અમદાવાદના નરોડા વિસ્તારમાં ક્રાઈમ બ્રાંચના પોલીસ કર્મચારીની ઓળખ આપીને એક ગઠીયાએ યુવકનું બળજબરીપૂર્વક 40 હજાર રૂપિયા પડાવી લેવાની ગંભીર ઘટના સામે આવી છે. નરોડા પોલીસે ઝડપી કાર્યવાહી કરી નકલી પોલીસ બનીને લૂંટ ચલાવનાર આરોપી મોહમ્મદ શાહરૂખની ધરપકડ કરી છે. ફરિયાદ નોંધાયા બાદ ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડવામાં આવતા પોલીસની કામગીરી વખાણનીય રહી છે.
પ્રાપ્ત વિગતો મુજબ કુબેરનગર વિસ્તારમાં આવેલા એ વોર્ડમાં રહેતા ગણેશ મદ્રાસી રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. થોડા દિવસ પહેલા બપોરે અંદાજે અઢીથી ત્રણ વાગ્યાની વચ્ચે ગણેશ મદ્રાસી બાઈક લઈને નરોડા વિસ્તારમાં ચીજવસ્તુઓ લેવા માટે ગયો હતો. નરોડા બેઠક ત્રણ રસ્તા પાસે પહોંચતા અચાનક એક રિક્ષા તેની પાસે આવીને ઉભી રહી હતી.
રિક્ષામાંથી ઉતરેલા એક શખ્સે પોતે ક્રાઈમ બ્રાંચનો પોલીસ કર્મચારી હોવાનું કહી ગણેશને અટકાવ્યો હતો. તેણે ગણેશ પર દારૂ લઈ જવાનો આરોપ લગાવી તેની ખિસ્સા તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન કોઈ પણ ગેરકાયદેસર વસ્તુ ન મળતા આરોપીએ બાઈકના પુરાવા માંગ્યા હતા. ગણેશ પાસે પીયુસી અને વિમાના દસ્તાવેજ ન હોવાથી આરોપીએ બાઈક જમા કરાવવાની ધમકી આપી હતી.
આ દરમિયાન નકલી પોલીસે બાઈક જમા ન કરાવવાના બદલામાં 40 હજાર રૂપિયાની માંગણી કરી હતી. ગણેશે રૂપિયા આપવાનો ઇન્કાર કરતા આરોપી ઉશ્કેરાયો હતો અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવાનું શરૂ કર્યું હતું. બાદમાં આરોપીએ ગણેશનું બાઈક રસ્તા કિનારે મુકાવી તેને બળજબરીપૂર્વક રિક્ષામાં બેસાડી નરોડા સુતરના કારખાના વિસ્તારમાં લઈ ગયો હતો.
સુતરના કારખાને આવેલ ATM ખાતે લઈ જઈ આરોપીએ ગણેશને ડેબિટ કાર્ડથી રૂપિયા ઉપાડવા માટે દબાણ કર્યું હતું. એટીએમમાં પણ આરોપી તેની પાછળ પાછળ જતો રહ્યો હતો અને જાહેરમાં હંગામો કર્યો હતો. આરોપીએ ગણેશને આજીવન કેદની સજાના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી, જેના કારણે ગણેશ ભયભીત થઈ ગયો હતો.
ભયના માહોલમાં ગણેશે એટીએમમાંથી 40 હજાર રૂપિયા ઉપાડી આરોપીને આપી દીધા હતા. રૂપિયા મેળવી આરોપી પોતાની રિક્ષા લઈને ફરાર થઈ ગયો હતો. બાદમાં ગણેશ અન્ય રિક્ષામાં બેસીને નરોડા બેઠક પર આવ્યો અને પોતાનું બાઈક લઈને ઘરે પહોંચ્યો હતો. સમગ્ર ઘટના બાદ ગભરાયેલા ગણેશે પરિવારને જાણ કરી નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે નરોડા પોલીસે ઝડપી તપાસ હાથ ધરી અને આરોપી મોહમ્મદ શાહરૂખની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપીએ 15 હજાર રૂપિયા રોકડા તેમજ બાકીના રૂપિયા ATMમાંથી બળજબરીપૂર્વક ઉપાડાવ્યા હતા. હાલ પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વધુ સમાચાર વાંચો :
CAR-T સેલ થેરેપીથી બ્લડ કેન્સરનો ઇલાજ હવે ગુજરાતમાં જ શક્ય
https://abplusnews.com/treatment-of-blood-cancer-with-car-t-cell/

