અમદાવાદ શહેરમાં લાંબા સમયથી દબાણોના કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યાઓ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના એસ્ટેટ વિભાગે કડક વલણ અપનાવી વ્યાપક અભિયાન હાથ ધરતાં શહેરના પૂર્વ અને મધ્ય ઝોનના વિસ્તારોમાં ખળભળાટ મચી ગયો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સ્પષ્ટ સૂચના અને માર્ગદર્શન હેઠળ AMCના એસ્ટેટ વિભાગ, AUDA, એન્જિનિયરિંગ વિભાગ તથા NHAIની સંયુક્ત ટીમ દ્વારા વસ્ત્રાલ, ઓઢવ, નિકોલ, મણીનગર, સિટીએમ સહિતના ટ્રાફિક સંવેદનશીલ વિસ્તારોમાં દબાણો સામે સઘન કાર્યવાહી કરવામાં આવી છે.
શહેરના મુખ્ય માર્ગો અને સર્વિસ રોડ પર વર્ષોથી ગેરકાયદે દબાણો, ઠેલાં, લારીઓ, સામગ્રીનો જથ્થો તથા ગેરકાયદે પાર્કિંગના કારણે માર્ગોની પહોળાઈ ઘટી જવાથી નાગરિકોને રોજબરોજ ભારે ટ્રાફિક જામનો સામનો કરવો પડતો હતો. આ સમસ્યાનો લાંબાગાળાનો ઉકેલ લાવવા માટે AMC દ્વારા આયોજનબદ્ધ રીતે દબાણ હટાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સંયુક્ત ટીમે કાર્યવાહી દરમિયાન માર્ગો પર અવરોધરૂપ બનેલા તમામ દબાણો દૂર કરી માર્ગોને ખુલ્લા અને વાહનવ્યવહાર માટે સુલભ બનાવ્યા છે.
અભિયાન અંતર્ગત વસ્ત્રાલ, ઓઢવ, નિકોલ, મણીનગર રેલવે સ્ટેશન વિસ્તાર, પુષ્પકુંચા રોડ, ગોવિંદવાડી લીમડા, ખોડીયારનગર, સિટીએમ ચાર રસ્તા તથા ગરીબનગર ચાર રસ્તા જેવા વિસ્તારોમાં વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. આ વિસ્તારોમાં દબાણોના કારણે ટ્રાફિકની સતત સમસ્યા સર્જાતી હતી. દબાણો દૂર થતાં હવે વાહનચાલકોને સરળ અવરજવર મળી રહી છે અને ટ્રાફિક વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો છે.
વિશેષ કરીને વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા રામરાજ્યનગર ચાર રસ્તા પર સર્વિસ રોડ પર પારણાંવાળી બસો, લારીઓ અને વિવિધ સામગ્રીના કારણે રોજબરોજ ટ્રાફિક જામ સર્જાતો હતો. AMCની ટીમે અહીંથી તમામ દબાણો દૂર કરી સર્વિસ રોડ સંપૂર્ણપણે ખુલ્લો કર્યો છે. આ ઉપરાંત ખોખરા સર્કલ ખાતે માર્ગ પહોળો કરવા તથા ટ્રાફિક નિયમન વધુ સુચારુ બનાવવા માટે પણ દબાણો હટાવવામાં આવ્યા છે.
અનુપમ સર્કલ પાસે દુકાનોની આગળ રાખવામાં આવેલા ઠેલાં, ગેરકાયદે દબાણો અને અનિયમિત પાર્કિંગના કારણે ટ્રાફિક વારંવાર ખોરવાતો હતો. અહીં AMC દ્વારા દબાણો દૂર કરી ગેરકાયદે પાર્કિંગ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે. AMCના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ અભિયાન માત્ર તાત્કાલિક રાહત માટે નહીં પરંતુ શહેરની ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાના હેતુથી હાથ ધરવામાં આવ્યું છે.
AMC દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ભવિષ્યમાં ફરી દબાણો ન ઊભા થાય તે માટે નિયમિત મોનિટરિંગ કરવામાં આવશે અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે. આ અભિયાનના પરિણામે શહેરના માર્ગો વધુ ખુલ્લા, સુરક્ષિત અને નાગરિકો માટે સુલભ બન્યા છે, જેનાથી અમદાવાદની ટ્રાફિક વ્યવસ્થામાં મહત્વપૂર્ણ સુધારો થયો હોવાનું સ્પષ્ટ જોવા મળે છે.
વધુ સમાચાર વાંચો :
CAR-T સેલ થેરેપીથી બ્લડ કેન્સરનો ઇલાજ હવે ગુજરાતમાં જ શક્ય
https://abplusnews.com/treatment-of-blood-cancer-with-car-t-cell/


