામાં નહીં આવે જ્યારે સામાન્ય પ્રવેશ માટે રૂ. 10ની ટિકિટ રાખવામાં આવી છે.
મોર્નિંગ વોક માટે 950 મીટરનો ટ્રેક
વસ્ત્રાપુર તળાવ માં નગરજનોને આરોગ્યપ્રદ વાતાવરણમાં મોર્નિંગ વોક અને સાંજના ફરવાના આનંદ માટે 950 મીટર લાંબો ચાલવાની ટ્રેક બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત 250 ચોરસ મીટરનો વિશેષ પેટે ડોગ એરિયા પણ સુવિધા રૂપે ઉમેરવામાં આવ્યો છે જેથી પાલતુ પ્રાણીઓ સાથે ફરવાની વ્યવસ્થા રહે.
પાણીની ગુણવત્તા જળવાય તે માટે અદ્યતન ટેકનોલોજી
વસ્ત્રાપુર તળાવ માં લીલિયાં ન થાય અને ઓક્સિજનનું પ્રમાણ ઓછું ન થાય તે માટે 3 સ્થળે એરેટર લગાવવામાં આવ્યા છે. તળાવમાં પાણીની ઉપલબ્ધતા અને શુદ્ધતાને ધ્યાનમાં રાખીને 5 MLD ક્ષમતાવાળા ટ્રીટમેન્ટ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે. આસપાસના વિસ્તારોનું વરસાદી પાણી યોગ્ય નિકાસ થતું રહે તે માટે ડ્રેનેજ લાઈનો પણ સંકલિત કરવામાં આવી છે.
નવા નામ સાથે નવું રૂપ
અદ્યતન રીડેવલપમેન્ટ બાદ આ તળાવને નરસિંહ મહેતા તળાવ એન્ડ ગાર્ડન નામ આપવામાં આવશે. ત્રણ એન્ટ્રી ગેટને પણ વિશેષ નામ આપવામાં આવ્યા છે —
-
નરસિંહ મહેતા ગેટ
-
કલ્યાણપૃષ્ટી હવેલી ગેટ
-
શહિદ ચોક ગેટ
દરેક ગેટ ખાતે ફુવારાઓ દ્વારા શીતળતાનો સ્પર્શ નાગરિકોને મળતો રહેશે.
વસ્ત્રાપુર તળાવ નું અમિત શાહના હસ્તે લોકાર્પણ
આ વિકાસકામનું લોકાર્પણ 7 ડિસેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી તથા ગાંધીનગર સાંસદ શ્રી અમિત શાહના હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે શહેરના સમગ્ર વિકાસને વેગ મળે તે માટે AMC દ્વારા અનેક અન્ય પ્રજાલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે.
શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મળશે નવો વેગ
અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ તથા ગાંધીનગર લોકસભા વિસ્તારોને મળીને કુલ રૂ. 2395.77 કરોડની કિંમતના 68 મોટા વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રોજેક્ટ્સ દ્વારા શહેરમાં રોડ, ડ્રેનેજ, પાર્ક, હરિત વિકાસ અને શહેરી સુવિધાઓમાં મહત્ત્વનો ફેરફાર જોવા મળશે.
વધુ સમાચાર વાંચો :
CAR-T સેલ થેરેપીથી બ્લડ કેન્સરનો ઇલાજ હવે ગુજરાતમાં જ શક્ય
https://abplusnews.com/treatment-of-blood-cancer-with-car-t-cell/



