AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

ડમ્પર ચાલકોની બેદરકારી યથાવત: નવા નરોડામાં મહિલા મોતને ભેટી

ડમ્પર
Share

અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં ફરી એક વખત માર્ગ અકસ્માતે માનવજીવનનો ભોગ લીધો છે. બેફામ વાહનચાલન અને ખાસ કરીને ડમ્પર ચાલકોની બેદરકારીને કારણે શહેરના રસ્તાઓ સામાન્ય નાગરિકો માટે જોખમરૂપ બનતા જઈ રહ્યા છે. નવી નરોડાની રહેવાસી મધુ દેવી રોજની જેમ કામ અર્થે પોતાની ટુવ્હીલર લઈને કઠવાડા તરફ જઈ રહ્યા હતા. તેઓ દાસ્તાન સર્કલથી કઠવાડા તરફ જવાના રોડ પર પહોંચ્યા ત્યારે અચાનક જ બેફામ રીતે આવેલા એક ડમ્પર એ તેમની ટુવ્હીલરને જોરદાર ટક્કર મારી હતી.

ટક્કર એટલી ભયાનક હતી કે મધુ દેવી હવામાં ફંગોળાઈને રસ્તા પર પટકાઈ પડ્યા હતા. અકસ્માત બાદ સ્થિતિ વધુ ગંભીર બની જ્યારે ડમ્પર નું ટાયર મધુ દેવીના માથા પરથી ફરી વળ્યું હતું. પરિણામે મધુ દેવીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ડમ્પરે લગભગ 100 મીટર સુધી મહિલાને ઢસડી હતી, જેના કારણે ઘટનાસ્થળ પર ભયાનક દ્રશ્યો સર્જાયા હતા.

અકસ્માત થતાં જ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. ડમ્પર ચાલક ભાગી ન જાય તે પહેલા જ લોકોએ તેને પકડી લીધો હતો અને માર મારી પોલીસને સોંપ્યો હતો. ગુસ્સે ભરાયેલા લોકોએ ડમ્પર પર પથ્થરમારો કરી તેના કાચ પણ તોડી નાખ્યા હતા. આ મામલે એચ ડિવિઝન ટ્રાફિક પોલીસે ડમ્પર ચાલક અમરા ખરાડી (ઉંમર 60, રહેવાસી ડુંગરપુર) વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ જ દિવસે નરોડા વિસ્તારમાં બીજી એક દુઃખદ ઘટના પણ સામે આવી છે. પોતાની પૌત્રીની ખબર કાઢવા માટે રાજસ્થાનથી નરોડા આવેલા 64 વર્ષીય રેખાજીભાઈ નરોડા સિટી સેન્ટર પાસેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે દરમિયાન ઓવરસ્પીડમાં આવેલા એક ટુવ્હીલર ચાલકે તેમને ટક્કર મારી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા રેખાજીભાઈને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી માર્ગ અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે, જેમાં ડમ્પરોનું નામ ખાસ કરીને ચિંતાજનક રીતે સામે આવી રહ્યું છે. આંકડાઓ મુજબ, છેલ્લા પાંચ વર્ષમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ડમ્પર ચાલકોની બેદરકારીના કારણે કુલ 145 અકસ્માતો થયા છે. આ અકસ્માતોમાં 76 નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે 55 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને 40 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે.

ડમ્પર દ્વારા કરવામાં આવતું બેફામ વાહનચાલન હવે શહેરના અન્ય વાહનચાલકો અને પગપાળા લોકો માટે જાણે જોખમ બની ગયું છે. નિયમોના અભાવ, પૂરતી દેખરેખ ન હોવી અને કડક કાર્યવાહી ન થવાને કારણે આવા અકસ્માતો વધતા જઈ રહ્યા છે. સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકરો દ્વારા વારંવાર ડમ્પરો પર નિયંત્રણ લાવવા, સ્પીડ મર્યાદા કડક અમલમાં મૂકવા અને ટ્રાફિક પોલીસ દ્વારા સતત ચેકિંગ કરવાની માંગ ઉઠી રહી છે. જો સમયસર કડક પગલાં લેવામાં નહીં આવે, તો શહેરમાં માર્ગ અકસ્માતોની સ્થિતિ વધુ ગંભીર બનવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

વધુ સમાચાર વાંચો :

CAR-T સેલ થેરેપીથી બ્લડ કેન્સરનો ઇલાજ હવે ગુજરાતમાં જ શક્ય

https://abplusnews.com/treatment-of-blood-cancer-with-car-t-cell/

https://www.youtube.com/watch?v=J1i9Z83vHp0

Share

Related posts

PMJAY હેઠળ હવે રાજ્ય કર્મચારીઓ માટે 10 લાખ સુધીની કેશલેસ સારવાર

abplusnews

PM મોદીના હસ્તે રામ મંદિરના શિખર પર ધર્મ ધ્વજ ફરકશે, અમદાવાદે બનાવ્યો ધ્વજ દંડ

abplusnews

નરોડામાં પથ્થરમારાની ઘટના : સામાન્ય બોલાચાલીએ હિંસક રૂપ લીધું

abplusnews

Leave a Comment